જ્ઞાનવાપી સર્વેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા હોવાનો ખુલાસો થયો છે, જ્ઞાનવાપી વિવાદિત માળખાના સર્વે બાદ દરરોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે જ્ઞાનવાપી સરવેમાં પશ્ચિમ દિવાલે હિંદુ ધાર્મિક ચિન્હો મળ્યા છે જેમાં શેષનાગ અને દેવતાઓની કલાકૃતિઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જ્ઞાનવાપી સ્ટ્રક્ચરની પશ્ચિમી દિવાલ પર શેષનાગ અને હિંદુ મંદિરો છે. દેવી-દેવતાઓની કલાકૃતિ સ્પષ્ટપણે જોવા મળે છે. દિવાલની ઉત્તરથી પશ્ચિમ તરફ, પથ્થરની થાળી પર સિંદૂરના લેપ વળી ઉપસેલી કલાકૃતિ છે. જેમાં ચાર મૂર્તિઓનો આકાર દેવતાઓના રૂપમાં દેખાય છે. આ રિપોર્ટ કોર્ટ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.
પોતાના બે પાનાના રિપોર્ટમાં પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે 6 મેના રોજ હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોથી આકૃતિ મૂર્તિ હોવાનું જણાય છે અને તેમાં સિંદૂરનો જાડો લેપ લાગેલો છે. તેની બાજુમાં દીવો પ્રગટાવવા માટે ત્રિકોણાકાર ગોંખલો છે અને તેમાં ફૂલો મૂકવામાં આવ્યા હતા.
પૂર્વ દિશામાં બેરિકેડિંગની અંદર અને માળખાની પશ્ચિમ દિવાલની વચ્ચે, કાટમાળનો ઢગલો છે. આ શિલાલેખ પણ તેમનો જ એક ભાગ હોવાનું જણાય છે. આ પરની ઉપસેલી કલાકૃતિઓ સંરચનાની પશ્ચિમ દિવાલ પરની કલાકૃતિઓ સાથે મેળ ખાતી હોય તેવું લાગે છે.
ઉલ્લેખનીય છે કે, અજય મિશ્રાને બાદમાં માહિતી લીક કરવા બદલ સર્વેમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના રિપોર્ટમાં જે દાવા કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તેમની જગ્યાએ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ કોર્ટ કમિશનર છે. અજય મિશ્રાએ પોતાના રિપોર્ટમાં 6 અને 7 મેના રોજ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અહેવાલમાં લખ્યું છે કે આ તમામ કૃતિઓ 6 મેના રોજ જોવામાં આવી હતી, ત્યારબાદ 7 મેના રોજ મસ્જિદ પરિસરમાં તૂટેલા દેવી-દેવતાઓની મૂર્તિઓ , હિંદુ દેવતાઓના પ્રતીકો અને કલાકૃતિઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ જોવા મળ્યા હતા. જેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે વારાણસીમાં 14 થી 16 મે વચ્ચે શૃંગાર ગૌરી-જ્ઞાનવાપીમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે. એડવોકેટ કમિશનર વિશાલ સિંહ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ પંચની વચ્ચે હટાવાયેલા પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ કોર્ટમાં પોતાનો 2 પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે.
નોંધનીય છે કે ગત દિવસોમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક નામની ત્રણ મહિલાઓએ નવી અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે નંદી મહારાજની સામે આવેલા વિવાદિત માળખાની દિવાલ તોડીને તપાસ કરવાની વિનંતી કરી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તમામ કાટમાળને હટાવીને શિવલિંગની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપવામાં આવે.