2016ના રોહિત વેમુલા આપઘાત કેસ મામલે તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યા બાદ હવે ફરીથી તપાસ આગળ ચલાવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે આ કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે, જેની ચર્ચા પણ ખૂબ ચાલી. હવે DGPએ જણાવ્યું છે કે તેઓ આગળ તપાસ ચલાવવાની પરવાનગી આપવા માટે કોર્ટને રજૂઆત કરશે.
આ મામલે તેલંગાણાના DGPએ જણાવ્યું કે, રોહિત વેમુલા કેસમાં કરવામાં આવેલી તપાસ મામલે મૃતકની માતા અને અન્યો દ્વારા શંકાઓ વ્યક્ત કરવામાં આવતાં હવે કેસમાં તપાસ આગળ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે તપાસ આગળ ચલાવવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ પરવાનગી માંગવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.”
Rohith Vemula death case | "As some doubts have been expressed by the mother and others of the deceased Rohith Vemula on the investigation conducted, it has been decided to conduct further investigation into the case. A petition will be filed in the Court concerned requesting the…
— ANI (@ANI) May 4, 2024
તેમણે આગળ કહ્યું કે, “આ કેસમાં તપાસ અધિકારી માધાપુરના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ હતા અને નવેમ્બર, 2023 પહેલાં આ ક્લોઝર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા 21 માર્ચ, 2024ના રોજ અંતિમ ક્લોઝર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જે સમાચાર સામે આવ્યા, તેમાં જાણવા મળ્યું હતું કે તેલંગાણા પોલીસે હાઈકોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રોહિત વેમુલાના મૃત્યુ પાછળ કોઈ સંસ્થા, યુનિવર્સિટી કે વ્યક્તિ જવાબદાર નથી પરંતુ તેનાં જ અંગત જીવનનાં અમુક કારણોના લીધે જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે રિપોર્ટમાં તમામ આરોપીઓને ક્લીન ચિટ આપી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને સિકંદરાબાદના તત્કાલીન ભાજપ સાંસદ સહિત યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને ABVP નેતાઓનાં નામ હતાં.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રોહિત વેમુલા દલિત હતો જ નહીં અને તેની માતાએ તેનું SC સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું, જેની તેને ખબર હતી. પોતાની સાચી ઓળખ છતી ન થઈ જાય તેની ચિંતા તેને કાયમ રહેતી અને તે જાણતો હતો કે આ વાત બહાર આવી ગઈ તો તેના અભ્યાસ પર પણ અસર પડશે અને કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે. આ જ કારણોસર તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઉપરાંત, એવું પણ જણાવાયું કે તે અભ્યાસ કરતાં ઇતર રાજકીય પ્રવૃતિમાં વધુ સક્રિય રહેતો, જેની અસર અભ્યાસ પર પણ જોવા મળી રહી હતી.