Wednesday, July 9, 2025
More

    પરવેઝ અહમદ અને બશીર અહમદ– આ બંનેએ પહલગામના આતંકવાદીઓને પૂરી પાડી હતી મદદ, NIAએ કરી ધરપકડ

    22 એપ્રિલના રોજ થયેલા પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને મદદ પૂરી પાડનાર બે સ્થાનિકોની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ધરપકડ કરી લીધી છે. બંનેની ઓળખ પરવેઝ અહમદ અને બશીર અહમદ તરીકે થઈ છે.

    બંને ઇસમોએ પહલગામના હુમલાને અંજામ આપનારા આતંકવાદીને શરણ આપ્યું હતું અને અન્ય પ્રકારની મદદ કરી હતી. પરવેઝ અહમદ જોથાર અને બશીર અહમદ જોથાર બંને પહલગામના જ રહેવાસી છે. 

    NIAની પૂછપરછમાં બંનેએ પહલગામના ત્રણેય આતંકવાદીઓની ઓળખ પણ જણાવી દીધી હતી. બંનેએ જણાવ્યું કે ત્રણેય પાકિસ્તાનના નાગરિકો હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. 

    વધુ જાણકારી આપતાં NIAએ જણાવ્યું કે પરવેઝ અને બશીર બંનેને ખબર હતી કે બાકીના ત્રણેય આતંકવાદીઓ છે, તેમ છતાં તેમને રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને અન્ય લોજિસ્ટિકલ સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો. ત્યારબાદ બંનેએ પહલગામની બૈસરન ખીણમાં જઈને પ્રવાસે આવેલા લોકો પર તેમની ધાર્મિક ઓળખ જાણ્યા બાદ હુમલો કરી દીધો હતો, જેમાં 26 વ્યક્તિઓ માર્યા ગયા અને તેમાંથી મોટાભાગના હિંદુઓ હતા. 

    NIAએ બંનેની UAPAની કલમ 19 હેઠળ ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.