Friday, November 1, 2024
More
    હોમપેજગુજરાત'આ દિવાળી ખૂબ વિશેષ, 500 વર્ષો બાદ મંદિરમાં બિરાજમાન થયા રામલલા': સેનાના...

    ‘આ દિવાળી ખૂબ વિશેષ, 500 વર્ષો બાદ મંદિરમાં બિરાજમાન થયા રામલલા’: સેનાના જવાનો સાથે દિવાળી ઉજવતાં PM મોદીએ કહ્યું- તમારી વચ્ચે પર્વ ઉજવવું મારું સૌભાગ્ય

    “હું ઘણી વાર કહું છું કે 1 આર્મી, 1 એરફોર્સ અને 1 નેવી એ 1-1-1 એમ અલગ અલગ દેખાય છે. પરંતુ જ્યારે તેઓ સંયુક્ત કવાયત કરે છે ત્યારે તેઓ અલગ 1-1-1 નહીં પરંતુ 111 તરીકે દેખાય છે.”

    - Advertisement -

    વર્ષોથી ચાલતી આવતી પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સેનાના જવાનો સાથે દિવાળીની (Diwali) ઉજવણી કરી હતી. તેઓ આ માટે કચ્છ (Kutch) સ્થિત ભારત-પાકિસ્તાન સરહદ પર તહેનાત જવાનો (Indian Army) પાસે પહોંચ્યા હતા. અહીં તેમણે જવાનોને મીઠાઈ ખવડાવી, દિવાળીની શુભકામનાઓ પાઠવી અને સાથે સંબોધન પણ કર્યું હતું. 

    સંબોધન કરતાં તેમણે કહ્યું કે, આ વર્ષની દિવાળી ખૂબ વિશેષ છે, કારણ કે 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યામાં તેમના મંદિરમાં બિરાજમાન થયા છે.  તેમણે ઉમેર્યું, “આજે દેશની સેના સાથે, સીમા સુરક્ષા બળ સાથે, તમારી સાથે દિવાળીની ઉજવણી કરવી એ મારું સૌભાગ્ય છે. આપ સૌને પણ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. જ્યારે હું તમારી સાથે દિવાળી ઉજવું છું ત્યારે દિવાળીની મિઠાશ વધી જાય છે.”

    આગળ અયોધ્યા અને ભગવાન શ્રીરામનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું, “આ વખતની દિવાળી ખૂબ વિશેષ છે. અયોધ્યામાં પ્રભુ રામ 500 વર્ષ બાદ ફરીથી તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. હું આપ સૌને અને મા ભારતીની સેવામાં તહેનાત દેશના દરેક જવાનને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારી શુભેચ્છાઓમાં 140 કરોડ દેશવાસીઓનો તમારા પ્રત્યેનું કૃતજ્ઞાતા ભાવ પણ સામેલ છે અને તેમનો આભાર પણ સામેલ છે.”

    - Advertisement -

    આ ઉપરાંત PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “હું ઘણી વાર કહું છું કે 1 આર્મી, 1 એરફોર્સ અને 1 નેવી એ 1-1-1 એમ અલગ અલગ દેખાય છે. પરંતુ જ્યારે તેઓ સંયુક્ત કવાયત કરે છે ત્યારે તેઓ અલગ 1-1-1 નહીં પરંતુ 111 તરીકે દેખાય છે.” PM મોદીએ એમ પણ કહ્યું હતું કે, “આ દેશમાં એવી સરકાર છે જે દેશની એક ઇંચ જમીન સાથે પણ સમાધાન કરશે નહીં”.

    આ ઉપરાંત તેમણે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની વાત કરતાં કહ્યું હતું કે, એકવીસમી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજે આપણે આપણી સેના, આપણાં સુરક્ષા દળોને આધુનિક સંસાધનોથી સજ્જ કરી રહ્યા છીએ. આપણે આપણી સેનાને વિશ્વના સૌથી આધુનિક સૈન્ય દળોની શ્રેણીમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ તથા સંરક્ષણ ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભરતાના લક્ષ્યને લઈને પ્રયાસો સતત ચાલુ છે.”

    આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે, “આજે ભારત પોતાની સબમરિન બનાવી રહ્યું છે. આપણું તેજસ ફાઈટર એરક્રાફ્ટ વાયુસેનાની તાકાત છે. પહેલાં ભારત શસ્ત્રોની આયાત કરતા દેશ તરીકે જાણીતું હતું. આજે ભારત વિશ્વના ઘણા દેશોમાં સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે વર્ષોથી PM મોદી તેમની દિવાળી સેનાના જવાનો સાથે જ ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવીને આ પરંપરા અકબંધ રાખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં