શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યા મામલે બંને શૂટરો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે એક સંયુક્ત ઑપરેશનમાં ચંદીગઢથી આ ત્રણેયને દબોચી લીધા હતા.
આરોપીઓની ઓળખ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉદ્યમ તરીકે થઈ છે. જેમાંથી રોહિત અને નીતિન બંને હત્યામાં સામેલ હતા, જ્યારે ઉદ્યમે તેમને ભાગવામાં મદદ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યા કરનારાઓની ધરપકડ કરીને દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમને લઈને દિલ્હી પહોંચી હતી, જ્યાંથી જયપુર લઇ જવામાં આવશે.
#WATCH | Delhi: The accused in the Sukhdev Singh Gogamedi murder case brought to the Crime Branch Office. https://t.co/oPuhcesScg pic.twitter.com/ynTa1HUkzN
— ANI (@ANI) December 9, 2023
રિપોર્ટ અનુસાર, પોલીસ ટેકનિકલ સર્વેલન્સ મારફતે આરોપીઓ સુધી પહોંચી હતી. હત્યાકાંડ બાદ તેઓ રાજસ્થાનથી હરિયાણાના હિસ્સાર ગયા હતા, જ્યાંથી મનાલી અને ત્યાંથી ચંદીગઢ ગયા હતા, જ્યાં પોલીસના હાથે ઝડપાઈ ગયા. પોલીસ જ્યારે પહોંચી તો ત્રણેય સાથે જ હતા. હત્યા બાદ શૂટરો ગેંગસ્ટર રોહિત ગોદારાના રાઈટ હેન્ડ વિરેન્દ્ર ચરણ અને દાનારામના સંપર્કમાં હતા. પોલીસ હવે આ બેને પણ શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં શનિવારે (9 ડિસેમ્બર) જયપુર પોલીસે આ કેસમાં પહેલી ધરપકડ કરી હતી. રામવીર સિંઘ નામના એક વ્યક્તિને જયપુરથી પકડી લેવામાં આવ્યો હતો. તેણે પણ શૂટરોને મદદ કરી હતી. તે બે શૂટરો પૈકીના એક નિતિન ફૌજીનો મિત્ર છે.
આજતકના રિપોર્ટ અનુસાર, નીતિન ફૌજીએ પોલીસને જણાવ્યું કે 9 નવેમ્બરના રોજ તેનું નામ એક ચોરીના કેસમાં આવ્યું હતું અને જ્યારે હરિયાણા પોલીસ તેને પકડવા ગઈ તો તેણે ફાયરિંગ કરી દીધું અને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ તે જાણતો હતો કે નોકરી પણ જશે અને પરિવાર પણ તેને નહીં સ્વીકારે. આ દરમિયાન નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેનો સંપર્ક રોહિત ગોદારા અને ચરણના સહયોગી રોની સાથે થયો હતો. ત્રણેયે તેને કહ્યું કે જો તે કરણી સેના ચીફને મારવામાં મદદ કરે તો તેના માટે કેનેડાના વીઝા અને ફર્જી પાસપોર્ટની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
રોહિતનો સુખદેવ સિંઘ ગોગામેડી સાથે જમીનને લઈને વિવાદ હતો. તેણે નીતિન અને ત્યારબાદ નવીન શેખાવતને પોતાની સાથે જોડી લીધા હતા. જોકે, નવીન શેખાવતને યોજનાની પૂરેપૂરી જાણકારી ન હતી. હત્યાના દિવસે નવીન શેખાવતને પણ શૂટરોએ મારી નાખ્યો હતો.
સુખદેવ સિંઘ ગોગામેડીની તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેની જવાબદારી પછીથી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લીધી હતી. આરોપીઓ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સુખદેવ સિંઘના ઘરે પહોંચ્યા હતા. તેમણે સુખદેવ સિંઘના પરિચિત નવીન શેખાવતને પણ સાથે રાખ્યો હતો. તમામ બેસીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક શૂટરોએ હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા. બીજી તરફ, સુખદેવ સિંઘને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ બચાવી શકાયા ન હતા.