Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓડિશા ટ્રેન અકસ્માતનું મૂળ કારણ જાણવા મળ્યું: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું...

    ઓડિશા ટ્રેન અકસ્માતનું મૂળ કારણ જાણવા મળ્યું: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કયા કારણોસર થઇ ટ્રેન દુર્ઘટના, કહ્યું- જવાબદાર વ્યક્તિઓની ઓળખ પણ કરી લેવાઈ

    “તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. રેલ સેફટી કમિશનર રિપોર્ટ સોંપે એટલે તમામ તથ્યો જાણવા મળશે. પરંતુ આ દર્દનાક અને ભયાનક અકસ્માતનું મૂળ કારણ જાણી લેવામાં આવ્યું છે.” 

    - Advertisement -

    ઓડિશા સ્થિત બાલાસોરમાં ત્રણ ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત થયા બાદ હવે ટ્રેક રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન શનિવારે (3 જૂન, 2023) રાત્રે જ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું અને હવે ફરીથી પરિવહન શરૂ કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને ટ્રેક ખાલી કરવામાં આવી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સ્વયં ઘટનાસ્થળે હાજર છે અને નજર રાખી રહ્યા છે. બીજી તરફ, રેલ મંત્રી અનુસાર આ અકસ્માત પાછળનું મૂળ કારણ જાણી લેવાયું છે.  

    ઓડિશા ખાતે ઘટનાસ્થળેથી ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ટ્રેન અકસ્માત પાછળનું કારણ જાણવા મળી ગયું છે અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારના કારણે આ ઘટના બની હતી. આ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ પણ કરી લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    રેલ મંત્રીએ કહ્યું કે, “કમિશનર રેલ સેફ્ટીએ તપાસ કરી છે અને તેઓ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. મારું અત્યારે કંઈ પણ બોલવું ઠીક નહીં રહે પરંતુ અકસ્માતનું કારણ અને તે માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.” તેમણે કહ્યું કે હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન ટ્રેક રિસ્ટોરેશન પર કેન્દ્રિત છે. 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “કવચનો આ અકસ્માત સાથે કોઈ સબંધ નથી. આ વિષય અલગ છે. આમાં પોઇન્ટ મિશન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની વાત છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં જે ફેરફાર કરવામાં આવ્યો તેના કારણે આ દુર્ઘટના થઇ. જેણે પણ કર્યું અને જે કંઈ પણ કારણ છે એ તપાસમાં સામે આવશે.” તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ ગઈકાલે કવચ વિશે જે ટિપ્પણી કરી હતી એ તેમને જેટલી વિષયની જાણકારી હશે એ પ્રમાણે કહ્યું હશે પરંતુ કારણ જુદું છે. 

    રેલ મંત્રીએ આગળ કહ્યું, “કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આવીને સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે જે પ્રમાણે સૂચના આપી હતી એ પ્રમાણે રિસ્ટોરેશનનું કામ તેજીથી ચાલી રહ્યું છે. ટ્રેક ખાલી કરવાનું કામ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. જેવું આ કામ પૂર્ણ થાય એટલે આ ટ્રેક આજે જ સંપૂર્ણ રિસ્ટોર કરી દેવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત, તમામ કોચ પણ ખસેડી દેવામાં આવ્યા છે અને મૃતદેહો પણ ખસેડી લેવાયા છે અને ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે. બુધવારે સવાર સુધી રિસ્ટોરેશન પૂર્ણ કરી લેવાય અને ગાડીઓ ફરીથી દોડવા માંડે તેવા પ્રયાસો કરવામાં આવશે.”

    તેમણે જણાવ્યું કે, “તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. રેલ સેફટી કમિશનર રિપોર્ટ સોંપે એટલે તમામ તથ્યો જાણવા મળશે. પરંતુ આ દર્દનાક અને ભયાનક અકસ્માતનું મૂળ કારણ જાણી લેવામાં આવ્યું છે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં