રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન સચિન પાયલટ પોતાની જ સરકાર વિરુદ્ધ આજે જયપુરમાં એક દિવસના ઉપવાસ કરવાના છે. સચિન પાયલટે આ બાબતે રાજસ્થાન કોંગ્રેસ તેમજ કોંગ્રેસ હાઈકમાન્ડને થોડા દિવસ અગાઉ જ સ્પષ્ટ જણાવી દીધું હતું. પાયલોટના ઉપવાસ વિરુદ્ધ કોંગ્રેસ હાઈકમાન્ડે ચેતવણી પણ આપી છે.
સચિન પાયલોટે પૂર્વ ભાજપ સરકારમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવાની માંગણી પોતાની જ પાર્ટીની સરકાર પાસે કરી હતી. પરંતુ આ મામલે અશોક ગહેલોતે આગળ કોઈજ કાર્યવાહી ન કરતાં સચિન પાયલોટે ઉપવાસનું હથીયાર અજમાવીને દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે.
અગાઉ પણ સચિન પાયલોટ ગેહલોત સરકાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી ચુક્યા છે પરંતુ તેમને સફળતા નહોતી મળી. આ વખતે તેમણે ઉપવાસનું હથીયાર ઉગામ્યું છે જરૂર પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનાં વિરુદ્ધ લાલ આંખ પણ કરી છે.
પાયલોટના ઉપવાસ અંગે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર રંધાવાએ એક નિવેદન ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે પાયલોટે જો પાર્ટી સાથે કોઈ ફરિયાદ હોય તો જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પાર્ટી ફોરમમાં જ તેની ચર્ચા કરવી જોઈએ. રંધાવાએ દાવો કર્યો છે કે તેઓ રાજસ્થાન કોંગ્રેસના છેલ્લા પાંચ મહિનાથી પ્રભારી છે પરંતુ સચિન પાયલોટ ક્યારેય તેમની ફરિયાદ લઈને આવ્યા નથી.
Sachin Pilot’s fast is against party interests. I have been AICC incharge for the last 5 months but he never spoke with me regarding the issue. I appeal for calm dialogue as Sachin Pilot is an indisputable asset: Sukhjinder Singh Randhawa, AICC Incharge, Rajasthan pic.twitter.com/gFLycgF3Be
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 10, 2023
કોંગ્રેસે સચિન પાયલોટને જો તેઓ આજના ઉપવાસ પર કાયમ રહેશે તો તેને પાર્ટી વિરુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે એમ પણ કહી દીધું છે. પરંતુ પાયલોટ આ ઉપવાસ પડતા મુકવાના મૂડમાં હોય એવું લાગતું નથી. પાયલોટે પોતાના ખાસ નેતાઓને આ ઉપવાસ માટે ભીડ ભેગી કરવાનું કામ સોંપી દીધું છે. રાજસ્થાનના દૌસા, ટોંક, જયપુર, અજમેર, કરૌલી, સવાઈમાધોપુર, ધૌલપુર અને ઝુનઝુનું જેવા ક્ષેત્રોથી પોતાના સમર્થક કોંગ્રેસ કાર્યકર્તાઓને આજે જયપુર આવવાનું પાયલોટ જૂથ દ્વારા કહી દેવામાં આવ્યું છે.
બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસ સચિન પાયલોટના ઉપવાસ અંગે બે ભાગમાં વહેંચાઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે. રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક એવા ટીએસ સિંહ દેવે કહ્યું છે કે તેમને લાગે છે કે પાયલોટે કોઈજ લક્ષ્મણ રેખા ઓળંગી નથી. તો રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર રામલાલ જાટે સચિન પાયલોટ પર પાર્ટી લાઈન વિરુદ્ધ જવાનો આરોપ મુક્યો છે. રાજ્યના ખાદ્ય મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ સચિન પાયલોટના ખુલ્લા સમર્થનમાં આગળ આવ્યા છે.
સચિન પાયલોટ આજે સવારે 11 વાગ્યાથી જયપુરના શહીદ સ્મારક ખાતે પોતાના એક દિવસના ઉપવાસ કરવાના છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી આ વર્ષે થવાની હોવાથી સચિન પાયલોટ અંગેનો કોઇપણ નિર્ણય કોંગ્રેસે સમજી વિચારીને કરવો પડશે એવું લાગી રહ્યું છે.