પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ સૂક્ષ્મ સાહસોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા નાના ઉદ્યોગકારોને વિના-જામીન લોન આપવામાં આવે છે, જેની રકમ ₹10 લાખ સુધીની હોય શકે છે. 8 એપ્રિલે આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે. તે અનુક્રમે યોજનાના લાભાર્થીઓનું વિશ્લેષણ પણ થયું છે. જેમાં જાણવા મળ્યું છે કે, ભાજપ સરકારની મુદ્રા યોજનાનો સૌથી વધુ લાભ વિપક્ષશાસિત રાજ્યોને મળ્યો છે અને પરિણામે કેન્દ્રની ભાજપ સરકારે પણ આવા રાજ્યોમાં સૌથી વધુ નાણાકીય વિતરણ કર્યું છે.
વિશ્લેષણ કરતા અનેક પ્રકારની માહિતી સામે આવે છે. PIB અનુસાર, 2015થી લઈને 2025 સુધીમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વિપક્ષશાસિત રાજ્યોના નાગરિકોને લાભ પહોંચ્યો છે. કારણે કે, મોદી સરકારની આ પહેલમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની ભાવના પણ જોવા મળી રહી છે. ભાજપશાસિત રાજ્યોની સાથે દેશના અન્ય તમામ રાજ્યોમાં પણ આ યોજનાના કારણે અનેક પરિવર્તન જોવા મળ્યા છે.
તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકને મળ્યો વધુ લાભ
PIB અનુસાર, 2015થી 2025 સુધીના સમયગાળામાં તમિલનાડુ રાજ્યમાં ₹3,23,647.76 કરોડનું સૌથી વધુ વિતરણ નોંધાયું છે. DMK શાસિત તમિલનાડુમાં દેશના અન્ય રાજ્યો કરતા સૌથી વધુ આ યોજનાના લાભાર્થી છે. કારણ કે, કેન્દ્ર સરકારે આ રાજ્યમાં આર્થિક વિતરણ ખૂબ વધુ પ્રમાણમાં કર્યું છે. તમિલનાડુમાં લાભાર્થીઓની સંખ્યા લગભગ 50 લાખ જેટલી છે. તે સિવાય બીજા નંબર પર ભાજપશાસિત ઉત્તર પ્રદેશની વાત આવે છે. સ્વાભાવિક છે કે, ઉત્તર પ્રદેશની વસ્તી તમિલનાડુની વસ્તી કરતા ઘણી વધારે છે.

ઉત્તર પ્રદેશમાં ₹3,14,360.86 કરોડનું વિતરણ નોંધાયું હતું અને તે સાથે યુપી બીજા ક્રમ પર આવ્યું હતું. યુપીમાં લાભાર્થીઓની સંખ્યા લગભગ 45 લાખ જેટલી છે. ત્રીજા ક્રમ પર કોંગ્રેસશાસિત કર્ણાટક છે. ત્યાં ₹3,02,146.41 કરોડનું વિતરણ થયું હતું. કર્ણાટકમાં લાભાર્થીઓની સંખ્યા લગભગ 35 લાખ જેટલી છે. તે સિવાય TMCશાસિત પશ્ચિમ બંગાળમાં ₹2,82,322.94 કરોડ સાથે ચોથા નંબર પર વિતરણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં કુલ 40 લાખ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે.
આ ઉપરાંત બિહારમાં પણ ₹2,81,943.31 કરોડનું નોંધપાત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ₹2,74,402.02 કરોડ સાથે છઠ્ઠા ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં કુલ લાભાર્થીઓની સંખ્યા લગભગ 30 લાખ જેટલી છે. માત્ર એક દાયકામાં ભાજપ સરકારે વિપક્ષશાસિત રાજ્યોમાં પણ ભરપૂર લાભ આપ્યો છે.