RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે તાજેતરમાં જ અનામત વ્યવસ્થાને લઈને એક નિવેદન આપ્યું, જે ચર્ચામાં છે. એક કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે કહ્યું કે, સમાજના એક વર્ગે ભૂતકાળમાં ભેદભાવોનો સામનો કર્યો છે અને જ્યાં સુધી સામાજિક વિષમતા ચાલુ રહે ત્યાં સુધી અનામત વ્યવસ્થા પણ ચાલુ જ રહેવી જોઈએ.
બુધવારે (6 સપ્ટેમ્બર, ૨૦૨૩) મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નનો જવાબ આપતી વખતે ડૉ. મોહન ભાગવતે અનામત અંગે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં સામાજિક વિષમતાનો ઈતિહાસ રહ્યો છે. આપણે આપણા જ સમાજના બંધુઓને સામાજિક વ્યવસ્થા હેઠળ પાછળ રાખ્યા. તેમનું જીવન પશુ સમાન થઈ ગયું તોપણ આપણે ચિંતા ન કરી. આવું ઓછામાં ઓછાં 2 હાજર વર્ષો ચાલ્યું છે અને મહાભારતમાં પણ આવાં ઉદાહરણ મળે છે, જાત-પાતના ઉલ્લેખનાં…એક-બે ઉદાહરણો છે કે જન્મથી જાતપાત ન જોવું જોઈએ વગેરે વગેરે..” આગળ તેમણે કહ્યું, “પરંતુ ત્યારથી આ શરૂ થઈ ગયું અને ધીમેધીમે વિકટ સ્થિતિમાં પહોંચ્યું. તેમને આપણી સમકક્ષ લાવવા માટે અમુક વિશેષ ઉપાયો કરવા જ પડે.”
#WATCH | Nagpur, Maharashtra: On reservations, RSS chief Mohan Bhagwat says, "We kept our own fellow human beings behind in the social system…We did not care for them, and this continued for almost 2,000 years…Until we provide them equality, some special remedies have to be… pic.twitter.com/kBxrlAYAgV
— ANI (@ANI) September 6, 2023
આગળ તેમણે ઘર-પરિવારનું ઉદાહરણ આપ્યું અને સમજાવ્યું કે કઈ રીતે હિંદુ પરિવારને ટકેલો રાખવા માટે અમુક વર્ગને વિશેષ મહત્વ આપવું રહ્યું. તેમણે કહ્યું, “ઘરમાં આપણે બધા હોઇએ અને દૂધ ઓછું આવતું હોય તો બધાને નથી મળતું પરંતુ જે બીમાર હોય તેને મળે છે. પરિવારમાં આપણે બધા સરખા છીએ પરંતુ જે બીમાર છે તેની ચિંતા કરવી પડે. એવી જ રીતે અનામત લાગુ કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી તે ચાલુ રહેવું જોઈએ. બંધારણીય રીતે જેટલા અનામતની વ્યવસ્થા છે તેને સંઘ (RSS) પૂરેપૂરું સમર્થન આપે છે.”
અખંડ ભારત વાસ્તવિકતા બનશે: આરએસએસ પ્રમુખ
આ ઉપરાંત તેમણે અખંડ ભારતના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એક સમય એવો આવશે કે અખંડ ભારત વાસ્તવિકતા બનશે. એમ પણ ઉમેર્યું કે, જેઓ ૧૯૪૭માં ભારતથી છૂટા પડ્યા હતા તેમને આજે પોતાના નિર્ણય પર પસ્તાવો થાય છે અને ફરીથી ભારતમાં જોડાવા માગે છે. એક વિદ્યાર્થીના પ્રશ્ન પર તેમણે આ જવાબ આપ્યો હતો.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ RSS પ્રમુખનું એક નિવેદન ચર્ચામાં રહ્યું હતું, જ્યારે તેમણે દેશના નામ માટે ‘ઇન્ડિયા’ શબ્દની જગ્યાએ ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. હાલ આ ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ નામોનો મુદ્દો ચર્ચામાં છે.