તાજેતરમાં ગયેલા ગુડી પડવાના તહેવાર નિમિત્તે પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી તહેવારની ઉજવણી કરતી તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં સાગરિકા અને ઝહીર ખાન ગુડી પડવાની ઉજવણી કરતા જોવા મળે છે. આ ફોટા પોસ્ટ કર્યા બાદ કટ્ટરપંથીઓ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના સેક્શનમાં પહોંચી ગયા હતા અને ઝહીરને એક મુસ્લિમ થઈને આમ ન કરવાની સલાહ આપી.
સાગરિકાએ 2 દિવસ પહેલાં આ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે પાંચેક ફોટો પોસ્ટ કરીને બંને તરફથી ગુડી પડવાની શુભકામનાઓ પાઠવી. પોસ્ટમાં ઝહીર ખાનને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
આ પોસ્ટના કૉમેન્ટ સેક્શનમાં અનેક કટ્ટરપંથીઓએ તેમને હિંદુ તહેવાર ન ઉજવવાની સલાહ આપી અને અમુકે તો કહ્યું કે આ શિર્ક (હિંદુ ધર્મમાં જેને પાપ કહેવાય છે) છે અને અલ્લાહ તેની સજા આપશે.
એક હસીબ નામના યુઝરે લખ્યું કે, “અલ્લાહ તેમને હિદાયત આપે અને સમજાવે કે અલ્લાહ શિર્ક ક્યારેય માફ નહીં કરે અને હજુ પણ સમય છે કે તેનાથી ‘તૌબા’ કરી લે.”
ઘણા લોકોએ ઝહીર ખાનને કહ્યું કે, ક્યારેક તેમણે નમાજ પઢવાના ફોટો પણ પોસ્ટ કરવા જોઈએ. જ્યારે એક ઇસમે લખ્યું કે, ઝહીર અને તેની પત્ની ‘ખાન’ કહેવડાવવાને લાયક નથી અને ઓછામાં ઓછું આ બધું કરવા પહેલાં તેમણે નામમાંથી ‘ખાન’ કાઢી નાખવું જોઇએ.
ઝહીર શેખ નામના એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ, રમઝાન પણ ચાલી રહ્યો છે.’
જ્યારે યુસુફ હુસૈન નામના એક વ્યક્તિએ લખ્યું કે, ‘તમે મુસ્લિમ છો અને ઇસ્લામમાં આ બધું કરવાનું નથી હોતું. તમને ઈસ્લામનો અર્થ ખબર નથી. આ બધું ન કરો, અલ્લાહને જવાબ આપવાનો છે.’ સાથે એમ પણ કહ્યું કે, હજુ સમય છે આ બધા માટે તેમણે માફી માંગી લેવી જોઈએ તો અલ્લાહ માફ કરી દેશે.
એકે લખ્યું કે, તું પણ મોટો અંધભક્ત છે. આ પથ્થરોને પૂજીને અને ‘ગુનાઓમાં સામેલ થઈને’ તને શું મળે છે?
આ સિવાય પણ આવી અનેક કૉમેન્ટ જોવા મળી. નોંધવું જોઈએ કે આ પહેલાં પણ અનેક કિસ્સાઓમાં આવું બની ચૂક્યું છે જ્યારે કોઇ જાણીતી મુસ્લિમ હસ્તી જો હિંદુ ધર્મના તહેવારોની ઉજવણી કરતી તસવીર પોસ્ટ કરે તો કટ્ટરપંથીઓ ટ્રૉલિંગ શરૂ કરી દે છે અને અપશબ્દોનો મારો ચલાવીને અપમાનિત કરે છે. જોકે, સેક્યુલરિઝમના ઝંડાધારીઓ આવા વખતે મૌન ધારણ કરી લેતા હોય છે.