વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર જાહેર મંચ પરથી દેશના વિકાસમાં રોડાં નાંખનારાઓને આડેહાથ લીધા હતા. પીએમ મોદી ગુજરાતના એકતા નગરમાં આયોજિત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે, અર્બન નક્સલો અને વિકાસ વિરોધીઓએ વર્ષો સુધી સરદાર સરોવર ડેમનું કામ અટકાવી રાખ્યું હતું.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વગર દેશનો વિકાસ અને દેશના લોકોનું જીવનસ્તર સુધારવાનો પ્રયાસ સફળ થઇ શકે તેમ નથી, તે જાણવા છતાં પર્યાવરણના નામ પર દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનાં કામમાં રોડાં નાંખવામાં આવતાં હતાં. તેમણે એકતા નગરનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
The delay of Sardar Sarovar Project and the dubious role of urban Naxals in this delay has lessons for us all…
— Narendra Modi (@narendramodi) September 23, 2022
Let’s not jeopardise progress for self-interest of a select few. pic.twitter.com/KxcUhUwbMx
વડાપ્રધાને આગળ કહ્યું, એકતા નગર એનું આંખ ઉઘાડનારું ઉદાહરણ છે કે કઈ રીતે આટલા મોટા પ્રોજેક્ટને રોકી રાખવામાં આવ્યો હતો. જેનો શિલાન્યાસ સ્વતંત્રતાની તરત પછી કરવામાં આવ્યો હતો પરંતુ પછી તમામ અર્બન નક્સલો મેદાનમાં આવી ગયા, દુનિયાના લોકો આવ્યા અને પ્રોજેક્ટ પર્યાવરણ વિરોધી હોવાનો પ્રચાર કરીને કામ અટકાવવામાં આવ્યું. જે કામ નહેરુજીએ શરૂ કર્યું હતું એ મારા આવ્યા બાદ પૂર્ણ કરવામાં આવ્યું. દેશના કેટલાય રૂપિયા બરબાદ થઇ ગયા.
પીએમ મોદી આગળ કહે છે કે, આ અર્બન નક્સલો આજે પણ ચૂપ નથી અને હજુ પણ તેમના ખેલ ચાલી જ રહ્યા છે. તેમના જુઠ્ઠાણાં પકડાઈ ગયાં તે પણ સ્વીકારવા માટે તેઓ રાજી નથી અને હવે તેમને રાજનીતિક સમર્થન પણ મળી રહ્યું છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, દેશના વિકાસને રોકવા માટે અનેક ગ્લોબલ સંસ્થાઓ અને ફાઉન્ડેશન પણ આવા વિષયને પકડીને હોબાળો મચાવી દે છે અને અહીંના અર્બન નક્સલો તેમને માથા પર લઈને નાચતા ફરે છે અને આપણે ત્યાં કામ અટકી જાય છે. આ લોકોનાં ષડયંત્રો વર્લ્ડ બેન્ક અને ન્યાયતંત્રને પણ પ્રભાવિત કરી દે છે.
વડાપ્રધાને સંબોધનમાં કોઈનું નામ લીધું ન હતું પરંતુ સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં રોડાં નાંખવા માટે મેધા પાટકર અને તેમની ગેંગ કુખ્યાત બની હતી. જેમના ‘નર્મદા બચાવો આંદોલન’ના કારણે વર્ષો સુધી સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો અને જેના કારણે નર્મદાનું પાણી પહોંચાડવામાં પણ વધુ સમય લાગ્યો હતો.
મેધા પાટકર પછીથી આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં અને તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ આપવામાં આવી હતી. જોકે, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયાં હતાં. તાજેતરમાં જ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મેધા પાટકરને સીએમ પદનો ચહેરો ઘોષિત કરવાની વિચારણા કરી રહી છે. જોકે, પાર્ટીએ આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી.