સલમાન રશ્દી હવે ઠીકઠાક જાણીતું નામ થઈ ગયું છે. જાણીતું નામ જોકે પહેલેથી હતું. ભારતીય મૂળના આ લેખક વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. તેમનાં લખાણોએ ઠીકઠાક ચર્ચા અને ઘણા બધા વિવાદો જગાવ્યા છે. તેમણે લખેલું પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ એંશીના દાયકામાં જબરા વિવાદમાં સપડાયું હતું અને ઈરાનના સુપ્રીમ લીડરે રશ્દી વિરુદ્ધ ફતવો પણ બહાર પાડ્યો હતો. ભારતમાં પણ રાજીવ ગાંધી સરકારે આવતાંની સાથે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી હતી. જોકે કાગળ પર આ પ્રતિબંધ હતો જ નહીં એ વર્ષો પછી ખૂલ્યું. એની વાતો આગળ.
રશ્દી સાહિત્ય અને લેખનજગતમાં તો ખાસું જાણીતું નામ હતા, પણ વધુ ચર્ચામાં આવ્યા ઑગસ્ટ 2022માં, જ્યારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં તેમની ઉપર એક માથાફરેલે ચાકુથી હુમલો કરી દીધો. રશ્દી બચી ગયા, પણ એક આંખ ગુમાવી. એક હાથમાં પણ ઈજા પહોંચી. હાલ તેઓ જીવે છે, એક આંખ સાથે.
હમણાં રશ્દીએ એક ઇન્ટરવ્યુ આપ્યો, બ્લૂમબર્ગને. ઇન્ટરવ્યુમાં ઘણી વાતો થઈ. તેમના લેખન વિશે, મુંબઈમાં તેમનાં સંસ્મરણોથી માંડીને 2022નો હુમલો, ત્યારબાદનું તેમનું જીવન અને અંતે વાત ‘ફ્રી સ્પીચ’ પર પણ આવી. અહીં રશ્દીએ એ જ વલણ અપનાવ્યું, જે સામાન્ય રીતે લિબરલો-વામપંથીઓ હથિયાર તરીકે વાપરે છે. રશ્દી ‘મારા મિત્રોએ આવું કહ્યું છે’ એમ કહીને કહેવા માંડ્યા કે મોદીના રાજમાં ભારતમાં હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જોખમ ઊભું થવા લાગ્યું છે અને તેનો ભોગ ઘણા પત્રકારો, લેખકો, પ્રોફેસરો અને બુદ્ધિજીવીઓ બની રહ્યા છે. રશ્દી કહે છે કે હવે ઇતિહાસનું પુનઃલેખન કરવાનો પણ પ્રયાસ ચાલે છે, જેમાં હિંદુઓને સારી રીતે અને મુસ્લિમોને ખરાબ રીતે, આક્રાંતાઓ તરીકે ચિત્રિત કરવામાં આવી રહ્યા છે.
Novelist Salman Rushdie is "very worried" about growing Hindu nationalism and restrictions on free expression in Modi's India
— Bloomberg (@business) December 7, 2025
Speaking to Mishal Husain, he says he first saw the warning signs decades ago
Subscribe to The Mishal Husain Show wherever you get your podcasts… pic.twitter.com/Otihe0NahY
આ બધી એ જ દલીલો છે જે વામપંથી વર્તુળ વર્ષોથી કરતું આવ્યું છે. પેટર્ન પણ સરખી જ છે. રશ્દી કહે છે કે તેમના મિત્રો પાસેથી તેઓ આ બધું સાંભળતા રહે છે. એટલે કે આ તેમનો ‘ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ’ નથી. હોય પણ નહીં, કારણ કે વર્ષોથી તેઓ ભારત આવ્યા જ નથી. જે કંઈ જાણે છે એ મીડિયામાં, ઈન્ટરનેટ પર જે લખાય છે તે જોઈ-વાંચીને જ જાણે છે. આ બધે ઠેકાણે દેશ વિશે, અહીંના માહોલ વિશે શું-શું લખાય છે અને તેમાં વાસ્તવિકતા કેટલી છે એ વિશે સુજ્ઞ વાચક સારી પેઠે વાકેફ છે.
