નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રવિવારે (28 મે, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત, અત્યાધુનિક સંસદ ભવનનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ લોકસભા સ્પીકરના આસન નજીક એક ઐતિહાસિક સેંગોલ પણ સ્થાપશે. તમિલનાડુથી આવેલા અધીનમના સંતોએ આ સેંગોલ પીએમ મોદીને સોંપ્યો હતો.
Delhi | Adheenams handover the #Sengol to Prime Minister Narendra Modi, a day before the inauguration ceremony of #NewParliamentBuilding pic.twitter.com/emA1QReyVR
— ANI (@ANI) May 27, 2023
સંસદ ભવનના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના સંતો-મહંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. દરમ્યાન, પ્રમુખ મહંતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આ સેંગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમન અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી ઉપસ્થિત રહ્યાં.
તમિલ ભાષામાં અધીનમનો અર્થ શૈવ મઠ તરીકે થાય છે. સૌથી પ્રાચીન શૈવ મઠો (અધીનમ) ધર્મપુરમ અને તિરૂવાવદુથુરઈના મહંતો આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓ આવતીકાલે સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ સામેલ થશે તેમજ વૈદિક વિધિથી રાજદંડની સ્થાપના પણ કરાવશે.
શું છે સેંગોલ?
સેંગોલ એક દંડ જેવી આકૃતિ ધરાવતો રાજદંડ હોય છે. ચોલ વંશમાં એવી પરંપરા હતી કે એક શાસક બીજા શાસકને સત્તા સોંપતી વખતે આ રાજદંડ પણ સોંપતા હતા. જે ન્યાય અને સુશાસનનો પ્રતીક ગણાતો અને સદાય જે-તે રાજાને તેની યાદ અપાવતો રહેતો. તે રાજાની રાજશક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં રાજદંડ સત્તા હસ્તાંતરણનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે.
જે સેંગોલ સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવનાર છે તે વર્ષ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને સત્તા હસ્તાંતરણના પ્રતીક સ્વરૂપે સોંપવામાં આવ્યો હતો. ભારત જ્યારે બ્રિટિશરોની ગુલામીમાંથી સ્વતંત્ર થયું ત્યારે આ સ્વતંત્રતાના પ્રતીક તરીકે આ રાજદંડ સોંપાયો હતો અને પ્રથમ પીએમ નહેરૂએ તે સ્વીકાર્યો હતો. જોકે, પછી તેને ભુલાવી દેવામાં આવ્યો અને પ્રયાગરાજના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. હવે સરકાર તેને સંસદ ભવનમાં સ્થાન આપવા જઈ રહી છે.
1947માં સેંગોલ બનાવવાનું કામ અંતિમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીએ ઉપાડ્યું હતું. તેમણે તમિલનાડુના તિરૂવાવદુથુરઈ અધીનમનો સંપર્ક કર્યો હતો. જે મઠ દ્વારા સ્વર્ણકારો પાસે આ વિશેષ રાજદંડ તૈયાર કરાવવામાં આવ્યો હતો. જેને લઈને અધીનમના મહંતો દિલ્હી પહોંચ્યા હતા અને ધાર્મિક વિધિ દ્વારા જવાહરલાલ નહેરૂને સોંપ્યો હતો.