તાજેતરમાં જ તમિલનાડુની એક શાળામાં ફેક NCC કેમ્પ (Tamil Nadu Fake NCC Camp) આયોજિત કરીને વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે શાળાના પ્રિન્સિપાલ અને જે ગ્રુપે આયોજન કર્યું હતું તેના સંચાલક સહિત અનેકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તાજા અહેવાલો મુજબ કેસનો મુખ્ય આરોપી (Main accused) એ શિવરામન (30) મૃત્યુ પામ્યો છે. તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી. પછી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બચી ન શક્યો. બીજી તરફ, તેના પિતાનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
શિવરામન પર વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. ગત 19 ઑગસ્ટના રોજ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પગમાં ફ્રેક્ચર થયું હતું. પછીથી તેને ક્રિષ્નાગિરિ મેડિકલ કોલેજ-હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેણે ઉંદર મારવાની દવા ગટકાવી દીધી હતી. જોકે, પોલીસ અનુસાર તેણે પહેલાં જણાવ્યું ન હતું પરંતુ પછીથી કબૂલાત કરી હતી.
પછીથી લિવર ડેમેજ થતાં બુધવારે (21 ઑગસ્ટ) તેને અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો, પરંતુ શુક્રવારે સવારે તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો.
નોંધવું જોઈએ કે બાળકીના વાલીઓની ફરિયાદના આધારે 17 ઑગસ્ટના રોજ શિવરામન વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. પછીથી તેની ધરપકડ કરાઈ. બુધવારે અન્ય એક 14 વર્ષીય બાળકીના માતા-પિતાની ફરિયાદ પર તેની વિરુદ્ધ અન્ય એક પોક્સો કેસ પણ નોંધાયો હતો. જેમાં આરોપ લગાવાયો હતો કે શિવરામને ગત જાન્યુઆરીમાં બાળકીનું યૌન શોષણ કર્યું હતું. જ્યારે બુધવારે જ એક જમીન વિવાદમાં ₹36.20 લાખનું ફ્રોડ કરવા મામલે પણ તેની સામે એક કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ અનુસાર, શિવરામને ગત મહિને પણ પારિવારિક વિવાદના કારણે ઝેર ગટગટાવી લીધું હતું અને પછીથી 10 દિવસ માટે હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ત્યારે તે બચી ગયો હતો પરંતુ હાલના કિસ્સામાં બચી શક્યો નહીં. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
શિવરામનના પિતાનું પણ મોત
બીજી તરફ, અન્ય એક ઘટનામાં શિવરામનના મૃત્યુના થોડા જ કલાક પહેલાં તેના પિતાનું પણ માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. શિવરામનના પિતા એસ અશોક કુમાર (61) ઘરે પરત ફરતી વખતે બાઈક પરથી પડી ગયા હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ અનુસાર, સ્થાનિકોએ તેમને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં મૃત પડ્યો હોવાની જાણકારી આપી હતી. અશોકે દારૂ પીધો હોવાનું કહેવાય રહ્યું છે.
અધિકારીઓએ કહ્યું કે, “અમે જઈને મૃતદેહ કબજે કરી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેઓ શિવરામનના પિતા હતા.” તેમણે જણાવ્યું કે, દારૂ પીધા બાદ તેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. નશાના કારણે બાઇક પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો. તેમના મૃતદેહનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
અન્નામલાઇએ કહ્યું- કોઈને બચાવવા માટે હત્યા કરાઈ કે અન્ય કોઈ કારણ?
થોડા જ કલાકોમાં કેસના મુખ્ય આરોપી અને તેના પિતાનું મોત થવાથી પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઇએ X પર એક પોસ્ટ કરીને આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂરતી તપાસની માંગ કરી હતી.
கிருஷ்ணகிரி மாவட்டம் பர்கூர் அருகே, தனியார் பள்ளியில் போலி என்சிசி முகாம் நடத்தி, பள்ளி மாணவியை பாலியல் வன்கொடுமை செய்த வழக்கில் கைதான, நாம் தமிழர் கட்சி நிர்வாகி சிவராமன், காவல்துறை சிறப்புப் புலனாய்வுக் குழு விசாரணைக்கு முன்பாகவே, எலி மருந்து சாப்பிட்டு, இன்று காலை…
— K.Annamalai (@annamalai_k) August 23, 2024
ભાજપ નેતાએ કહ્યું કે, ‘નામ તમિલ પાર્ટીના નેતા શિવરામન, જેમની કૃષ્ણાગિરી જિલ્લાની ખાનગી શાળામાં ફેક NCC કૅમ્પ આયોજિત કરીને વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપસર ધરપકડ થઈ હતી, તેઓ પોલીસ તપાસ કરે તે પહેલાં જ આ સવારે મૃત્યુ પામ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં, તેમના પિતા પણ ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.’
તેમણે આગળ કહ્યું, ‘આ બંને મૃત્યુ શંકાસ્પદ છે. કેસમાં અન્ય મોટાં નામો સંડોવાયેલાં હોય તો તે શિવરામન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આપી શકે તે ડરના કારણે તેની હત્યા થઈ હોય શકે. આ કેસમાં સંડોવાયેલા લોકો ખરેખર પકડાયા છે કે પછી પિતા-પુત્ર બંનેનાં મોત કોઈને બચાવવા માટે થયાં છે તે બાબતે શંકા ઉપજી રહી છે.’ તેમણે આ કેસની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને આ મામલે પૂરતી તપાસ કરીને પ્રશ્નોના જવાબ શોધવા માટે અપીલ કરી હતી.
શું છે કેસ?
ઘટના તમિલનાડુના કૃષ્ણાગિરિની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું કે ખાનગી શાળામાં કોઇ NCC યુનિટ ન હતું, પરંતુ તેમ છતાં કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, એક ખાનગી ગ્રૂપે શાળા સંચાલકોનો સંપર્ક કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો કેમ્પ આયોજિત કર્યા બાદ તેઓ NCC યુનિટ માટે ક્વોલિફાય થશે. શાળાએ કોઇ પણ તપાસ કર્યા વગર જ જૂથને કેમ્પ યોજવા માટે પરવાનગી આપી દીધી હતી. ત્રિદિવસીય કેમ્પમાં કુલ 17 વિદ્યાર્થિનીઓ સહિત 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શાળાના ઑડિટોરિયમના પહેલા માળે વિદ્યાર્થિનીઓ માટે રાત્રિરોકાણની વ્યવસ્થા હતી, જ્યારે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આરોપ છે કે સુપરવિઝન માટે કોઇ પણ શિક્ષકને જવાબદારી સોંપવામાં આવી ન હતી. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમનું અહીં યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળા સંચાલકોને મામલાની ખબર હોવા છતાં તેમણે પોલીસને જાણ કરવાના સ્થાને મામલો રફેદફે કરવાના પ્રયાસ કર્યા અને બાળકોને પણ બહુ ગંભીરતાથી ન લેવા માટે કહ્યું હતું.