‘ફ્રી સ્પીચ’ની જ વાત નીકળી છે તો એ કિસ્સો પણ ટાંકવો જોઈએ જ્યારે ભૂતકાળની રાજીવ ગાંધી સરકારમાં આ જ સલમાન રશ્દીનું પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ બૅન થઈ ગયું હતું. વર્ષો સુધી આ પ્રતિબંધ યથાવત રહ્યો. પુસ્તક વેચાવાનું કયા કાર્યકાળમાં ચાલુ થયું? મોદી સરકારના કાર્યકાળમાં.
હમણાં જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે રાજીવ સરકાર સમયનું નોટિફિકેશન મગાવ્યું. ત્યારે જાણવા મળ્યું કે આવું કોઈ નોટિફિકેશન અસ્તિત્વમાં જ નથી. કોર્ટે એમ માનીને કેસ બંધ કરી દીધો કે જે-તે સમયે પ્રતિબંધ મૂકતું કોઈ નોટિફિકેશન ઇસ્યુ જ નહીં થયું હોય એટલે પુસ્તક વેચાણ માટે મૂકી શકાય એમ છે. પછીથી પુસ્તક વેચાવાનું શરૂ થયું. આજે કોઈ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર, મોટા પુસ્તકાલયમાં મળી જશે. હજુ કેટલી ફ્રી સ્પીચ જોઈએ છે?
અગત્યની વાત એ છે કે આ ઇન્ટરવ્યુમાં તેઓ ઇસ્લામી કટ્ટરતા વિશે ખુલીને બોલતા નથી, જ્યારે તેઓ આજે એક આંખ સાથે જીવે છે તેનું કારણ આ ઇસ્લામી કટ્ટરતા જ છે. તેઓ 2022ના હુમલાની વાત કરે છે, પણ હુમલો કરનાર કઈ વિચારધારાથી પ્રેરિત થઈને ચાકુ લઈને દોડી આવ્યો હતો એ કહેતા નથી. પણ તેમને ચિંતા થાય છે ભારતમાં વધતા ‘હિંદુ નેશનાલિઝ્મ’ની. જ્યારે આજ સુધી હિંદુ કટ્ટરતાના કારણે કોઈની આંખ ગઈ હોવાનો એકેય દાખલો બન્યો નથી.
જ્યાં સુધી વાત ઇતિહાસ ફરીથી લખવાની છે, તો ફરીથી લખવાનો અર્થ તેમાં છેડછાડ કરવું કે તોડીમરોડીને તથ્યો રજૂ કરવાં એમ નથી. હવે માત્ર કામ એ થઈ રહ્યું છે કે ઇતિહાસની જે બાબતો ઇતિહાસકારોના એક ચોક્કસ વર્ગ દ્વારા પહેલાં દબાવી દેવામાં આવી હતી, તે હવે ઉજાગર થઈ રહી છે. પહેલાં સિક્કાની એક જ બાજુ ચર્ચાતી હતી, હવે બીજી પણ ચર્ચાવા માંડી છે. ઈસ્લામિક આક્રાંતાઓએ મંદિરો તોડ્યાં હોય તો તેની વાતો કેમ ન થાય, હિંદુઓએ લડત આપી એ ઇતિહાસ છે તો તે કેમ ઉજાગર કરવામાં ન આવે?
રશ્દીની દલીલો મોટેભાગે એ જ ઘસાઈ ગયેલી, ચવાઈ ગયેલી વાતો છે, જેનો ઉપયોગ વર્ષોથી પશ્ચિમના પ્રોપગેન્ડાબાજો ભારત વિરુદ્ધ અપપ્રચાર ફેલાવવા માટે કરતા આવ્યા છે. પણ દેશ બહુ આગળ વધી ગયો છે. રશ્દી પણ દોસ્તારોની અલકમલકની વાતો માનીને ભળતી જ ધારણાઓ બાંધી લેવાના સ્થાને ભારત આવશે તો તેમને ઘણું જાણવા મળશે.


