વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સ્થિત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલ પ્રદર્શન માટે હિંદુ દેવી-દેવતાઓનાં વાંધાજનક ચિત્રો બનાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતા હવે યુનિવર્સીટીએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
મંગળવારે (10 મે 2022) મળેલી સિન્ડીકેટ બેઠકમાં દેવી-દેવતાઓના વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર યાદવને યુનિવર્સીટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તદુપરાંત, ડીન-વાઈસ ડીન સહિતના અધ્યાપકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
વિવાદ બાદ નવ સભ્યોની બનેલી સત્યશોધક સમિતિએ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાદ સંકલન સમિતિએ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, સત્તાધારી જૂથે કોઈ પણ અધ્યાપકને સસ્પેન્ડ કરતા પહેલાં તેમનો પક્ષ મૂકવાની તક આપવા માટે અપીલ કરી હતી. જે બાદ જવાબદાર લોકોને કારણદર્શક નોટીસ પાઠવીને ખુલાસો માંગવાનું નક્કી કરાયું હતું.
અકિલ અહેમદ, ઇન્દ્રપ્રમિત રોય સહિત છ અધ્યાપકોને નોટીસ
સિન્ડીકેટની બેઠક બાદ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલ, વાઈસ ડીન કશ્યપ પરીખ, સ્ક્પલ્ચર વિભાગના કાર્યકારી પ્રમુખ શાંતા સરવૈયા, ગ્રાફિક્સ પેઈન્ટીંગના અધ્યાપકો ઇન્દ્રપ્રમિત રોય, અકિલ અહેમદને કારણ દર્શક નોટીસ પાઠવીને ઘટના અંગે ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ તેમાંથી કોઈ દોષિત ઠરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
ડીન સહિતના છ અધ્યાપકોને પાઠવવામાં આવેલ નોટીસના જવાબો મળ્યા બાદ આ મામલે ફરીથી યુનિવર્સીટીને રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, સમગ્ર વિવાદ બાદ ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા કોડ ઓફ કંડક્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નિર્ણયનું સ્વાગત, સંડોવાયેલા તમામ લોકો પર કાર્યવાહી થાય : એબીવીપી
સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિવેદન જારી કરીને નિર્ણયને આવકારવામાં આવ્યો છે. લેખિત નિવેદનમાં સંગઠને જણાવ્યું છે કે, ‘દેશની અસ્મિતા અને સંસ્કૃતિના થયેલા અપમાનને ન્યાય મળ્યો છે અને ફરી એક વખત સત્યનો વિજય થયો છે. સાથે હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા દરેક લોકો પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી.’
ડીન, અધ્યાપકોનાં નિવેદનોમાં વિરોધાભાસ
વધુમાં, ફાઈન આર્ટ્સ ફેક્લ્ટીમાં થયેલા સમગ્ર વિવાદ મામલે નીમવામાં આવેલ નવ સભ્યોની સત્યશોધક સમિતિએ ગઈકાલે રિપોર્ટ રજૂ કરતાં નોંધ્યું હતું કે આ મામલે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી ડીન અને અધ્યાપકોએ સતત પોતાનાં નિવેદનો બદલ્યાં હતાં. જે બાદ પ્રકરણમાં શંકાઓ તેજ બની છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, સ્કપલ્ચર વિભાગના હેડ શાંતા સરવૈયાએ સમિતિને તપાસના પ્રથમ દિવસે જણાવ્યું હતું કે, વિવાદિત આર્ટ વર્ક જોયા બાદ સવારે કઢાવી લેવામાં આવ્યાં હતાં. જ્યારે બીજી વખત હાજર થતી વખતે જ્યુરીએ જોયા પછી તેમના કહેવાથી બપોરે આર્ટ વર્ક કાઢવાની સૂચના આપી હોવાનું કહ્યું હતું.
વિવાદ સર્જાયો તેના પ્રથમ દિવસે ફેકલ્ટી ડીને નિવેદન આપીને અમારે ત્યાં ચિત્રો બન્યાં જ નથી અને વાયરલ તસવીરમાં દેખાતી દીવાલ ફેકલ્ટીની નથી તેમ કહીને બચાવ કર્યો હતો. પરંતુ સમિતિ સમક્ષ તેમણે કહ્યું હતું કે, “મને કેવી રીતે ખબર હોય કે ચિત્રો બની રહ્યા છે. જેને હવાલો સોંપવામાં આવ્યો હતો તેમણે પણ જણાવ્યું નથી.
આ ઉપરાંત, પોલીસ ફરિયાદ પ્રમાણે વિવાદિત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદનકુમાર યાદવે ફરી પણ આવાં ચિત્રો બનાવીશ તેવું જણાવ્યું હતું. પરંતુ સમિતિ સમક્ષ નિવેદન આપતા માફી માંગતા કહ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઈ છે અને આવાં ચિત્રો ફરી નહીં બનાવું.