તાજેતરમાં ભાવનગર જિલ્લાના સિહોરના વરલ ગામે નજીવી તકરારમાં એક હિંદુ સગીરાની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી આરિફ સહિત છની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુઓ આક્રોશિત છે અને તેમણે હત્યારાઓનો સામાજિક બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો છે.
રિપોર્ટ અનુસાર, વરલ ગામે સગીરાની હત્યા બાદ લગભગ 2 હજારથી વધુ હિંદુઓ એકઠા થયા હતા અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હત્યારાઓનો સામાજિક બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો હતો. ઉપરાંત, જીવન-જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ હિંદુઓ પાસેથી જ ખરીદવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો.
હિંદુઓએ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરતા તત્વોને પ્રોત્સાહન ન આપીને હિંદુઓ પાસેથી જ ખરીદી કરવાનો સંકલ્પ કર્યો હતો. ઉપરાંત, સગીરાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે યોજાયેલી આ સભામાં હત્યારાઓને ફાંસીની સજા આપવા પણ માંગ કરવામાં આવી હતી.
બીજી તરફ, આ મામલે પકડાયેલા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આરિફ, અમીન, અશરફ, અરમાન, આદિલ અને ઈરફાન નામના છ ઈસમોની ધરપકડ કરી લીધી હતી, જેમાંથી આરિફ હાલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બાકીના પાંચની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
આરિફે કિશોરીને છરીના ઘા કરી મારી નાંખી હતી
આ ઘટના ગત ગુરુવાર (9 ફેબ્રુઆરી, 2023)ની છે. ભાવનગરના સિહોરના વરલ ગામ ખાતે ટાવરનું કામ ચાલી રહ્યું છે, જ્યાં કાટમાળ લેવા ગયેલા આરોપીઓ અને મૃતકના કાકા વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. આરોપીઓએ કાટમાળ ઉઠાવવા માટે ગ્રામ પંચાયતમાં લીઝ ભરી ન હતી જેને લઈને આ ઝઘડો થયો હતો.
દરમ્યાન, આરિફ નામનો ઈસમ ઉશ્કેરાઈ જઈને ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ બારૈયાને છરી લઈને મારવા દોડ્યો હતો. ત્યારે જ લશ્કરભાઈની ભત્રીજી રાધિકા વચ્ચે આવી જતાં આરિફે તેને છરી મારી દીધી હતી.
લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી કિશોરીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. જોકે, કિશોરી પર હુમલા બાદ આરિફને પણ મેથીપાક આપવામાં આવ્યો હતો, જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ છ આરોપીઓની અટક કરી લીધી હતી. તેમની સામે IPCની 307, 323, 324, 504, 114 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક તરફ ભાવનગર પોલીસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ સ્થાનિક સ્તરે હિંદુ સગીરાની આ કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે જ તાજેતરમાં હજારો લોકોએ એકઠા થઈને સંકલ્પ કર્યો હતો.