પાકિસ્તાન ભિખારીઓને (Pakistani Beggars) વિદેશ મોકલવા માટે કુખ્યાત છે. ત્યારે આ મામલે સાઉદી અરેબિયા (Saudi Arabia) જેવા ઘણા મોટા મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો તે બીજા દેશોમાં ભિખારી મોકલવા પર પ્રતિબંધ નહીં મૂકે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણી બાદ પાકિસ્તાને પોતાના દેશમાં ભિખારીઓ પર પ્રતિબંધ (Ban) લગાવી દીધો છે. પાકિસ્તાને લગભગ 4,300 ભિખારીઓના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) કે નો-ફ્લાય (No-fly list) લિસ્ટમાં મૂક્યા છે. હવે આ ભિખારીઓ સાઉદી અરેબિયા જઈ શકશે નહીં.
નોંધનીય છે કે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન રઝા નકવીએ ભિખારીઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે સાઉદી અરેબિયાના નાયબ ગૃહ મંત્રી નાસેર બિન અબ્દુલ અઝીઝ અલ દાઉદને કહ્યું હતું કે પાકિસ્તાને એવા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેઓ ભિખારીઓને સાઉદી અરેબિયા મોકલતા હતા.
સાઉદી આરેબિયાએ ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને ભિખારીઓને કર્યા પ્રતિબંધિત
આ કાર્યવાહી અંતર્ગત જ પાકિસ્તાને લગભગ 4,300 ભિખારીઓના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં (ECL) મૂક્યા છે. જેથી હવે તેમના પર સાઉદી અરેબિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ECL એ એક એવી વ્યવસ્થા છે છે જે પાકિસ્તાન સરકારને અમુક વ્યક્તિઓની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપે છે. 1981ના એક્ઝિટ ફ્રોમ પાકિસ્તાન (કંટ્રોલ) ઓર્ડિનન્સ હેઠળ ECL ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે.
ઉલ્લેખનીય બાબત છે કે સાઉદી અરેબિયામાં પાકિસ્તાનથી જતાં ભિખારીઓ મોટી સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયા પાકિસ્તાનથી મજહબી યાત્રાના નામે આવતા અને પછી અહીં ભીખ માંગતા લોકોથી પરેશાન છે. આ મામલે અનેક વખતે સાઉદી સરકાર પાકિસ્તાન સરકારને આ બાબતે ચેતવણી આપી ચૂકી છે.
ગત નવેમ્બરમાં જ સાઉદી સરકારે પાકિસ્તાનથી આવતા દરેક નાગરિક પાસેથી લેખિતમાં એવું લખાવવાનો નિયમ બનાવ્યો હતો કે ‘તેઓ અહીં આવીને ભીખ નહીં માંગે.’ નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં આવેલ મુસ્લિમોના પાક સ્થાન મક્કા-મદીના પર પાકિસ્તાનથી આવેલા ઢગલાબંધ ભીખારીઓ મળી આવતા હોય છે.
એવા ઘણા મામલા સામે આવ્યા હતા જેમાં પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને બગડતી આર્થિક પરિસ્થિતિના કારણે પાકિસ્તાનીઓ હજ અને ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ ત્યાં ભીખ માંગે છે. નોંધનીય છે કે ગત સપ્ટેમ્બરમાં પણ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ચેતવણી આપ્યા બાદ મજહબી મંત્રાલયે ‘ઉમરાહ અધિનિયમ’ લાવવાનો નિર્ણય કર્યો હતો.
સાઉદી અરેબિયામાં ભીખ માંગવી ગેરકાયદેસર છે. જો અહીં કોઈ વ્યક્તિ ભીખ માંગતા પકડાય તો તેને 6 મહિનાની જેલ થઈ શકે છે. આ સિવાય 50 હજાર રિયાલનો દંડ પણ થઈ શકે છે. પાકિસ્તાનના અઢળક ભિખારીઓ સાઉદી અરેબિયાની ઘણી જેલોમાં બંધ છે. સપ્ટેમ્બર 2023માં સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, આ પાકિસ્તાની ખિસ્સાકાતરુઓને કારણે તેમની જેલો ભરેલી રહે છે.