Saturday, June 7, 2025
More
    હોમપેજગુજરાતઘર ખાલી કરવાનું દબાણ કરીને મુસ્લિમ પાડોશીઓએ હુમલો કર્યો હોવાનો રાજકોટની હિંદુ...

    ઘર ખાલી કરવાનું દબાણ કરીને મુસ્લિમ પાડોશીઓએ હુમલો કર્યો હોવાનો રાજકોટની હિંદુ મહિલાનો આરોપ: FIRમાં યોગ્ય કલમો ન લગાવી હોવાના પણ આક્ષેપો, પોલીસે નકાર્યા

    મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, આરોપીઓ સરળતાથી જામીન પર મુક્ત થઈ શકે તે માટે તેમણે પોલીસ સાથે આર્થિક સમજૂતી કરી છે. આ ઉપરાંત મહિલાએ કહ્યું છે કે, તેમને શરીરના મર્મ ભાગમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં પોલીસે 109 હેઠળ ગુનો ન નોંધીને તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું છે.

    - Advertisement -

    રાજકોટની (Rajkot) શ્રીરામ સોસાયટીમાં એક હિંદુ મહિલા (Hindu woman) પર તેના જ પાડોશી મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) હુમલો (Attack) કર્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદી મહિલાએ વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે, તેમના પાડોશમાં રહેતા ફરઝાના, સલમા, સમીર, શબીર અને અન્ય અજાણ્યા આરોપીઓએ તેમને મકાન ખાલી કરવા દબાણ કર્યું હતું અને તેમના પર લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં હિંદુ મહિલાની ડાબી આંખ ફૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે.

    વાયરલ થઈ રહેલા તે વિડીયોમાં હિંદુ મહિલા જણાવે છે કે, તેમનું નામ મમતાબેન છે અને રાજકોટ RTOની પાછળ શ્રીરામ સોસાયટીમાં તેઓ રહે છે. વિડીયોમાં તેઓ જણાવે છે કે, બાજુના 6 જેટલા મુસ્લિમ પાડોશીએ તેમના પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. ઘટના દરમિયાન તેમના સાસુ પણ તેમની સાથે હતાં. તેઓ વધુમાં કહેતા સંભળાય છે કે, 6 જણાએ પાઇપથી તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમની ડાબી આંખ ફૂટી ગઈ છે.

    આ સાથે મહિલાએ અરજીમાં પણ કહ્યું છે કે, તેઓ શ્રીરામ સોસાયટીમાં રહેતા હતા તે તેમના મુસ્લિમ પાડોશીઓને ગમતું નહોતું. જેના કારણે તેમણે હુમલો કરી દીધો હતો. ફરિયાદ અનુસાર, આરોપીઓએ પહેલાં તો મહિલાને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે હુમલો કરી દીધો હતો. મહિલા અનુસાર, આ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ‘મકાન ખાલી કરવાની આપે છે ધમકી’ -ફરિયાદી મહિલા

    ફરિયાદી મહિલા વિડીયોમાં વધુમાં કહે છે કે, પાડોશીઓ તેમને મકાન ખાલી કરવા માટેની ધમકીઓ આપી રહ્યા છે. તેઓ હત્યાની ધમકી આપી રહ્યા હોવાનો આરોપ પણ છે. મહિલાએ કહ્યું કે, “આરોપીઓ વારંવાર ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ‘આજે તો ખાલી આંખ ફોડી છે, કાલે તો હતી નહતી કરી નાખીશું.’ આરોપીઓના નામ સમીર, બશીર, ફરઝાના, ફરઝાનાના દીકરાની વહુ સલમા, હિના અને નાઝુ છે. આ લોકોએ મારા પર હુમલો કર્યો હતો.”

    ઘટના બાદ પીડિત મહિલાએ 28 માર્ચના રોજ રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી છે. FIRમાં ફરઝાના, સમીર, સલમા, શબીર અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેવામાં મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે, રાજકોટ પોલીસે જાણીજોઈને અમુક કલમો દાખલ કરી નથી અને તે આરોપીઓને છાવરવાના પ્રયાસો કરી રહી છે. મહિલાએ આ સંબંધે પોલીસ કમિશનરને અરજી પણ આપી છે. અરજીની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    પીડિત મહિલાએ રાજકોટ પોલીસ પર ઉઠાવ્યા સવાલ, કમિશનરને આપી અરજી

    ફરિયાદી મહિલાએ રાજકોટ પોલીસ પર સવાલ ઉઠાવતા પોલીસ કમિશનરને અરજી આપી હતી. અરજીમાં તેમણે જણાવ્યું છે કે, આરોપીઓએ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે જીવલેણ હુમલો કરીને તેમની ડાબી આંખ કાયમ માટે ફોડી નાખી છે. તેમણે વધુમાં પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ ગેરકાયદેસર મંડળીઓ રચી, ગેરકાયદેસર પ્રવેશ કરી, જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરીને BNSની કલમ 109, 118(2), 61 હેઠળ ગુનો આચર્યો છે. તેમ છતાં પોલીસે માત્ર BNSની કલમ 117(2), 115(2), 352, 351(2), 54 તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 હેઠળ જ ગુનો દાખલ કર્યો છે.

    વધુમાં મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે, આરોપીઓ સરળતાથી જામીન પર મુક્ત થઈ શકે તે માટે તેમણે પોલીસ સાથે આર્થિક સમજૂતી કરી છે. આ ઉપરાંત મહિલાએ કહ્યું છે કે, તેમને શરીરના મર્મ ભાગમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં પોલીસે 109 હેઠળ ગુનો ન નોંધીને તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું છે. મહિલાએ પોલીસ કમિશનર પાસે માંગણી કરી છે કે, તેઓ આ મામલે સંજ્ઞાન લઈને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 109, 118(2) અને 61 હેઠળ ગુનો દાખલ કરાવે.

    ઘટના અનુરૂપ જ નોંધી છે FIR- રાજકોટ પોલીસ

    આ સમગ્ર પ્રકરણને લઈને ઑપઇન્ડિયા સાથે વાત કરતા રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એસએસ રાણેએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલાએ જે રીતે FIR લખાવી હતી, તેના જ અનુરૂપ કલમો જોડવામાં આવી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, યોગ્ય કલમો હેઠળ જ FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેમણે આરોપીઓ સાથે આર્થિક સમજૂતી કરી હોવાના દાવાને પણ નકારી કાઢ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, તેમણે અથવા તેમના કોઈ અધિકારીએ આરોપીઓ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી નથી કરી. તેમણે કહ્યું છે કે, ઘટના બાદ તરત જ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ બધા જેલમાં બંધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક સમજૂતી થઈ હોવાના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં