Sunday, May 19, 2024
More
  હોમપેજદેશએક્સક્લુઝિવ: જ્ઞાનવાપીમાં હિંદુ મંદિરનાં શિલ્પો, દેવી-દેવતાઓની મૂર્તિઓ, લઘુમંદિર અને શિવલિંગ પણ….કાટમાળ વડે...

  એક્સક્લુઝિવ: જ્ઞાનવાપીમાં હિંદુ મંદિરનાં શિલ્પો, દેવી-દેવતાઓની મૂર્તિઓ, લઘુમંદિર અને શિવલિંગ પણ….કાટમાળ વડે બંધ કરી દેવાયાં હતાં ભોંયરાં, ASIએ શોધી કાઢ્યાં

  ASIનો અહેવાલ જણાવે છે કે, મંદિર સાથે જોડાયેલાં અમુક પ્રાચીન શિલ્પો અને કલાકૃતિઓને જાણીજોઈને સંતાડી રાખવામાં આવ્યાં હતાં. આ શિલ્પો ભોંયરામાં રાખવામાં આવ્યાં હતાં અને તેને કાટમાળ અને દીવાલ વડે બંધ કરી દેવાયાં હતાં.

  - Advertisement -

  તાજેતરમાં વિવાદિત માળખા જ્ઞાનવાપીના પરિસરના ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો અને તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે હાલ જ્યાં ‘મસ્જિદ’ ઉભી છે ત્યાં અગાઉ ભવ્ય પ્રાચીન મંદિર સ્થિત હતું. 800 પાનાંના આ રિપોર્ટમાં આ બાબતને પુરવાર કરવા માટે વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે અને સાથે જ્ઞાનવાપીમાંથી મળી આવેલી કલાકૃતિઓ અને શિલ્પો વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ત્યાં પહેલાં ભગવાન શિવનું ભવ્ય મંદિર હતું. 

  રિપોર્ટમાં અન્ય એક બાબત જણાવવામાં આવી છે, જે ધ્યાન ખેંચે તેવી છે. ASIનો અહેવાલ જણાવે છે કે, મંદિર સાથે જોડાયેલાં અમુક પ્રાચીન શિલ્પો અને કલાકૃતિઓને જાણીજોઈને સંતાડી રાખવામાં આવ્યાં હતાં. આ શિલ્પો ભોંયરામાં રાખવામાં આવ્યાં હતાં અને તેને કાટમાળ અને દીવાલ વડે બંધ કરી દેવાયાં હતાં. ASI રિપોર્ટ મુજબ, ઇમારતના પૂર્વીય ભાગમાં કુલ છ ભોંયરાં છે. જેમાંથી 3 દક્ષિણ દિશામાં અને 3 ઉત્તર દિશામાં સ્થિત છે. ઉત્તર દિશામાં બીજાં 2 ભોંયતળિયાં છે. 

  રિપોર્ટ કહે છે કે, જ્યારે અગાઉના બાંધકામને (મંદિર) તોડીને તેમાં સુધારાવધારા કરીને તેને પૂર્વ તરફ લંબાવવામાં આવ્યું ત્યારે આ ભોંયતળિયા બનાવવામાં આવ્યાં હશે, જે જમીન સ્તરેથી નીચેની તરફ આવેલાં છે. આ ભોંયતળિયાંનો ઉપયોગ જુદા-જુદા હેતુઓ માટે કરવામાં આવતો હતો, જોકે મોટાભાગનાં સંપૂર્ણ કે અંશતઃ બંધ જ જોવા મળ્યાં હતાં. અભ્યાસ માટે ASIએ તમામની સાફસફાઈ કરાવી હતી અને તેમાંથી કાટમાળ દૂર કરાવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતાં ASIની ટીમને મંદિર સંબંધિત શિલ્પો અને કલાકૃતિઓ મળી આવ્યાં હતાં. 

  - Advertisement -

  સૌથી અગત્યનાં શિલ્પો દક્ષિણ ભાગે આવેલાં ભોંયતળિયાં S1, S2 અને S3માંથી મળી આવ્યાં હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. ASI કહે છે કે, S1 અને S2માં જાવા માટે કુલ 5 પ્રવેશદ્વાર છે, પરંતુ તમામ ઇંટ કે પથ્થરો વડે બ્લૉક કરવામાં આવ્યાં હતાં. આ જ રીતે S3નાં 4 પ્રવેશદ્વારો પણ માટી, પથ્થરો અને બાંધકામના સામાન વડે બ્લૉક કરી દેવામાં આવ્યાં હતાં. 

  પ્રવેશદ્વારની સાફસફાઈ બાદ જ્યારે ASIની ટીમ S3માં પહોંચી ત્યારે તેમણે જોયું કે તેમાં કોઇ ખાસ ઉદ્દેશ્યથી માટી અને કાટમાળ ભરી રાખવામાં આવ્યાં હતાં. સિલીંગમાં કાણાં પાડવામાં આવ્યાં હતાં અને તેમાં પણ માટી ભરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, S2 ભોંયતળિયાનો ઉપયોગ વાંસ, ટેરાકોટા, ધાતુનાં વાસણો, બારી-દરવાજા, બાંધકામનો સામાન વગેરેના સંગ્રહસ્થાન તરીકે કરવામાં આવ્યો હતો. આ સિવાય, પશ્ચિમી દીવાલના પ્રવેશદ્વાર પાસે પણ બાંધકામનો ઘણો સામાન મળી આવ્યો હતો. 

