Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદારૂની બોટલ ખોવાઈ જતાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને ઘરમાં ધમાલ...

    દારૂની બોટલ ખોવાઈ જતાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને ઘરમાં ધમાલ શોધી, નોકરને ચપ્પલથી માર્યો; વિડીયો વાયરલ થયા બાદ માંગી માફી

    પાકિસ્તાની સમાચાર ચેનલ સમા ટીવીના એક રિપોર્ટ અનુસાર, રાહત ફતેહ અલી ખાને તેમના ઘરમાંથી દારૂની એક બોટલ ગાયબ થયા બાદ આ હરકત કરી હતી. નોકરને મારતી વખતે રાહત તેને વારંવાર દારૂની બોટલને લઈને સવાલ કરી રહ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાની સૂફી સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે દારૂની બોટલ માટે તેમના એક નોકરને નિર્દયતાથી માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વિડીયોમાં રાહત ફતેહ અલી ખાન તેમના એક નોકરને ચપ્પલથી મારતા જોવા મળી રહ્યા છે. આ સાથે રાહત તેમના નોકરને પૂછતા પણ નજરે પડી રહ્યા છે કે, “આખરે ટેબલ પર રાખેલી દારૂની બોટલ ક્યાં ગઈ?” વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાન સહિત ભારતમાં પણ સિંગરની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, રાહત ફતેહ અલી ખાન તેમના નોકરના વાળ પકડે છે અને હાથમાં ચપ્પલ લઈને નોકરના માથા પર નિર્દયતાથી માર મારે છે. નોકર તેનાથી ડરીને દૂર ભાગવાના પ્રયાસો કરે છે પણ સિંગર તેની પાસે જઈને પૂછે છે કે, “આખરે તે દારૂની બોટલ ક્યાં ગઈ?” નોકર કઈ બોલે તે પહેલાં જ રાહત તેના વાળ પકડીને ફરીથી મારવાનું ચાલુ કરે છે. મારતા-મારતા તે એકવાર પડી પણ જાય છે, છતાં તે નોકરને મારવાનું બંધ નથી કરતા. નોકરને સવાલો કરી-કરીને તેને ચપ્પલથી મારવાનું ચાલુ જ રાખે છે.

    પાકિસ્તાની સમાચાર ચેનલ સમા ટીવીના એક રિપોર્ટ અનુસાર, રાહત ફતેહ અલી ખાને તેમના ઘરમાંથી દારૂની એક બોટલ ગાયબ થયા બાદ આ હરકત કરી હતી. નોકરને મારતી વખતે રાહત તેને વારંવાર દારૂની બોટલને લઈને સવાલ કરી રહ્યા હતા. ચપ્પલથી માર મારવાની સાથે નોકરને મુક્કાથી પણ મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાહતે તેને અપશબ્દો પણ કહ્યા હતા.

    - Advertisement -

    જોકે, સોશિયલ મીડિયામાં વિડીયો ઝડપથી વાયરલ થયા બાદ પીડિત નોકરે આ અંગે નિવેદન પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, આ વિડીયો સિંગરને બદનામ કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો હતો. રાહત ફતેહ અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પેજ પર ચાર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એક વિડીયોમાં નાવેદ ઉસ્માન નામનો તે નોકર કહી રહ્યો છે કે, આ માત્ર બોટલ ગુમ થઈ હોવાનો મામલો નથી, તેના બોસે તેની સાથે જે કર્યું તેમાં કંઈ ખોટું પણ નથી.

    અન્ય એક વિડીયોમાં સિંગર તે પીડિત કર્મચારી અને તેના પિતા સાથે નજરે પડે છે, જેમાં તેઓ કહે છે કે, આ તેમના શાગીર્દ (વિદ્યાર્થી) અને તેમની વચ્ચેનો આંતરિક મામલો છે અને કોઈ તેમાં ચડાવીને રજૂ કરી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આ ઘટના બાદ તેમણે તરત જ માફી માંગી લીધી હતી. કર્મચારીના પિતાએ પણ સિંગરનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, તેમણે તેના માટે ઘણું બધુ કર્યું છે અને આ એક નાની ઘટના છે.

    અન્ય એક વિડીયોમાં રાહત ફતેહ અલી ખાને કહ્યું કે, તેઓ પહેલાં જ માફી માંગી ચૂક્યા છે અને એકવાર ફરી તેઓ રેકોર્ડ પર માફી માંગી રહ્યા છે. તેના પર કર્મચારીએ કહ્યું કે, રાહત તેના પિતા સમાન છે અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. કર્મચારીએ એવું પણ કહ્યું કે, જેણે પણ આ વિડીયો બનાવ્યો અને લીક કર્યો તેણે સિંગરને બ્લેકમેલ કરવા અને બદનામ કરવા માટે આવું કર્યું છે.

    આ ઉપરાંત અન્ય એક વિડીયોમાં પણ કર્મચારી નજરે પડે છે. જેમાં તે કહે છે કે, તેમની એક બોટલ ખોવાઈ ગઈ હતી, જેના કારણે આ ઘટના બની હતી. તેણે વધુમાં કહ્યું કે, રાહત ફતેહ અલી ખાન તેના ઉસ્તાદ છે, તેઓ તેને મારી શકે છે, અપશબ્દો પણ કહી શકે છે, તેમાં કાઈપણ ખોટું નથી. સાથે તેણે એવું પણ કહ્યું કે જેણે આ વિડીયો બનાવ્યો તે મોટો બ્લેકમેલર છે.

    કર્મચારીએ ઉમેર્યું કે, તે એ વાતથી શરમ અનુભવે છે કે, સિંગર તેની પાસે માફી માંગવા આવ્યા. તેણે કહ્યું કે, તેને આ વાતનું ખૂબ દુખ છે કે, રાહતે તેની માફી માંગી. સાથે તેણે એ પણ કહ્યું કે, જે રીતથી રાહતે તેની સાથે મારપીટ કરી તેનાથી તેને કોઈ વાંધો નથી. તેણે ફરી એકવાર એ જ વાત કરી કે, રાહત તેની સાથે જે ઈચ્છે તે કરી શકે છે, કારણ કે તેઓ તેના પિતાતુલ્ય છે અને ખૂબ પ્રેમ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં