વારાણસી જિલ્લા કોર્ટે આદેશ આપ્યા બાદ જ્ઞાનવાપીમાં આવેલ ભોંયરામાં પૂજાપાઠ શરૂ થઈ ગયા છે. ‘વ્યાસજી કા તહેખાના’ નામે ઓળખાતા આ ભોંયરાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પૂજારી ભગવાનની પૂજા કરતા જોઈ શકાય છે. 31 વર્ષ બાદ જ્ઞાનવાપીમાં ભગવાનની પૂજા શરૂ થઈ છે. બુધવારે (31 જાન્યુઆરી, 2024) વારાણસીની કોર્ટે હિંદુઓને પૂજા માટે અધિકાર આપ્યો હતો.
આ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને એક વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું, જ્ઞાનવાપીમાં પૂજા શરૂ.’ વિડીયોમાં એક પૂજારીને ભગવાનના પૂજાપાઠ કરતા જોઈ શકાય છે. સાથે મંત્રો પણ સંભળાતા જોવા મળે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Puja started at gyanvyapi pic.twitter.com/ZjcWYnklCG
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) February 1, 2024
વિષ્ણુશંકર જૈને જાણકારી આપ્યા અનુસાર, વ્યાસજી કા તહેખાનામાં દિવસમાં કુલ 5 વખત આરતી કરવામાં આવશે. સવારે 3:30 વાગ્યે મંગળા આરતી થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે ભોગ ચડાવશે. 4 વાગ્યે એક આરતી અને ત્યારબાદ સાયંકાલ આરતી સાંજે 7 વાગ્યે થશે. રાત્રે 10:30 વાગ્યે શયન આરતી સાથે દિવસ પૂર્ણ થશે.
Timings for aarti at vyas cellar
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) February 1, 2024
Daily 5 aarti
Mangla- 3:30am
Bhog- 12 pm
Apranh- 4pm
Sanykaal- 7pm
Shayan- 10:30pm
2 done so far
Next at 4pm
ઉલ્લેખનીય છે કે આ ‘વ્યાસજી કા તહેખાના’ જ્ઞાનવાપીની નીચે આવેલ એક ભોંયરૂ છે, જ્યાં 1993 સુધી એક વ્યાસ પરિવાર નિયમિત પૂજા કરતો હતો. પરંતુ 1993માં મુલાયમ યાદવની સરકારના આદેશથી પૂજારીને રોકી દીધા હતા અને ત્યારથી પૂજાપાઠ બંધ થઈ ગયા હતા. તાજેતરમાં પરિવારના એક વંશજે કોર્ટમાં અરજી કરીને ફરી પૂજા કરવા માટે પરવાનગી માંગી હતી અને કોર્ટને અપીલ કરી હતી કે તેઓ આ સ્થાન જિલ્લા તંત્રને સોંપી દે.
કોર્ટે ગત 17 જાન્યુઆરીના આદેશમાં આ ભોંયરાનું નિયંત્રણ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને સોંપી દીધું હતું. આખરે 31 જાન્યુઆરીના આદેશમાં કોર્ટે હિંદુઓને ફરી પૂજા કરવાની પરવાનગી આપી હતી. કોર્ટના આદેશ બાદ સ્થાનિક તંત્રે બિલકુલ સમય વેડફ્યા વગર રાત્રે જ વ્યવસ્થા કરી દીધી હતી અને બીજા દિવસથી પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ, જ્ઞાનવાપીનું સંચાલન કરતી સમિતિ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ વારાણસી કોર્ટના આ આદેશ વિરૂદ્ધ પહેલાં સુપ્રીમ કોર્ટ ગઈ હતી પરંતુ કોર્ટે તેમને અલાહાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે.
મસ્જિદ સમિતિના વકીલો રાત્રે જ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારના ઘરે પહોંચ્યા હતા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ત્યારબાદ રજિસ્ટ્રારે પોતે CJI પાસેથી સૂચના મેળવીને પ્રત્યુત્તર આપશે તેમ કહીને તેમને વાળ્યા હતા. આખરે સવારે 7 વાગ્યે રજિસ્ટ્રારે CJIનો સંદેશ પહોંચાડ્યો કે તેઓ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરે. ત્યારબાદ મસ્જિદ સમિતિ હાઇકોર્ટ પહોંચી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં સુનાવણી ક્યારે થશે તે જાણવા મળ્યું નથી.
આ અંગે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને અગાઉ જ કહ્યું હતું કે જો મસ્જિદ સમિતિ હાઇકોર્ટ જશે તો તેઓ એક કેવિયેટ ફાઇલ કરશે. કેવિયેટ ફાઇલ કરવાનો અર્થ એ રીતે કરી શકાય કે હિંદુ પક્ષ કોર્ટને કહેશે કે આ મામલે તેમનો પક્ષ સંભાળ્યા વગર કોઇ નિર્ણય પર પહોંચવામાં ન આવે.