વડોદરાના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાતે જ્યારે હિંદુઓ પોતાના બાળકો અને મહિલાઓ સાથે તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે અચાનક જ મુસ્લિમ તોફાનીઓએ વિસ્તારની લાઈટ બંધ કરીને પોતાની અગાસીઓ પરથી પથ્થરો અને પેટ્રોલ બોમ્બની વર્ષા કરી હતી. પોલીસ જયારે પરિસ્થિતિ કાબુમાં લેવા વિસ્તારમાં પહોંચી ત્યારે DCP સહીત પોલીસના કાફલા પર પણ પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. હવે પોલીસે આરોપી અલ્તાફ મન્સૂરીને સાથે લઇ જઈને વિસ્તારમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.
વડોદરા પોલીસ દ્વારા મુખ્ય આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, દિવાળીએ કોમી અથડામણનો મામલો #Vadodara #Gujarat @GujaratPolice @CollectorVad https://t.co/EcNdnaLzK1
— ETVBharat Gujarat (@ETVBharatGJ) November 1, 2022
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વિસ્તારના CCTV તપાસીને ઘણા શંકાસ્પદોની ઓળખ પણ કરી હતી. આ ઘટનામાં પોલીસે તે દિવસે વીસ જેટલા તોફાની તત્વોને ઝડપી પાડ્યા હતા. અન્ય 26 જેટલાની ઓળખ થઇ ગઇ હતી. તેમની શોધખોળની કાર્યવાહી ચાલતી હતી. આ દરમિયાન પોલીસે નાલબંધવાડામાં રહેતા અલ્તાફ ઉર્ફે ગુલ્લુ અબ્બાસભાઇ મન્સુરી (ઉ.23) તથા ભાંડવાલાની ગલીમાં રહેતા મોહમંદસમીરભાઇ ઉર્ફે જગ્ગુ યુનુસભાઇ ખલીફા (ઉ. 19)ની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા અલ્તાફ અને મોહંમદસમીરના બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. ઝડપાયેલાઓમાં અલ્તાફ મન્સુરીએ પેટ્રોલ ભરેલી બોટલનો પેટ્રોલ બોમ્બ તરીકે ઉપયોગ કર્યો હતો. અલ્તાફ મન્સુરીએ પોલીસ અધિકારી પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાની કબૂલાત કરી હતી.
ફૂડ ડિલિવરીનું કામ કરતા અલ્તાફે બૉમ્બ બનાવ્યા હતા
તપાસમાં જાણવા મળ્યું કે પોલીસ અધિકારી પર બોમ્બ ફેંકનાર આરોપી અલ્તાફ સ્વીગીમાં ફૂડ ડીલીવરી બોય તરીકે કામ કરે છે. આ ઉપરાંત લગ્ન પસંગમાં રીસેપ્શનમાં મહેમાનોને મનોરંજન માટે મોઢામાં ડીઝલ રાખીને ફૂંક મારીને હવામાં આગના ગોળા બતાવવાના પણ કરતબ બતાવે છે. આ કામગીરીના અનુભવને પગલે તેણે પેટ્રોલ બોમ્બ બનાવ્યા હતા.
પથ્થરમારા દરમિયાન એક મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢ્યુ હતુ. તે મોટરસાયકલ પણ પોલીસે કબ્જે કરી હતી. સોમવારે (31 ઓક્ટોબર) સાંજે પાણીગેટ મુસ્લિમ મેડિકલ સેન્ટરથી સ્વામિનારાયણ મંદિર સુધીના વિસ્તારમાં અલ્તાફને લઇ જઇને રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતુ. આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અલ્તાફે જ પોતાના ઘરના ધાબા પરથી DCP યશપાલ જગણિયા પર પેટ્રોલ બૉમ્બ વડે હુમલો કર્યો હતો. પોલીસે તેને સાથે રાખીને તે ધાબા પર જઈને આખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. હાલ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના હસ્તક છે. પોલીસ હાલમાં આરોપી અલ્તાફ મન્સૂરી કોના કહેવાથી આ બોમ્બ બનાવ્યા, પેટ્રોલ ક્યાંથી લાવ્યો, કેટલા બોમ્બ બનાવ્યા હતા, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે વગેરે પાસાઓની તપાસ કરી રહી છે.