વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 14 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિધાનસભા ચૂંટણીના (Legislative Election) પ્રચાર માટે તેમની પ્રથમ જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત સભાને સંબોધિત કરતા PM મોદીએ કોંગ્રેસ (Congress) અને નેશનલ કૉન્ફરન્સ (National Conference) પર ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસની સરકાર ધરાવતા રાજ્યોની કફોડી હાલત વિશેના ઉદાહરણો પણ આપ્યા હતા. સભાને સંબોધિત કરતી વખતે PM મોદીએ મીડિયાનું મહત્વ જણાવ્યું હતું અને અમેરિકામાં (America) રાહુલ ગાંધીની (Rahul Gandhi) યાત્રા દરમિયાન ઇન્ડિયા ટુડેના પત્રકાર સાથે બનેલી ઘટનાની ટીકા પણ કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જયારે અમેરિકા પ્રવાસ પર હતા ત્યારે તેમની સાથે સેમ ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા પણ ઉપસ્થિત રહ્યા હતા હતા. અમેરિકા યાત્રા દરમિયાન સેમ પિત્રોડાના ઈન્ટરવ્યુ સમયે ઇન્ડિયા ટુડેના પત્રકારે તેમને રાહુલ ગાંધીની અમેરિકી યાત્રાને લઈને અનેક સવાલો પૂછ્યા હતા, તેમણે જવાબ પણ આપ્યા હતા. પરંતુ, પત્રકારે અંતિમ સવાલ એવો પૂછ્યો હતો કે, ‘રાહુલ ગાંધી બાંગ્લાદેશના હિંદુઓ અંગે અવાજ ઉઠાવશે’. આ સવાલ સાંભળીને જ ત્યાં હાજર કોંગ્રેસીઓએ પત્રકાર સાથે કથિત મારપીટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉપરાંત પત્રકારે પોતે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓએ તેમના ફોનમાંથી બળજબરીથી વિડીયો પણ ડિલીટ કરી દીધો હતો. હવે આ ઘટનાની PM મોદીએ ટીકા પણ કરી છે.
આ અંગે PM મોદીએ જાહેર સભા દરમિયાન કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ મહોબ્બતની દુકાન ચલાવવાનો દાવો કરે છે, પરંતુ આપણા જ દેશના એક પત્રકાર સાથે અમેરિકામાં કોંગ્રેસે ક્રૂર વર્તન કર્યું છે. અમેરિકામાં એક ભારતીય પુત્રનું અપમાન થયું છે. તેણે સમગ્ર ઘટના કહી સંભળાવી છે. જે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના ચેમ્પિયન હોવાનો દાવો કરે છે, તેમણે જ તેની સાથે ક્રૂરતા આચરી હતી.”
આગળ PM મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મેં આજે સમાચાર પત્રોમાં વાંચ્યું કે, લોકશાહીનો મહત્વનો સ્તંભ હોય છે સ્વતંત્ર મીડિયા. આજે એક સમાચાર વાંચ્યા, અમેરિકા ગયેલા ભારતના એક સમાચાર પત્રના પ્રતિનિધિ સાથે ત્યાં જે પ્રકારે જુલમ કરવામાં આવ્યો, તેમણે પોતાની સાથે બનેલ સમગ્ર ઘટના લોકો સમક્ષ મૂકી દીધી છે.” તેમણે પત્રકાર સાથે બનેલ ઘટનાની કડક ભાષામાં નિંદા કરી હતી.
વર્તમાનમાં બંધારણના નામે ચરી ખાતા કોંગ્રેસીઓ પર પ્રહાર કરતા PM મોદીએ આગળ કહ્યું કે, “અમેરિકાની ધરતી પર ભારતના પુત્ર, તે પણ પત્રકાર અને તેમાં પણ ભારતીય બંધારણની રક્ષા માટે કામ કરતા પત્રકારને એક રૂમમાં બંધ કરીને, તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો, તે લોકશાહીમાં બંધારણની મર્યાદાઓને ઉજાગર કરવાની બાબત છે? શું તમે અમેરિકન ધરતી પર ભારતીય પત્રકારને માર મારીને ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છો? બંધારણ શબ્દ તમારા મોઢે શોભતો નથી.”