  જ્યારે ભોંયતળિયામાંથી કાટમાળ દૂર કરવામાં આવ્યો ત્યારે જાણીજોઇને સંતાડવામાં આવેલી ઘણી ચીજવસ્તુઓ મળી આવી હતી. જેમાં એક લઘુ મંદિર, વિષ્ણુનું શિલ્પ, શૈવ દ્વારપાળ, હનુમાનજીની પ્રતિમા અને પથ્થરની અન્ય ચીજવસ્તુઓ સાથે ટેરાકોટાની મૂર્તિઓ પણ સામેલ હતી. અહીંથી મળી આવેલા એક લઘુમંદિરને લઈને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘દેવતાઓની મૂર્તિનું ચિત્રણ ધરાવતું એક લઘુ મંદિર એક ઉલ્લેખનીય શોધ ગણી શકાય.”

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, S2 અને પશ્ચિમી દીવાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં શિવલિંગ અને યોનિપટ્ટ મળી આવ્યાં હતાં. અહીંથી જ વિષ્ણુનાં 2 શિલ્પો પણ મળી આવ્યાં, જેમાંથી એક સંપૂર્ણ ચિત્ર દર્શાવે છે, જ્યારે બીજામાં માત્ર પરિકર હિસ્સો જોવા મળે છે, જે વિષ્ણુ બેઠા હોય તેવી આકૃતિ દર્શાવે છે.

  S2માંથી ભગવાન કૃષ્ણની 2 ખંડિત પ્રતિમાઓ અને માર્બલથી બનેલી ભગવાન ગણેશજીની મૂર્તિનું માથું મળી આવ્યું હતું. પશ્ચિમી દીવાલ વિસ્તારમાં કાટમાળ હટાવતી વખતે નંદીની 2 ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ પણ મળી આવી હતી. આ સિવાય પણ અનેક મૂર્તિઓ મળી આવી હતી, પરંતુ તેની ઓળખ કરવી કઠિન છે કારણ કે તેં વધુ પડતી ખંડિત થઈ ગઈ છે. 

  S3માંથી માર્બલનો એક ટુકડો મળી આવ્યો હતો, જેની ઉપર દેવનાગરી લિપિમાં ‘રામ’ લખીને તેમાં કાળો રંગ કરવામાં આવ્યો છે. અહીંથી જ એક મકરનું શિલ્પ પણ મળી આવ્યું હતું, જે પોતાનું મોં ઉપરની તરફ કરેલી સ્થિતિમાં બેઠેલો જોવા મળે છે. 

  S2માંથી એક પ્રતિમા, જેનું માથું ન હતું, પણ મળી આવી હતી, જે ભગવાન કૃષ્ણની હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય એક મૂર્તિ મળી, જેનું ધડ ગાયબ હતું. S2માંથી મળી આવેલી અન્ય ચીજોમાં મોટી સંખ્યામાં તૂટેલાં વાસણો, ચિલમ, હુક્કા બેઝ, નાનાં વાસણો અને દીવા વગેરેનો સમાવેશ થાય છે.

  આ સિવાય S3માંથી મોટી સંખ્યામાં માટીનાં વાસણો અને ટેરાકોટાની ચીજો પણ મળી આવી હતી. જોકે, હિંદુ પક્ષનું કહેવું છે કે S3 ભોંયતળિયાની સંપૂર્ણ તપાસ ન થઈ શકી, કારણ કે તેની છત પર કાટમાળ ભરેલો હતો અને તેના ખોદકામની મંજૂરી મળી ન હતી. જેથી આ ભોંયતળિયામાં હિંદુ મંદિર સંબંધિત અન્ય પણ કલાકૃતિઓ મળી આવે તેની સંભાવનાઓ નકારી શકાય નહીં.

  તદુપરાંત, ઢાંચાના પૂર્વ ભાગમાંથી કાટમાળ દૂર કરતી વખતે પથ્થરનું એક નાનું શિવલિંગ પણ મળી આવ્યું હતું. ભોંયતળિયાના બાંધકામને લઈને ASIએ જણાવ્યું કે, તેમાં પથ્થરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની ઉપર પથ્થરના પટ્ટા મૂકવામાં આવ્યા હતા. પછીથી છતને સહારો આપવા માટે ચિનાઈના સ્તંભો પણ ઉમેરવામાં આવ્યા હતા. ASI અનુસાર, ભોંયતળિયાના બાંધકામ માટે અગાઉના હિંદુ મંદિરોના જ સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  ભોંયતળિયામાંથી મળી આવેલાં આ શિલ્પો એ વાતનો પુરાવો છે કે જ્ઞાનવાપી ઢાંચાના સ્થાને પહેલાં મંદિર હતું. ASI પોતાના રિપોર્ટને અંતે આ જ બાબત જણાવે છે. જે અનુસાર, મંદિરના મધ્ય ભાગમાં એક મોટો મંડપ હતો. તેની ફરતે ચાર દિશામાં ચાર મંડપ હતા. જેમાંથી ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના ત્રણ મંડપો હજુ પણ જોઈ શકાય તેમ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં