પાકિસ્તાનમાં વધુ એક બૉમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક રાજકીય પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં પાંત્રીસેક લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એંશીથી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ બ્લાસ્ટમાં એક સ્થાનિક નેતાનું પણ મોત થયું છે.
આ રેલી પાકિસ્તાનની પાર્ટી જમિયત ઉલેમા ઇસ્લામ ફઝ્લ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. બાજૌર જિલ્લામાં આયોજિત આ સભામાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે અનેક લોકોને ઇજા પહોંચી હતી તો અનેક સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જુદા-જુદા રિપોર્ટ્સમાં મૃતકોનો આંકડો જુદો-જુદો જણાવવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ રેલીમાં 35 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 80 લોકોને ઇજા પહોંચી છે. સાથે જણાવવામાં આવ્યું કે, ખૈબર પખ્તુન્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ આ બાબતની પુષ્ટિ કરી છે.
Horrific visuals coming from Pakistan. A blast was triggered targeting Jamiat Ulema-e-Islam-Fazl (JUI-F) workers' convention in Khyber Pakhtunkhwa’s Bajaur’s district. Atleast 20 have died.Local sources stating TTP's Hafeez Daulat group and the ISIS , both are active in the area. pic.twitter.com/CrcDaSPoh0
— Abhinandan Mishra (@mishra_abhi) July 30, 2023
સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે જણાવ્યું કે, સભામાં પાર્ટીના એક વરિષ્ઠ નેતા સંબોધન કરવાના હતા પરંતુ તેઓ આવે તે પહેલાં જ બ્લાસ્ટ થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, 80થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેથી મૃતકોનો આંકડો હજુ વધવાની આશંકા છે.
JUI-F પ્રમુખ મૌલાના ફઝલુર રેહમાને વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પ્રાંતના કેરટેકર સીએમ આઝમ ખાન સમક્ષ ઘટનાની તપાસ કરાવવા માટે માંગ કરી છે. સાથે પાર્ટીના કાર્યકરોને અપીલ કરી કે તેઓ હોસ્પિટલ પહોંચે અને રક્તદાન કરે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષા એજન્સીઓએ વિસ્તારની ઘેરાબંદી કરીને તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનમાં છેલ્લાં એક-બે વર્ષથી બૉમ્બ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ખાસ કરીને ખૈબર પખ્તૂનખ્વામાં બ્લાસ્ટ્સનું પ્રમાણ વધ્યું છે. આ પ્રદેશ પાકિસ્તાનની પશ્ચિમ સરહદે અફઘાનિસ્તાનને અડીને આવેલો છે અને અફઘાનિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ શૅર કરે છે. આ પ્રાંતમાં અગાઉ પણ આ પ્રકારના હુમલાઓ થઇ ચૂક્યા છે. જ્યારે અફઘાનિસ્તાનમાં પણ તાલિબાન શાસન આવ્યા બાદ બૉમ્બ બ્લાસ્ટની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આતંકવાદને પોષતા ઇસ્લામિક દેશોમાં હવે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.