PM મોદી (PM Modi) G7 શિખર સંમેલન પહેલાં સાયપ્રસની (Cyprus) મુલાકાત પર જઈ રહ્યા હોવાની આધિકારિક માહિતી સામે આવી છે. વડાપ્રધાન સાયપ્રસ અને ક્રોએશિયાની મુલાકાત લેશે. કેનેડા જતી વખતે જ તેઓ આ બંને દેશોની મુલાકાત કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાનની આ સાયપ્રસ મુલાકાત તૂર્કી (Turkey) માટે એક સ્પષ્ટ સંદેશ ગણવામાં આવી રહી છે. કારણ કે, તૂર્કી અને સાયપ્રસ વચ્ચે વર્ષોથી શત્રુતા છે. આ ઘટનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન મોદી આચાર્ય ચાણક્યની કૂટનીતિ પર ચાલી રહ્યા છે.
સાયપ્રસ આગામી વર્ષ 2026માં યુરોપીય સંઘનું અધ્યક્ષ બની રહ્યું છે, જેના કારણે વડાપ્રધાનની આ મુલાકાત વધુ વિશેષ બની રહી છે. PM મોદીની મુલાકાત એટલા માટે પણ ખાસ છે કે, તૂર્કીએ તાજેતરમાં જ પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન મોદી પહેલાં માત્ર અટલ બિહારી વાજપેય અને ઇન્દિરા ગાંધીએ જ આ દેશની મુલાકાત લીધી હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસના આમંત્રણ પર સાયપ્રસ જઈ રહ્યા છે.
શા માટે સાયપ્રસ જઈ રહ્યા છે PM મોદી?
PM મોદીની સાયપ્રસ મુલાકાત પાછળ ઘણા કારણો છે. ભારત યુરોપમાં પોતાની ઓળખ અને સંબંધો વધારવા માંગે છે. સાયપ્રસ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. આવી સ્થિતિમાં ભારત માટે તેની સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ભારત તૂર્કીને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે, હવે જેવા સાથે તેવાની નીતિ અપનાવવામાં આવશે. તૂર્કી અને સાયપ્રસ વચ્ચે ચાલી રહેલો વિવાદ તો જગજાહેર છે.
#Watch | Prime Minister @narendramodi departs for Cyprus.
— DD News (@DDNewslive) June 15, 2025
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to #Cyprus from 15-16 June. PM Modi is on a three-nation tour, during which he will attend the #G7Summit in #Canada… pic.twitter.com/L222FXRevL
આ ઉપરાંત, સાયપ્રસે હંમેશા કાશ્મીર અને પાકિસ્તાન તરફથી સરહદ પારના આતંકવાદ પર ભારતને સમર્થન આપ્યું છે. સાયપ્રસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠક, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપનું (NSG) સભ્યપદ અને 1998ના પરમાણુ પરીક્ષણો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ભારતને સમર્થન આપ્યું હતું. તે સિવાય સાયપ્રસ એનર્જી કોરિડોરનો ભાગ છે, જે ભારતને યુરોપ સાથે જોડશે અને ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર (IMEC) દ્વારા પૂર્વ અને પશ્ચિમની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.
સાયપ્રસે તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને યુરોપિયન યુનિયનમાં પાકિસ્તાન તરફથી સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવવાનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત સાયપ્રસને એક મહત્વપૂર્ણ ઇન્વેસ્ટર તરીકે પણ જોવામાં આવે છે.
તૂર્કી અને સાયપ્રસ વચ્ચે દાયકાઓથી ચાલ્યો આવે છે વિવાદ
તૂર્કી અને સાયપ્રસ વચ્ચે ઘણા દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ 1974માં વધુ વકર્યો હતો. કારણ કે, તે સમયે તૂર્કીએ સાયપ્રસના ઉત્તરીય ભાગ પર હુમલો કરીને કબજો કરી લીધો હતો. તૂર્કી આ ભાગને ‘ટર્કીશ રિપબ્લિક ઑફ નોર્ધન સાયપ્રસ’ તરીકે ઓળખે છે. જોકે, અન્ય કોઈ દેશે તેને માન્યતા આપી નથી.
આ ઉપરાંત, પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં ગેસ શોધવાના અધિકારોને લઈને બંને દેશો વચ્ચે સતત તણાવ રહે છે. ભારતે હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) અને આંતરરાષ્ટ્રીય કાયદાના ઠરાવો અનુસાર સાયપ્રસ સમસ્યાના ઉકેલને સમર્થન આપ્યું છે. ઑપરેશન સિંદૂર વખતે તૂર્કીએ પાકિસ્તાનને ઘણા શસ્ત્રો પૂરા પાડ્યા હતા, જેમાં ડ્રોનનો પણ સમાવેશ થાય છે.
સાયપ્રસ તૂર્કી માટે દુખતી નસ જેવું છે, તેથી ભારતીય વડાપ્રધાનની સાયપ્રસ મુલાકાતને લઈને તેને સ્પષ્ટ સંદેશો પહોંચી જશે. પહલગામ આતંકી ઘટના અને ઑપરેશન સિંદૂર દરમિયાન તૂર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગને પોતે આ સમર્થનને સાર્વજનિક કર્યું હતું.
આચાર્ય ચાણક્યની કૂટનીતિ પર ચાલી રહી છે મોદી સરકાર
વૈશ્વિક ઇતિહાસમાં આચાર્ય ચાણક્યનું નામ એક કુશળ કૂટનીતિક તરીકે લેવામાં આવે છે. હવે મોદી સરકાર પણ આચાર્ય ચાણક્યની કૂટનીતિ પર ચાલી રહી છે. આચાર્ય ચાણક્યે કહ્યું હતું કે, શત્રુનો શત્રુ દેશનો સારો મિત્ર બનવો જોઈએ. આ જ સિદ્ધાંતને લઈને પીએમ મોદીએ તૂર્કીના શત્રુ સાયપ્રસ સાથે સંબંધો વિકસાવવાની દિશામાં ડગલાં માંડી દીધા છે.
આ ઉપરાંત એવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે, વડાપ્રધાન મોદી સાયપ્રસની મુલાકાતથી તૂર્કીને ઘેરવા તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે, તૂર્કીએ ભારતના બધા ઉપકારોને અવગણીને દુઃખદ સમયમાં ભારતનો પક્ષ લેવા અથવા તો તટસ્થ રહેવાની જગ્યાએ આતંકવાદ અને પાકિસ્તાનનું ખુલ્લુ સમર્થન કર્યું હતું. વડાપ્રધાનની આ યાત્રા એવા સમયમાં થઈ રહી છે, જ્યારે દેશમાં તૂર્કીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.