જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને લઈને અમિત શાહની હાઇલેવલ મિટિંગ બાદ સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષાદળોએ સોમવારની (17 જૂન, 2024) સવારે જ એક આતંકવાદી ઠાર માર્યો છે. બાંદીપોરા વિસ્તારના લોકોએ પણ ગોળીઓના અવાજ સાંભળ્યા છે. હાલ સુરક્ષાદળોએ તે વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અરાગામના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
સોમવારે (17 જૂન) કાશ્મીરના બાંદીપોરામાં એક આતંકવાદી ઠાર મરાયો છે. મોડી રાત્રે બાંદીપોરા જિલ્લાના અરાગામના જંગલ વિસ્તારમાં ગોળીઓના અવાજ સાંભળવા મળ્યા હતા. ગ્રામીણોએ સેનાના જવાનોને તે વિશે જાણ કરી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડી વાર પછી ગોળીઓનો અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે, સુરક્ષાદળોની ગોળીઓથી એક આતંકવાદી માર્યો ગયો છે. હાલમાં પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
#WATCH | Jammu & Kashmir: Bandipora area cordoned off and search operation underway, after gunshots were heard in the forest area of Aragam Bandipora district, yesterday. More details are awaited pic.twitter.com/TvGBDbBmQK
— ANI (@ANI) June 17, 2024
જમ્મુ વિસ્તારમાં એક પછી એક આતંકવાની ચાર ઘટનાઓ બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સોમવારે (17 જૂન) જમ્મુમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ નગરોટામાં વ્હાઇટ નાઈટ કોર્પ્સ સાથે મહત્વપૂર્ણ બેઠકની પણ અધ્યક્ષતા કરી શકે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે, જમ્મુના રિયાસી વિસ્તારમાં થયેલા આતંકી હુમલાની તપાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIAને સોંપી દીધી છે. NIAએ આ મામલે UPA હેઠળ FIR નોંધી છે.
અમિત શાહે બોલાવી હતી હાઇલેવલ મિટિંગ
નોંધનીય છે કે, જમ્મુમાં વધી રહેલા આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે (16 જૂન) 11 કલાકે ગૃહ મંત્રાલય ખાતે હાઇલેવલ મિટિંગ બોલાવી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ, IB ચીફ, RAW ચીફ, NIAના DG, તમામ અર્ધ સૈનિક દળોના DG, આર્મી અને એરફોર્સના મોટા અધિકારીઓ સહિત ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં જમ્મુમાંથી આતંકીઓને ખતમ કરવા માટેની યોજના ઘડવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કચડી નાખવાના અને સરળ, સલામત અને ઘટનામુક્ત અમરનાથ યાત્રા સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા હતા. કેન્દ્ર સરકારની કડક સૂચનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળો આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ એન તેમના સમર્થકોને નિશાન બનાવવા માટે એક મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહના દિવસે કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓની એક બસને આતંકવાદીઓએ ટાર્ગેટ કરી હતી. ચારે તરફથી આતંકીઓએ બસ પર ગોળીઓ વરસાવી હતી, જેને લઈને બસ ખીણમાં પડી ગઈ હતી. આ આતંકી હુમલામાં ડ્રાઈવર સહિત 10 લોકોના મોત થયા હતા. ત્યારબાદ જમ્મુના અલગ-અલગ વિસ્તારોમાં 3 આતંકી ઘટનાઓ બનવા પામી હતી.