Sunday, April 28, 2024
More
    હોમપેજદેશજ્ઞાનવાપીમાં સ્થિત ‘વ્યાસજી કા તહેખાના’ શું છે, જ્યાં 30 વર્ષ બાદ શરૂ...

    જ્ઞાનવાપીમાં સ્થિત ‘વ્યાસજી કા તહેખાના’ શું છે, જ્યાં 30 વર્ષ બાદ શરૂ થશે પૂજા: મુલાયમ સરકારના આદેશથી લાગી ગઈ હતી રોક, હવે ફરી ગુંજશે ‘હર હર મહાદેવ’

    આ નામ એટલા માટે કારણ કે અહીં પહેલાં એક વ્યાસ પરિવાર ભગવાનની પૂજા કરતો હતો. સોમનાથ વ્યાસ નામના એક પૂજારી અહીં કાયમ પૂજા કરતા હતા, પરંતુ વર્ષ 1993માં તત્કાલીન મુલાયમ યાદવની સરકારના આદેશથી સ્થાનિક તંત્રએ તેમને પૂજા કરતા રોકી દીધા હતા.

    - Advertisement -

    વિવાદિત ઢાંચા જ્ઞાનવાપીની નીચે આવેલા એક ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. ‘વ્યાસજી કા તહેખાના’ નામે ઓળખાતું આ ભોંયરુ જ્ઞાનવાપીના દક્ષિણ ભાગમાં આવેલું છે. અહીં 1993 સુધી પૂજા થતી હતી, પરંતુ તત્કાલીન મુલાયમ યાદવ સરકારે રોક લગાવી દીધી હતી. હવે વારાણસી જિલ્લા કોર્ટના આદેશથી અહીં ફરીથી પૂજા શરૂ કરવામાં આવશે. 

    જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને મીડિયાને જણાવ્યું કે, “7 દિવસ જિલ્લા તંત્રને આપવામાં આવ્યા છે. તેઓ જેવી વ્યવસ્થા તૈયાર કરે કે પૂજા-પાઠ શરૂ કરી દેવામાં આવશે.” તેમને પૂછવામાં આવ્યું કે, જેઓ પણ કાશી વિશ્વનાથ જશે તેઓ ભોંયરામાં પૂજા માટે જઈ શકશે કે કેમ? જેનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભક્તો-પૂજારીઓ સૌને જવાની અનુમતિ આપવામાં આવશે.

    જ્ઞાનવાપી ઢાંચામાં કુલ ચાર ભોંયરાં છે. જેમાંથી દક્ષિણ ભાગમાં આવેલ એક ભોંયરુ છે ‘વ્યાસજી કા તહેખાના.’ આ નામ એટલા માટે કારણ કે અહીં પહેલાં એક વ્યાસ પરિવાર ભગવાનની પૂજા કરતો હતો. સોમનાથ વ્યાસ નામના એક પૂજારી અહીં કાયમ પૂજા કરતા હતા, પરંતુ વર્ષ 1993માં તત્કાલીન મુલાયમ યાદવની સરકારના આદેશથી સ્થાનિક તંત્રએ તેમને પૂજા કરતા રોકી દીધા હતા. આ ભોંયરુ બરાબર ભગવાન નંદીની સામે જ સ્થિત છે.

    - Advertisement -

    તાજેતરમાં શૈલેન્દ્ર કુમાર પાઠકે જ્ઞાનવાપીનું સંચાલન કરતી અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટી સામે એક અરજી દાખલ કરી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ આ ‘વ્યાસજી કા તહેખાના’ ભોંયરાનું નિયંત્રણ જિલ્લા તંત્રને સોંપી દે. તેમણે દલીલ કરી હતી કે આ સ્થળે મસ્જિદ સમિતિના લોકો આવતા-જતા રહે છે અને હાલ કેસ ચાલી રહ્યો છે અને વર્ષોથી ત્યાં પૂજા કરવા માટે કોઇ ગયું નથી, તેવામાં તેઓ તે કબજે કરી શકે છે. 

    કોર્ટે આ મામલે સુનાવણી કરીને ગત 17 જાન્યુઆરીના રોજ આ ભોંયરાનું નિયંત્રણ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી દીધું હતું. ત્યારબાદ 24 જાન્યુઆરીના રોજ DMએ ભોંયરાનું નિયંત્રણ મેળવ્યું હતું. દરમ્યાન, 30 જાન્યુઆરીના રોજ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો અને હવે ત્યાં હિંદુઓને પૂજા કરવા માટેનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. 

    કોર્ટે આદેશમાં શું કહ્યું?

    કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, ‘જિલ્લા મેજિસ્ટ્રેટ વારાણસીને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ સેટલમેન્ટ પ્લોટ નંબર- 9130, પોલીસ મથક- ચોક, વારાણસીમાં સ્થિત ભવનના (જ્ઞાનવાપી) દક્ષિણ તરફ સ્થિત ભોંયરામાં, જે કેસ સંબંધિત સંપત્તિ છે, ત્યાં અરજદાર તેમજ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા નામનિર્દેશ પૂજારી પાસે ભોંયરામાં સ્થિત મૂર્તિઓની પૂજા, રાગ-ભોગ વગેરે કરાવે અને આ માટે 7 દિવસની અંદર બેરિકેડ વગેરેની યોગ્ય વ્યવસ્થા કરે.’ 

    વારાણસી કોર્ટના આદેશનો એક ભાગ

    સુનાવણી દરમિયાન કોર્ટે માન્યું કે ડિસેમ્બર, 1993માં પૂજારી સોમનાથ વ્યાસને ભોંયરામાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા અને બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. તેઓ બ્રિટીશકાળથી ત્યાં પૂજા કરતા આવ્યા હતા. તેમને રોકવામાં આવ્યા બાદ રાજ-ભોગ વગેરે પણ બંધ થઈ ગયું. 

    કોર્ટે માન્યું કે, હિંદુ ધર્મ સંબંધિત અનેક સામગ્રી અને પ્રતિમાઓ આજે પણ ભોંયરામાં હાજર છે અને તેની પૂજા કરવી જરૂરી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રે કોઇ પણ અધિકાર વગર ડિસેમ્બર, 1993માં પૂજા બંધ કરાવી દીધી હતી. નોંધવું જોઈએ કે આ જ મહિને મુલાયમ યાદવે બસપા સુપ્રીમો કાશીરામ સાથે મળીને સરકાર બનાવી હતી અને પોતે મુખ્યમંત્રી બન્યા હતા. 

    બીજી તરફ, મુસ્લિમ પક્ષે દાવો કર્યો કે વ્યાસ તહેખાનામાં કોઇ પૂજા કરવામાં આવી ન હતી અને ત્યાં કોઇ મૂર્તિ હોવાની વાતો પણ નકારી દેવામાં આવી. જોકે, કોર્ટે તેને નકારી દીધો અને આદેશ આપ્યો કે ત્યાં પૂજા કરવાની વ્યવસ્થા કરવામાં આવે. 

    કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે જ્ઞાનવાપીમાં બેરિકેડિંગ કોના આદેશ પર કરવામાં આવી હતી અને શૃંગાર ગૌરીનું પૂજન કેમ બંધ થયું હતું? પરંતુ કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. ડિસેમ્બર, 1993માં જ્યારે પૂજા પર રોક લગાવવામાં આવી, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી. UP સરકારનું કહેવું હતું કે આ મામલે કોઇ પણ લેખિત આદેશ હોવાનું જાણમાં નથી. કોર્ટે તમામ રેકોર્ડને ધ્યાનમાં લઈને આખરે ચુકાદો આપીને પૂજાનો માર્ગ મોકળો કર્યો છે.

    ‘ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે આ ચુકાદો’

    હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈનનું કહેવું છે કે આ ખરા અર્થમાં એક ઐતિહાસિક ચુકાદો છે અને આ કેસનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમણે આ નિર્ણયને 1986ના રામજન્મભૂમિ કેસના એક આદેશ સાથે સરખાવ્યો હતો, જેમાં ફૈઝાબાદ (હાલ અયોધ્યા) જિલ્લા કોર્ટના ન્યાયાધીશે બાબરીનાં તાળાં ખોલીને હિંદુઓને પૂજા કરવા માટે અધિકાર આપ્યો હતો. 

    અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ જ્ઞાનવાપી પરિસરનો સરવે કરનાર ASIએ પોતાનો 800થી વધુ પાનાંનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. આ રિપોર્ટમાં વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે કથિત મસ્જિદનાં ભોંયરાંમાંથી ASIને હિંદુ મંદિરને લગતી પ્રતિમાઓ, લઘુમંદિર, અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યાં હતાં. આ જ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે હાલનું બાંધકામ (મસ્જિદ) જ્યાં છે ત્યાં પહેલાં એક ભવ્ય હિંદુ મંદિર હતું અને તેને તોડીને તેના જ સ્તંભો અને શિલાલેખોનો ઉપયોગ કરીને અહીં મસ્જિદ બાંધવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં