વડાપ્રધાન મોદીએ ભારતના બે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંઘને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જે બાદ હવે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના પરિવારનું નિવેદન પણ સામે આવ્યું છે. નરસિમ્હા રાવના પુત્ર પ્રભાકર રાવે તેમના પિતાને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાનની પ્રશંસા પણ કરી છે. એક તરફ્ર પરિવારે ભારત રત્ન આપવા બદલ ખુશી વ્યક્ત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના વલણ પર નારાજગી પણ વ્યક્ત કરી છે. નરસિમ્હા રાવના પૌત્ર એનવી સુભાષે કહ્યું છે કે, ગાંધી પરિવારે હંમેશા તેમને (નરસિમ્હા રાવને) બલિનો બકરો જ બનાવ્યા છે. સાથે તેમણે કહ્યું કે, પીવી કોંગ્રેસ પાર્ટીના હોવા છતાં PM મોદીએ તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા છે.
શુક્રવારે (9 ફેબ્રુઆરી, 2024) વડાપ્રધાન મોદીએ પીવી નરસિમ્હા રાવને મરણોપરાંત ‘ભારત રત્ન’ એનાયત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ નરસિમ્હા રાવના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે. નરસિમ્હા રાવના પૌત્ર એનવી સુભાષે આ મામલે કોંગ્રેસ સરકારને દોષ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને હંમેશા બલિનો બકરો જ બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હું UPA સરકારને, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને દોષ આપું છું. 2004થી 2014 સુધી UPA સત્તામાં હતી. ત્યારે તેમને (નરસિમ્હા રાવને) ભારત રત્ન કે અન્ય કોઈ સન્માન આપવાનું તો દૂર પણ ગાંધી પરિવારે તેમને હંમેશા કોંગ્રેસની ભૂલો માટે બલિનો બકરો જ બનાવ્યા હતા.”
‘PM મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ’
ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરાયા બદલ તેમના પુત્ર પ્રભાકર રાવે PM મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “ભારત રત્ન (મરણોપરાંત) માટે પસંદગી પામવી એ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ નરસિમ્હા રાવના ચાહકો અને અનુયાયીઓ માટે પણ ગર્વની ક્ષણ છે. અમે આ સન્માન માટે PM નરેન્દ્ર મોદી પ્રત્યે હ્રદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.”
#WATCH | Telangana: Prabhakar Rao, son of PV Narasimha Rao says, "It's a wonderful day today. It's a great occasion not only for the family but to the admirers and followers of Narasimha Rao on being conferred Bharat Ratna. Our gratitude goes to PM Narendra Modi who has taken the… https://t.co/QM53dYgdu3 pic.twitter.com/DyCZ9Ne59o
— ANI (@ANI) February 9, 2024
નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ તેમના પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) વિધાન પરિષદના સભ્ય વાણી દેવીએ શુક્રવારે (9 ફેબ્રુઆરી) વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “આમાં થોડી વાર લાગી, પરંતુ ઠીક છે, કારણ કે તે સર્વોચ્ચ નાગરિક સન્માન છે.” આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, નરસિમ્હા રાવ સંપૂર્ણ રાષ્ટ્રના છે. દરેક વ્યક્તિ તેમનાથી ખુશ છે. તેઓ માત્ર તેલુગુ માટીના નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના છે.
નોંધનીય છે કે, પીવી નરસિમ્હા રાવની સાથે-સાથે ચૌધરી ચરણ સિંઘ અને હરિત ક્રાંતિના અગ્રદૂત એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.