પહલગામ આતંકી હુમલામાં ઇસ્લામી આતંકીઓને મદદ પૂરી પાડનાર બે સ્થાનિક કાશ્મીરીઓની NIAએ ધરપકડ કરી છે. બંનેની ઓળખ પરવેઝ અહમદ જોથાર અને બશીર અહમદ જોથાર તરીકે થઈ છે. વધુમાં માહિતી સામે આવી રહી છે કે, પરવેઝ પહલગામના બટકોટનો રહેવાસી છે અને બશીર હિલ પાર્કમાં રહેતો હતો. આ બંને પાસે આતંકીઓને લઈને મહત્વપૂર્ણ અને ગુપ્ત જાણકારી હોવાની એજન્સીને શંકા છે.
માહિતી અનુસાર, પરવેઝ અને બશીરે એ ત્રણેય આતંકીઓની ઓળખ જણાવી છે, જેણે પહલગામમાં નિર્દોષ હિંદુઓના જીવ લીધા હતા. આરોપીઓએ હુમલા બાદના આતંકવાદીઓના ઠેકાણાં વિશે પણ જાણકારી આપી છે. સૂત્રોને ટાંકીને મીડિયામાં કહેવાય રહ્યું છે કે, આ ત્રણેય આરોપીઓએ બૈસરણ ખીણથી 3 કિલોમીટર દૂર આતંકીઓને શરણ આપ્યું હતું. વધુમાં આરોપીએ આતંકીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
NIAની પૂછપરછમાં બંને આરોપીએ સ્વીકાર્યું છે કે, તેમને ખ્યાલ હતો કે, તે આતંકવાદીઓ છે, તેમ છતાં તેમણે તેઓની મદદ કરી હતી. આરોપીઓએ એ પણ સ્વીકાર્યું છે કે, તેઓ અવારનવાર આતંકવાદીઓને ચા પણ પીવડાવતા હતા. હાલ ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓને જમ્મુ લઈ જવામાં આવી રહ્યા છે. આરોપીઓએ જણાવ્યું છે કે, આતંકીઓ અનંતનાગ તરફ ભાગ્યા છે, હાલ NIA આતંકીઓના ઠેકાણાંને શોધવા માટેનું કામ કરી રહી છે.
NIAએ જણાવ્યું છે કે, આરોપીઓએ પુષ્ટિ કરી છે કે, પહલગામ આતંકી હુમલાના આ આતંકવાદીઓ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા અને પાકિસ્તાની નાગરિક હતા. આ બંને આરોપીઓ પર UAPAની કલમ 19 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ પહલગામમાં ઇસ્લામી આતંકીઓએ સુનિયોજિત હુમલો કર્યો હતો. આતંકીઓએ હિંદુઓની ઓળખ જાણ્યા બાદ તેમના પર ગોળીઓ ચલાવી દીધી હતી. આ હુમલામાં 26 વ્યક્તિઓ માર્યા ગયા હતા અને તેમાંથી મોટાભાગના હિંદુઓ હતા. ઘટના બાદ સ્થાનિક કાશ્મીરીઓની મદદને લઈને પણ ચર્ચા ઉઠવા લાગી હતી.
ઘટના સમયે અમુક બુદ્ધિજીવીઓ કહેતા હતા કે, કાશ્મીરીઓને બદનામ કરવામાં આવી રહ્યા, પણ વાસ્તવમાં સ્થાનિકની મદદ વગર પાકિસ્તાનીઓ માટે આટલે અંદર સુધી ઘૂસીને હુમલો કરવો શક્ય જ નથી. તેમ છતાં હાલ તે આતંકીઓને મદદ કરનારા સ્થાનિક કાશ્મીરીઓ પણ પકડાઈ રહ્યા છે. હાલ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.