પંજાબ પોલીસ દ્વારા ટાઈમ્સ નાઉ નવભારતનાં પત્રકાર ભાવના કિશોરની ધરપકડ કરવામાં આવ્યા બાદ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે તેમને વચગાળાના જામીન આપી દીધા છે. તેમની જામીન અરજી પર આગામી સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
#BREAKING
— TIMES NOW (@TimesNow) May 6, 2023
Big win for TIMES NETWORK! High Court grants interim bail to @BhawanaKishore pic.twitter.com/mhKagcJR6Y
પંજાબ પોલીસે શનિવારે (6 મે, 2023) ભાવના કિશોર અને તેમના સાથીઓની ધરપકડ કરી લીધી હતી. તેમની ઉપર રૅશ ડ્રાઇવિંગનો કેસ કરવામાં આવ્યો હતો ઉપરાંત SC-ST એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી હતી. તે પહેલાં શુક્રવારે સાત કલાક સુધી તેમને હિરાસતમાં રાખવામાં આવ્યાં હતાં. તેઓ એક કાર્યક્રમ કવર કરવા માટે ગયાં હતાં, જ્યાંથી પરત ફરતી વખતે અટકાયત કરી લેવામાં આવી હતી.
પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, તેઓ જે કારમાં જઈ રહ્યાં હતાં તેણે એક મહિલાને ટક્કર મારી હતી અને જેના કારણે તેમના જમણા હાથ પર ઇજા પહોંચી હતી. પોલીસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ત્રણેયે પીડિત મહિલાને જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરી હતી.
તમામ વિરુદ્ધ IPCની કલમ 297, 337 અને 427 તેમજ SC-ST એક્ટની કલમ 3 અને 4 હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 13 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.
વધુ સુનાવણી સોમવારે હાથ ધરશે હાઇકોર્ટ
ટાઈમ્સ નાઉ નવભારતના પત્રકાર અને અન્યોની ધરપકડ બાદ મામલો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચ્યો હતો અને ભાવના કિશોર અને અન્યોની ધરપકડને પડકારવામાં આવી હતી. જ્યાં કોર્ટે તેમને વચગાળાની રાહત આપીને જામીન મંજૂર કરી દીધા હતા અને બાકીની સુનાવણી સોમવારે મુકરર કરી હતી.
'नवभारत' का सच जीता.. AAP की साजिश हारी.. भावना किशोर को पंजाब एंड हरियाणा हाईकोर्ट से मिली अंतरिम बेल @navikakumar @SushantBSinha #OperationSheeshMahal #Breaking #ReleaseBhawanaKishore #BreakingNews pic.twitter.com/03BafgntHQ
— Times Now Navbharat (@TNNavbharat) May 6, 2023
ટાઈમ્સ નાઉ નવભારતના રિપોર્ટ અનુસાર, સુનાવણી દરમિયાન કોર્ટે પંજાબ પોલીસના જાતિસૂચક શબ્દો કહેવાના આરોપ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાવના કિશોરની જામીન અરજી સાંભળતાં હાઇકોર્ટે કહ્યું કે, જે યુવતી બહારથી રિપોર્ટિંગ કરવા આવી હોય તેને જાતિ વિશે કઈ રીતે ખબર પડે?
‘કેજરીવાલ વિરુદ્ધના ‘ઓપરેશન શીશમહલ’નો બદલો’
આ ધરપકડ એવા સમયે થઇ છે જ્યારે ટાઈમ્સ નાઉ ગ્રુપની ચેનલો એક પછી એક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવા અને સ્ફોટક ખુલાસાઓ કરી રહી છે. ચેનલે અરવિંદ કેજરીવાલે પોતાના ઘરમાં 45 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, ત્યારથી આ મુદ્દો ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ચેનલે કેજરીવાલના ઘરની અંદરની તસ્વીરો પણ જાહેર કરી હતી.
ટાઈમ્સ નાઉ ગ્રુપનાં એડિટર નાવિક કુમારે આ મામલાને લઈને કહ્યું કે, તેઓ છેલ્લાં બે અઠવાડિયાથી ‘ઓપરેશન શીશમહલ’ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન વિશે ખુલાસા કરી રહ્યા છે, જેનો બદલો લેવા માટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આ કાર્યવાહી કરી છે. તેમણે ઉમેર્યું કે, તેઓ પાછળ હટશે નહીં અને પોતાનું કામ ચાલુ રાખશે.