Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે કલાકો સુધી ખડેપગે રહ્યા રેલ મંત્રી અશ્વિની...

    ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘટનાસ્થળે કલાકો સુધી ખડેપગે રહ્યા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, નેટિઝન્સ કરી રહ્યા છે પ્રશંસા, કહ્યું- તેમણે નિષ્ઠા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું

    સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રેલ મંત્રીના ફોટોઝ શેર કર્યા છે જેમાં તેઓ ટ્રેનની નીચે તપાસ કરતા જોવા મળે છે તો રાત્રે અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે.

    - Advertisement -

    ઓડિશાના બાલાસોર ખાતે થયેલા ટ્રીપલ ટ્રેન અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. શુક્રવારે (2 જૂન, 2023) સાંજે અકસ્માતની જાણકારી મળી ત્યારબાદ તુરંત જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશા જવા માટે રવાના થઇ ગયા હતા અને મધ્ય રાત્રિએ બાલાસોર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ત્યારથી તેઓ સતત ઘટનાસ્થળે હાજર રહીને જાતે તમામ બાબતોની દેખરેખ રાખી રહ્યા છે. એક તરફ વિપક્ષ અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગણી કરી રહ્યું છે તો બીજી તરફ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રેલ મંત્રીની કર્તવ્યનિષ્ઠાની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવાર રાતથી જ ઘટનાસ્થળે હાજર રહીને સતત દેખરેખ રાખી રહ્યા છે. તેઓ હાલ પણ અકસ્માત સ્થળે હાજર છે અને રિસ્ટોરેશન કાર્ય ઝડપી ગતિએ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઘટનાસ્થળેથી આજે સવારે તેમણે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત સર્જાયો હતો અને આ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે.

    સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રેલ મંત્રીના ફોટોઝ શેર કર્યા છે જેમાં તેઓ ટ્રેનની નીચે તપાસ કરતા જોવા મળે છે તો રાત્રે અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે.

    - Advertisement -

    લોકોએ પરિસ્થિતિ થાળે પાડવા માટેના રેલ મંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, આપણને આવા જ વ્યક્તિઓની સરકારમાં જરૂર હતી.

    એક યુઝરે રેલ મંત્રીની સરખામણી રાહુલ ગાંધી સાથે કરી અને એક અખબાર કટિંગની તસ્વીર શૅર કરીને લખ્યું કે કઈ રીતે 26/11નો હુમલો થયો હતો ત્યારબાદ રાહુલ ગાંધી પાર્ટીમાં વ્યસ્ત થઇ ગયા હતા અને બીજી તરફ અશ્વિની વૈષ્ણવ કઈ રીતે સતત ઘટનાસ્થળે હાજર રહ્યા છે.

    એક વ્યક્તિએ રેલ મંત્રીની દાયિત્વ નિભાવવાની ભાવના અને પીડિતો અને તેમના પરિજનો સુધી સહાય ત્વરિત પહોંચે તે માટે સતત ગ્રાઉન્ડ પર હાજરીની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજીનામું આપવાનો અર્થ તો એવો થાય કે વ્યક્તિ જવાબદારીથી ભાગી રહ્યો છે. 

    એક યુઝરે લખ્યું કે, જવાબદારીમાંથી છટકી જઈને રાજીનામું આપવું સરળ છે પરંતુ અશ્વિની વૈષ્ણવ અગ્રિમ મોરચે રહી સતત રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કરીને એકસાચા નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ ભવિષ્યના ભારતના નેતાઓ માટે એક રોલ મોડેલ બન્યા છે અને રાષ્ટ્ર તેમની સાથે છે. 

    મુકુલ દેખાનેએ લખ્યું કે, અશ્વિની વૈષ્ણવ નિષ્ઠા અને સમર્પણનું ઉદાહરણ બન્યા છે. તેઓ રેલવે મંત્રી છે અને છેલ્લા લગભગ 30 કલાકથી ઘટનાસ્થળે છે અને જાતે રેસ્ક્યુ ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે. ભૂતકાળમાં કોઈએ આ પ્રકારનું વલણ દાખવ્યું હોય તેવું મારા ધ્યાનમાં નથી. (અશ્વિની વૈષ્ણવને સંબોધીને) તમારો આભાર, મહાદેવ તમારી રક્ષા કરે. 

    ડૉ. જશવંત ગાંધીએ લખ્યું કે, રાજીનામું આપવું કદાચ સૌથી સરળ રસ્તો હોત. પરંતુ પરિસ્થિતિ સામે લડવું, સ્વજનોની પીડામાં સહભાગી થવું, રેસ્ક્યુ, ઝડપી રિસ્ટોરેશન અને રાહત-બચાવ કાર્યોનું સતત નિરીક્ષણ કરવું અને સાથોસાથ મીડિયાને જવાબો આપવા- આ સૌથી કઠિન કામ છે. અશ્વિની વૈષ્ણવ, તમને સલામ છે. 

    અશ્વિની વૈષ્ણવ 2021માં પ્રથમ વખત મંત્રી બન્યા હતા. એક IAS અધિકારી તરીકેની તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે ઓડિશામાં પણ વ્યાપકપણે કામ કર્યું છે. IIT કાનપુરમાંથી તેમણે એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી છે. 2021માં મોદી સરકારના મંત્રાલયમાં ફેરબદલ કરવામાં આવી ત્યારે તેમને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા. સાથોસાથ તેમની પાસે IT મંત્રાલયનો પણ કારભાર છે.

    ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (2 જૂન, 2023) સાંજે ઓડિશાના બાલાસોર ખાતે કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 288થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ઈજા પામ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં