રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગ્યા બાદ મૃત્યુઆંક 20ને પાર થઈ ચૂક્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ઘટનામાં 24 લોકોનાં મોત થયાં છે. જેમાં બાળકો પણ સામેલ છે. ફાયર બ્રિગેડ અને પોલીસે સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને અનેક લોકોને બહાર કાઢ્યા છે. તો બીજી તરફ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ પણ સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા અસરગ્રસ્તો માટે આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવા પાછળ પ્રાથમિક કારણ ACમાં થયેલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે SITનું ગઠન કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે. હાલ ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આગ એટલી ભીષણ હતી કે લોકોના રેસ્ક્યુ કરવા ખૂબ અઘરું હતું. જાણવા મળ્યું છે કે બુલડોઝરની મદદથી પતરાં હટાવીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કરી મુખ્યમંત્રી સાથે વાત
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઘટના પર નજર રાખી રહ્યા છે. દુર્ઘટના બાદ તેમણે અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પ્રકટ કરી હતી. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર મૃતકોના પરિવાર અને ઘાયલો માટે પ્રાર્થના કરી હતી. સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને આખી ઘટના વિશે માહિતી લીધી હતી. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ તેમને જણાવ્યું હતું કે પ્રભાવિત લોકોની તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.
The fire tragedy in Rajkot has saddened us all. In my telephone conversation with him a short while ago, Gujarat CM Bhupendrabhai Patel Ji told me about the efforts underway to ensure all possible assistance is provided to those who have been affected. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) May 25, 2024
મુખ્યમંત્રી પટેલે જાહેર કરી આર્થિક સહાય, SIT કરશે તપાસ
આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે આ પોસ્ટમાં કહ્યું છે કે દુર્ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લખ્યું કે, “આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.”
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય…
ઉલ્લેખનીય છે કે ગેમઝોનમાં આગની ઘટનામાં મૃત્યુ પામનારમાં 9 જેટલા બાળકો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ખુલાસો થયો છે કે શહેરની વચ્ચોવચ ધમધમતા આ ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC લીધી જ નહતી. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.