સુપ્રીમ કોર્ટે (Supreme Court) પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ (Places Of Worship Act) કેસમાં અરજીઓની વધતી સંખ્યા પર નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવા માટે દાખલ કરવામાં આવતી નવી અરજીઓને ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ મામલે ત્રણ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સુનાવણી કરવાની છે.
17 ફેબ્રુઆરીના રોજ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ કેસની સુનાવણી કરતી વખતે, CJI સંજીવ ખન્નાએ કહ્યું કે, આ કેસમાં હસ્તક્ષેપ કરનારી અરજીઓ પર એક મર્યાદા હોવી જોઈએ. મોટી સંખ્યામાં અરજીઓને ધ્યાનમાં રાખીને તેમણે 17 ફેબ્રુઆરીએ આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અરજીઓથી સુપ્રીમ કોર્ટમાં નારાજગી
આ અંગે સુનાવણી કરતા CJI સંજીવ ખન્નાએ કહ્યું, “અમે આજે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ કેસની સુનાવણી કરીશું નહીં. આ 3 જજોની બેન્ચનો મામલો છે. ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. માર્ચમાં તેની તારીખ આપવામાં આવે. હસ્તક્ષેપ અરજી દાખલ કરવાની પણ એક સીમા હોય છે.”
CJIએ કહ્યું છે કે, આ કેસમાં ફક્ત તે જ અરજીઓ સ્વીકારવામાં આવશે જે આ કેસના કોઈ નવા પાસા સાથે સંબંધિત હોય. આ ઉપરાંત, કોર્ટે એવી અરજીઓ પણ ફગાવી જે દાખલ થયા બાદ તેના પર કોઈ નોટિસ જારી કરવામાં આવી નહોતી.
હવે આ મામલાની સુનાવણી એપ્રિલ, 2025માં બંધારણીય બાબતોની સુનાવણી કરતી બેન્ચ દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે, પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટના આ મામલે કોંગ્રેસ, જમીયત-ઉલેમા-એ-હિંદ, કોમ્યુનિસ્ટ પાર્ટી અને જ્ઞાનવાપી મસ્જિદ સમિતિ સહિત ઘણા લોકોએ કાયદાને સમર્થન આપતી અરજી દાખલ કરી છે. આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસી અને સમાજવાદી પાર્ટીના ઇકરા ચૌધરીએ પણ અરજી દાખલ કરી છે.
હિંદુપક્ષે કાયદાને પડકાર્યો
આ બધાએ આ મામલે તેમને પક્ષકાર બનાવવાની માંગ કરી છે. જોકે, સતત આવી રહેલ નવી અરજીઓના કારણે સુપ્રીમ કોર્ટ નારાજ છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાને હિંદુઓ વતી સુબ્રમણ્યમ સ્વામી, અશ્વિની ઉપાધ્યાય અને અન્ય સંગઠનો દ્વારા પડકારવામાં આવ્યો છે.
હિંદુ પક્ષનું કહેવું છે કે, આ કાયદા દ્વારા એવા તમામ ધાર્મિક સ્થળોને કાનૂની માન્યતા આપવામાં આવી હતી જેનું સ્વરૂપ 1947 પહેલા બદલાઈ ગયું હતું. હિંદુ પક્ષે કહ્યું છે કે, આ કાયદાની કલમ 2, 3 અને 4 રદ કરવી જોઈએ. હિંદુ પક્ષે કહ્યું છે કે, કાયદાને કારણે, તે લોકો એવા ધાર્મિક સ્થળો પરત મેળવી શકાતા નથી, જેનો આક્રમણકારોએ નાશ કર્યો હતો.
હિંદુ પક્ષે આ કાયદાને સંસદમાં પસાર કરવાને લઈને પણ વિરોધ કર્યો છે. હિંદુ પક્ષનું કહેવું છે કે, જે કાયદો લોકોને કોર્ટના દરવાજા ખખડાવતા અટકાવતો હોય તે ગેરબંધારણીય છે. આ ઉપરાંત, હિંદુ પક્ષે કાયદાની બંધારણીયતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
શું છે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991?
1991માં પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા પૂજા સ્થળ અધિનિયમ 1991 અથવા પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991 લાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા કોઈપણ ધાર્મિક સ્થળ એટલે કે તે મસ્જિદ છે, મંદિર છે કે ચર્ચ-ગુરુદ્વારા તેની પ્રકૃતિ નક્કી કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે.
આ કાયદા અનુસાર, ધાર્મિક સ્થળની સ્થિતિ એવી જ રહેશે જેવી દેશની સ્વતંત્રતાના દિવસે એટલે કે 15 ઑગસ્ટ, 1947ના દિવસે હતી. તેનો અર્થ એ થયો કે, આ દિવસે જો કોઈ જગ્યા મસ્જિદ હતી તો તે મસ્જિદ જ રહેશે. આ ઉપરાંત કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલવાના પ્રયાસ કરશે તો તેને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.
આ જ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈપણ ધાર્મિક સ્થળની પ્રકૃતિ બદલવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરે છે, તો તે પણ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે, કોઈ પણ વ્યક્તિ મસ્જિદના સ્થાને મંદિર અથવા મંદિરના સ્થાને મસ્જિદ હોવાનો દાવો કરી કરશે નહીં.
કાયદામાં એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ઇતિહાસમાં ધાર્મિક સ્થળની પ્રકૃતિમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે સાબિત થઈ જાય તોપણ તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે, ઇતિહાસમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનું સાબિત થઈ જાય તો પણ તે મસ્જિદના સ્થાને ફરીથી મંદિર બનાવી શકાય નહીં.
એકંદરે, આ કાયદો કહે છે કે 1947 પહેલાં કોઈપણ ધાર્મિક સ્થાનમાં કોઈ પણ ફેરફારો થયા હોય પરંતુ તે દિવસે તેનું જે સ્વરૂપ હશે તે જ રહેશે. તે જગ્યાઓ પર કોઈ દાવો કરી શકાશે નહીં. સદનસીબે આ કાયદામાં રામ મંદિર-બાબરી વિવાદને છૂટ આપવામાં આવી હતી. કારણ કે ત્યાં સુધીમાં કેસ કોર્ટમાં પહોંચી ગયો હતો.
આ કાયદામાં ઘણી છૂટછાટો પણ આપવામાં આવી છે. આ કાયદો કહે છે કે, જો 15 ઑગસ્ટ, 1947 પછી કોઈપણ ધાર્મિક સ્થાનમાં ફેરફાર થયા છે, તો કાયદાકીય લડાઈ લડી શકાય છે. આ ઉપરાંત ASI દ્વારા સુરક્ષિત સ્મારકો અંગે પણ છૂટછાટ આપવામાં આવી છે.