Tuesday, June 18, 2024
More
  હોમપેજદેશપૂર્વ પ્રધાનમંત્રીઓ ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હારાવને ભારત રત્ન, ડૉ. એમએસ...

  પૂર્વ પ્રધાનમંત્રીઓ ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હારાવને ભારત રત્ન, ડૉ. એમએસ સ્વામિનાથનને પણ અપાશે સર્વોચ્ચ સન્માન: PM મોદીએ આપી જાણકારી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતની જાણકારી X પર પોસ્ટ કરીને આપી છે. ત્રણ અલગ-અલગ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ ત્રણેય મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવશે.

  - Advertisement -

  દેશના વધુ ત્રણ વ્યક્તિઓને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં બે પૂર્વ વડાપ્રધાનોનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રધાનમંત્રીઓ ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હારાવને ભારત રત્ન અપાશે જ્યારે હરિત ક્રાંતિના જનક મનાતા ડૉ. એમએસ સ્વામિનાથનને પણ આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતની જાણકારી X પર પોસ્ટ કરીને આપી છે. ત્રણ અલગ-અલગ પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ ત્રણેય મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે ત્રણેયને મરણોત્તર સન્માન અપાશે. 

  PM મોદીએ લખ્યું કે, “અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અતુલનીય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકાર અને તેમના કલ્યાણ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હોય કે દેશના ગૃહમંત્રી કે એક ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્રનિર્માણમાં ગતિ પ્રદાન કરી. તેઓ ઇમરજન્સીના વિરોધમાં પણ દૃઢતાપૂર્વક ઉભા રહ્યા. આપણાં ખેડૂત ભાઈ-બહેનો માટે તેમનો સમર્પણ ભાવ અને ઇમરજન્સી દરમિયાન લોકતંત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આખા દેશને પ્રેરિત કરનારી છે.”

  - Advertisement -

  અન્ય એક પોસ્ટમાં PM મોદીએ પીવી નરસિમ્હારાવને ભારત રત્ન આપવાનું એલાન કરતાં લખ્યું કે, “એક પ્રતિભાશાળી સ્કોલર અને રાજનેતા તરીકે નરસિમ્હારાવે ભારતની ઘણી સેવા કરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી ઘણાં વર્ષો સુધી સાંસદ અને ધારાસભ્ય તરીકે તેમણે કરેલાં કાર્યોને સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું દૂરદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે પ્રગતિશીલ બનાવવા અને દેશની સમૃદ્ધિ અને વિકાસનો પાયો નાખવામાં ઘણું અસરકારક નીવડ્યું હતું.”

  આગળ PM મોદીએ લખ્યું કે, “નરસિમ્હારાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો થયા, જેનાથી ભારતે વૈશ્વિક બજારોમાં સ્થાન બનાવ્યું અને આર્થિક વિકાસનો એક નવો યુગ શરૂ થયો. આ ઉપરાંત, ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણના ક્ષેત્રોમાં પણ તેમનું યોગદાન એક નેતા તરીકે બહુમુખી વારસાને રેખાંકિત કરે છે, જેમણે ન માત્ર મહત્વપૂર્ણ પરિવર્તનોના માધ્યમથી ભારતને આગળ વધાર્યું, પરંતુ તેના સાંસ્કૃતિક અને બૌધિક વારસાને પણ સમૃદ્ધ કર્યો.”

  ડૉ. એસ સ્વામિનાથનને ‘ભારત રત્ન’ આપવાનું એલાન કરતાં PM મોદીએ લખ્યું કે, “ભારત સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણ માટે તેમના ઉલ્લેખનીય યોગદાન માટે ડૉ. એમએસ સ્વામિનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી અને બહરતીય કૃષિને આધુનિક બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યા.” 

  તેમણે લખ્યું કે, “ડૉ. સ્વામિનાથનના દૂરદર્શી નેતૃત્વે ન માત્ર ભારતીય કૃષિને બદલી છે, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તેઓ એક એવા વ્યક્તિ હતા, જેમને હું નજીકથી જાણતો હતો અને તેમની આંતરદ્રષ્ટિ અને ઇનપુટને મેં હંમેશા મહત્વ આપ્યું છે.”

  નોંધવું જોઈએ કે આ વર્ષે સરકાર કુલ 5 વ્યક્તિઓને ‘ભારત રત્ન’ આપવાનું એલાન કરી ચૂકી છે. જેમાં બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન, રામરથયાત્રાના રથી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. ‘ભારત રત્ન’ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં