સંભલમાં (Sambhal) ભાજપ નેતા ગુલફામ સિંઘ યાદવ હત્યા (Gulfam Singh Yadav Murder) કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ચૂંટણી હરીફાઈને કારણે ભાજપના નેતાની હત્યા કરવામાં આવી હતી. સંભલ પોલીસે હત્યાના આરોપસર જુનાબાઈ વિકાસ બ્લોકના વર્તમાન બ્લોક પ્રમુખ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. આ બ્લોક પ્રમુખ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં આરોગ્ય વિભાગના એક ફાર્માસિસ્ટનો પણ સમાવેશ થાય છે.
અહેવાલ અનુસાર બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ગુલફામ સિંઘનો પુત્ર 3 વોટના અંતરથી સમાજવાદી પાર્ટીના રવિ યાદવ સામે હારી ગયો હતો. રવિ યાદવના પિતા મહેશ યાદવને આશંકા હતી કે ગુલફામ સિંઘ તેમના પુત્રની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત બ્લોક પ્રમુખની ચૂંટણી વર્ષ 2021માં યોજાઈ હતી અને આગામી ચૂંટણીમાં પણ ગુલફામ સિંઘનો પુત્ર રવિ યાદવ સામે ઉમેદવારી નોંધાવવાનો હતો.
ત્યારે મહેશ યાદવે પુત્રની ખુરશી બચાવવા માટે આ હત્યા કરી હતી. સંભલ એસએસપીએ જણાવ્યું કે આ હત્યાને અંજામ આપવા માટે હિસ્ટ્રીશીટર ધર્મવીર ઉર્ફે ધમ્મા અને તેના સાથીઓને ₹5 લાખ આપવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહેશ યાદવ 19 નવેમ્બર 2024ના રોજ બરેલી સેન્ટ્રલ જેલમાં ગયો હતો અને ધર્મવીર ઉર્ફે ધમ્માને મળ્યો હતો, જ્યાં હત્યાની યોજના ઘડી હતી. આ ઉપરાંત ધમ્માને બહાર કાઢવા માટે બધો ખર્ચો પણ મહેશ યાદવે ભોગવ્યો હતો.
સંભલના એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું હતું કે, “10 માર્ચે બપોરે 1 વાગ્યે ગુન્નૌર વિસ્તારના દભૌરા ગામના રહેવાસી ગુલફામ સિંઘ યાદવની ઝેરી ઇન્જેક્શન આપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના કેસને ઉકેલવા માટે, ઘણી પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી, CCTV કેમેરા સ્કેન કરવામાં આવ્યા હતા અને હત્યા કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.”
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ હત્યાને ‘સાયલન્ટ કિલિંગ’ બનાવવા માટે, એક ખાસ પ્રકારના ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે વિધૌટી ફઝલપુરના વિકાસ કુમારે પૂરું પાડ્યું હતું. આ ઇન્જેક્શનમાં વ્યક્તિને 5 મિનીટમાં ખલાસ કરી નાખે એવું કેમિકલ ભરવામાં આવ્યું હતું. જેથી ઝેર આપવાની આશંકા ન જાય. આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, 2 હજી ફરાર છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બ્લોક પ્રમુખ રવિ યાદવ, તેના પિતા મહેશ યાદવ, મુકેશ યાદવ, વિકાસ યાદવ, રામનિવાસ ઉર્ફે નારદ અને સુધીર કુમાર ઉર્ફે પપ્પુ યાદવનો સમાવેશ થાય છે.