ભારતના એરોસ્પેસ ક્ષેત્રે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન (Dassault Aviation) વચ્ચે રાફેલ ફાઇટર એરક્રાફ્ટના (Rafale Fighter Aircraft) ફ્યુઝલેજ (Fuselage) ઘટકોના સ્થાનિક ઉત્પાદન માટે ચાર મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા છે. આ ઐતિહાસિક કરાર ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ (Make In India) અભિયાનને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવવામાં આવી રહ્યું છે, જે ભારતને વૈશ્વિક એરોસ્પેસ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન અપાવશે.
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) તેલંગાણાના હૈદરાબાદમાં એક અદ્યતન ઉત્પાદન એકમ (state-of-the-art manufacturing facility) સ્થાપશે, જ્યાં રાફેલ ફાઇટર જેટના ફ્યુઝલેજ ઘટકોનું ઉત્પાદન કરવામાં આવશે. આ નવું ઉત્પાદન એકમ ભારત અને વૈશ્વિક બજારો માટે રાફેલના ફ્યુઝલેજના આગળના, મધ્યના, પાછળના અને લેટરલ શેલ્સનું ઉત્પાદન કરશે. આ એકમ ડસોલ્ટ એવિએશનની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વનું યોગદાન આપશે અને ભારતના એરોસ્પેસ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ કરાર એટલા માટે પણ ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે રાફેલના ફ્યુઝલેજ ઘટકો ફ્રાન્સની બહાર ઉત્પાદન થશે. આ ઉત્પાદન એકમ નવીનતમ ટેકનોલોજીથી સજ્જ હશે અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરશે, જે દસોલ્ટ એવિએશનની આવશ્યકતાઓને પૂર્ણ કરશે. આ કરાર મુજબ હૈદરાબાદના ઉત્પાદન એકમમાંથી પ્રથમ ફ્યુઝલેજ ઘટકો નાણાકીય વર્ષ 2028માં પ્રોડક્શન લાઇનમાંથી બહાર આવશે. આ એકમ ભારતની રક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને વધારશે અને ભવિષ્યમાં અન્ય અદ્યતન એરોસ્પેસ પ્રોજેક્ટ્સ માટે પાયો નાખશે.
Now Rafales to be Made In India!
— IndiaToday (@IndiaToday) June 5, 2025
India to make fuselages of Rafale!
Rafale maker Dassault partners with Tata
India Today's @shivanipost gets us more details. #Rafale #Dassault #Tata | @anjileeistwal pic.twitter.com/PlIUWX6gbz
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના CEO અને MD સુકરણ સિંઘે કરાર વિશે કહ્યું હતું કે, “આ ભાગીદારી ભારતની એરોસ્પેસ યાત્રામાં એક મહત્વનું પગલું છે. ભારતમાં રાફેલના સંપૂર્ણ ફ્યુઝલેજનું ઉત્પાદન ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સની ક્ષમતાઓમાં વધતા વિશ્વાસ અને ડસોલ્ટ એવિએશન સાથેના અમારા સહયોગની મજબૂતીને દર્શાવે છે. આ ભારતના આધુનિક અને મજબૂત એરોસ્પેસ ઉત્પાદન ઇકોસિસ્ટમની પ્રગતિને પણ પ્રતિબિંબિત કરે છે, જે વૈશ્વિક પ્લેટફોર્મ્સને સમર્થન આપી શકે છે.”
દસોલ્ટ એવિએશનના ચેરમેન અને CEO એરિક ટ્રેપિયરએ આ કરારને એક નિર્ણાયક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે, “આ ભારતમાં અમારી સપ્લાય ચેઇનને મજબૂત કરવાનું એક મહત્વનું પગલું છે. TASL જેવા મજબૂત સ્થાનિક ભાગીદારોના વિસ્તરણને કારણે આ સપ્લાય ચેઇન રાફેલના ઉત્પાદનમાં વધારો કરશે અને અમારી ગુણવત્તા અને સ્પર્ધાત્મકતાની જરૂરિયાતોને પૂર્ણ કરશે.”
એરક્રાફ્ટ ફ્યુઝલેજ ઘટકો એટલે શું?
ફ્યુઝલેજ એ એક એરક્રાફ્ટનો મુખ્ય ભાગ (body structure) હોય છે, જે વિમાનના તમામ ભાગોને એકસાથે જોડી રાખે છે. તેને વિમાનની ‘હાડપિંજર’ (skeleton) તરીકે પણ ગણી શકાય. રાફેલ ફાઇટર જેટના ફ્યુઝલેજમાં નીચેના મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે:
આગળનો ભાગ (Front Section): આ ભાગમાં રાડાર સિસ્ટમ, કોકપિટ (પાયલટની બેઠક) અને અન્ય નેવિગેશન સાધનો હોય છે.
મધ્યનો ભાગ (Central Section): આ ભાગ વિમાનના ઇંધણ ટાંકીઓ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અન્ય મહત્વના ઘટકોને સમાવે છે.
પાછળનો ભાગ (Rear Section): આ ભાગમાં એન્જિન અને ટેલનો (પૂંછડી) સમાવેશ થાય છે.
લેટરલ શેલ્સ (Lateral Shells): આ ફ્યુઝલેજની બાજુની રચનાઓ હોય છે, જે વિમાનની મજબૂતાઈ અને એરોડાયનેમિક્સ (હવામાં ગતિની ક્ષમતા) માટે જરૂરી હોય છે.
ફ્યુઝલેજ એ વિમાનનું સૌથી જટિલ અને મહત્વનો ભાગ છે, જે ઉચ્ચ ગુણવત્તાની ચોકસાઈ (precision) અને અદ્યતન ટેકનોલોજીની માંગ કરે છે. આ ઘટકોનું ઉત્પાદન અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી અને અદ્યતન ઉત્પાદન તકનીકોનો ઉપયોગ થાય છે.
આ કરાર ભારતને અનેક ક્ષેત્રે મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. હૈદરાબાદનું ઉત્પાદન એકમ હજારો નોકરીઓનું સર્જન કરશે, જેમાં ઇજનેરો, ટેકનિશિયનો અને અન્ય કુશળ કામદારોનો સમાવેશ થશે. દસોલ્ટ એવિએશનની ટેકનોલોજી અને નિપુણતા ભારતમાં ટ્રાન્સફર થશે, જે ભારતીય એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત કરશે. હૈદરાબાદનું એકમ દસોલ્ટની વૈશ્વિક સપ્લાય ચેઇનનો હિસ્સો બનશે, જે ભારતની વૈશ્વિક એરોસ્પેસ બજારમાં ભૂમિકાને વધારશે. આ કરાર ભારતની રક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને વધારશે અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડશે.