કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે મુત્યું પામેલા લોકોની અડધી સંપત્તિ જપ્ત કરવાના કાયદાની વકીલાત કરી છે. તેમણે આ કાયદાને સમર્થન આપ્યું છે. પિત્રોડાએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની 55% સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ અને તેના બાળકોને માત્ર 45% સંપત્તિ મળવી જોઈએ. તેમણે આ માટે અમેરિકી કાયદાનો હવાલો આપ્યો હતો. પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપત્તિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે.
USના શિકાગોમાં મીડિયા સાથે વાત કરતી વખતે ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ કહ્યું કે, “અમેરિકામાં એક વિરાસત કર (ઇનહેરીટેન્સ ટેક્સ) છે. જો કોઈ વ્યક્તિની પાસે 100 મિલિયન ડોલર છે અને તે જ્યારે મૃત્યુ પામે છે, તો તે માત્ર સંપત્તિના 45% જ પોતાનો બાળકોને આપી શકે છે, બાકીના 55% સરકારી તિજોરીમાં જાય છે.” એટલે બાકીના સરકાર જપ્ત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ કાયદા અનુસાર, તમે તમારા સમયમાં સંપત્તિ બનાવી અને હવે તેને જનતા માટે છોડી દો. પુરી નહીં તો ઓછામાં ઓછી અડધી સંપત્તિ તો છોડી જ દો. મને આ એકદમ યોગ્ય લાગે છે.”
#WATCH | Chicago, US: Chairman of Indian Overseas Congress, Sam Pitroda says, "…In America, there is an inheritance tax. If one has $100 million worth of wealth and when he dies he can only transfer probably 45% to his children, 55% is grabbed by the government. That's an… pic.twitter.com/DTJrseebFk
— ANI (@ANI) April 24, 2024
તે પછી, આ કાયદાની વકીલાત કરતાં સેમ પિત્રોડાએ કહ્યું કે, “ભારતમાં આવો કોઈ કાયદો નથી. ભારતમાં જો કોઇની પાસે 10 બિલિયન ડોલર (લગભગ ₹82,000 કરોડ) છે અને તે મૃત્યુ પામે છે તો તેના બાળકોને આખા 10 બિલિયન ડોલર મળી જાય છે. જનતાને તેમાંથી કઈ નથી મળતું. આ કેટલીક બાબતો છે જેના પર ચર્ચા અને વિચાર કરવામાં આવશે. જ્યારે અમે સંપત્તિના પુનઃવિતરણ વિશે વાત કરીશું તો તેનો અર્થ એ થશે કે, નવા કાયદા અને નીતિઓ પર વાત કરવામાં આવશે.”
નોકરો, ઘરઘાટીને કેટલા પૈસા આપવા એ પણ સત્તામાં આવીને કોંગ્રેસ કરશે નક્કી
સેમ પિત્રોડાએ આરોપ લગાવ્યો કે, ભારતના લોકો તેમના નોકરોને પૈસા વહેંચતા નથી પરંતુ તેના બદલે દુબઈ અને વિદેશના પ્રવાસો પર જવા માટે તે પૈસાનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નોકર અને ઘરેલુ કામદારોને કેટલા પૈસા આપવા જોઈએ તેના નિયમો પણ બનાવશે. એટલે કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ નાગરિકે માત્ર રૂપિયા કમાવવાના, કયા કઈ રીતે વાપરવા વગેરેનો સંપૂર્ણ અધિકાર સરકાર પાસે રહેશે!
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત દેશના લોકોની સંપત્તિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ સર્વેની વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે, સર્વે બાદ સંપત્તિની ફરી વહેંચણી કરવામાં આવશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ ચૂંટણી એજન્ડા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ મહિલાઓ પાસેથી મંગળસૂત્ર પણ છીનવી લેવા માંગે છે. કોંગ્રેસની મિલકત વિતરણ યોજનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે.