Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી પહેલાં રાજસ્થાનમાં નવાજૂની: કોંગ્રેસ નેતા સચિન પાયલટે ફરી પોતાની જ સરકાર...

    ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં નવાજૂની: કોંગ્રેસ નેતા સચિન પાયલટે ફરી પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી, 11મીએ અનશન કરશે

    પાયલટે કહ્યું કે, તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોતને 2 પત્રો લખ્યા હતા પરંતુ તેમાંથી એકેયનો જવાબ મળ્યો નથી.

    - Advertisement -

    પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિગ્ગ્જ કોંગ્રેસ નેતાઓ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેનો ખટરાગ કોઈ નવી બાબત નથી. અવારનવાર આ બંને નેતાઓ અને તેમનાં જૂથો સામસામે આવી ગયાના બનાવો બન્યા છે. હવે વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વખત સચિન પાયલટે બાંયો ચડાવી છે અને પોતાની જ સરકાર સામે અનશન કરવાનું એલાન કરી દીધું છે. 

    સચિન પાયલટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ભાજપની અગાઉની વસુંધરા રાજે સરકારના કથિત ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેમણે CM ગેહલોતને આ બાબતને લઈને એક પત્ર પણ લખ્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. 

    કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટે 11 એપ્રિલે એક દિવસ માટે ભૂખ હડતાળ કરવાનું એલાન કર્યું છે. તે પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગને લઈને આ અનશન કરવામાં આવશે અને આ બાબતની જાણ તેમણે જિલ્લા તંત્રની પણ કરી દીધી છે. 

    - Advertisement -

    પ્રેસ કોન્ફરન્સમાં પાયલટે કહ્યું કે, “પાંચ વર્ષ માટે વસુંધરા રાજેની સરકાર હતી. તે સરકારનો અમે સતત નીતિઓના આધારે વિરોધ કર્યો. સૌથી મોટો પ્રહાર તેમની વિશ્વસનીયતા પર રહ્યો હોય તો એ હતો- વસુંધરા સરકારમાં થયેલ ભ્રષ્ટાચાર. અમે સતત જવાબદાર વિપક્ષની ભૂમિકા નિભાવી અને જે ભ્રષ્ટાચારનાં પ્રકરણ સામે આવ્યાં તેને ઉજાગર કર્યાં અને જનતા સુધી લઇ ગયા.” 

    તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસની આ વાતો જનતાએ સ્વીકારી અને એ જ કારણ છે કે પાંચ વર્ષ પછી જનતાએ અમારી વાત પર વિશ્વાસ મૂક્યો અને તેઓ (ભાજપ) 163 બેઠકો પરથી 70 પર આવીને અટકી ગયા. તેમના કાર્યકાળમાં જે આરોપો લાગ્યા હતા તે મામલે અમે જનતાને વાયદો કર્યો હતો કે ભાજપ સરકારમાં જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે તેની અમે નિષ્પક્ષ તપાસ કરાવીશું.

    સચિન પાયલટે કહ્યું કે તેઓ બદલાની કાર્યવાહીનું સમર્થન કરતા નથી પરંતુ વિપક્ષમાં રહીને તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેને લઈને તેમની વિશ્વસનીયતા બની રહે તે માટે કાર્યવાહી જરૂરી છે. તેમણે કહ્યું કે, આ મુદ્દાને લઈને તેઓ સીએમ અશોક ગેહલોતને બે વખત પત્રો લખી ચૂક્યા છે પરંતુ તેમ છતાં તેમને જવાબો મળ્યા નથી. 

    પાયલટે કહ્યું, મેં એક વર્ષ પહેલાં સીએમ અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું હતું કે, આપણી સરકાર બન્યાને ત્રણ વર્ષ થઇ ગયાં છે તો હવે સમય છે કે આપણે વાયદાઓ નિભાવીએ અને પુરવાર કરીએ કે આપણી કથની અને કરણીમાં કોઈ ફેર નથી. તેમના અનુસાર, તેમણે પહેલો પત્ર 28 માર્ચ, 2022ના દિવસે અને બીજો પત્ર 2 નવેમ્બર, 2022ના દિવસે લખ્યો હતો, પરંતુ બંનેમાંથી એકેયનો જવાબ મળ્યો નથી.

    સચિન પાયલટે કહ્યું કે, કેન્દ્ર સરકાર એક તરફ એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે અને વિપક્ષ નેતાઓ સામે કાર્યવાહી થઇ રહી છે ત્યાં બીજી તરફ રાજસ્થાન સરકાર આ એજન્સીઓનો ન તો સદુપયોગ કરી રહી છે કે ન ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, જનતાને એવું ન લાગે કે તેઓ કહે છે જુદું અને કરે છે જુદું, તેથી આ કાર્યવાહી જરૂરી છે અને જેને લઈને જ તેઓ એક દિવસ માટે અનશન કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં