22 જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યામાં યોજાયેલા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના અનેક સંતો-મહંતો સહભાગી થયા હતા. તેમાં દિલ્હીના મુખ્ય ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી પણ સામેલ થયા હતા. જેને લઈને ઓલ ઇન્ડિયા ઈમામ ઓર્ગેનાઇઝેશને (AIIO) તેમના વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો. જોકે, આ ફતવા પર ઈમામે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તેમણે આ વિશે ફરી એકવાર ફતવાધારીઓને જવાબ આપ્યો છે. તેમણે મુસ્લિમ સમાજની માફી માંગવાની સ્પષ્ટ ના કહી દીધી છે. ઈમામ ઈલ્યાસીનો આ જવાબ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુખ્ય ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીએ ફતવાધારીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ઈલ્યાસીનો આ જવાબ સોશિયલ મીડિયા પણ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, “મુખ્ય ઈમામ તરીકે મને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી નિમંત્રણ મળ્યું હતું. મે બે દિવસ સુધી વિચાર કર્યો કારણ કે આ મારા જીવવાનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હતો. ત્યારબાદ મે દેશ માટે, સદભાવ માટે, રાષ્ટ્રહિત માટે અયોધ્યા જવાનો નિર્ણય કર્યો. અયોધ્યામાં સાધુ-સંતોએ, અયોધ્યાવાસીઓએ મારુ સ્વાગત પણ કર્યું. ત્યાં મે પૈગામ-એ-મહોબ્બત આપ્યો.”
‘મને જાનથી મારી નાખવાની ધમકી આપી’
મુખ્ય ઈમામે કહ્યું કે, “મે અયોધ્યામાં પૈગામ-એ-મહોબ્બત આપ્યો તે દેશભરમાં સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થઈ ગયો. જે બાદ કાલે (29 જાન્યુઆરી) મારી વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો. પરંતુ 22 જાન્યુઆરીથી જ મારા પર ધમકીભર્યા ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. મારી વિરુદ્ધ નફરતનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો, અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા. મે ઘણા કોલ રેકોર્ડ કર્યા છે, જેમાં કોલ કરનારાઓએ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.”
#WATCH | Delhi | Fatwa issued against Chief Imam of All India Imam Organization, Dr Imam Umer Ahmed Ilyasi after he attended the Pranpratishtha ceremony of Ram Lalla at Ram Temple in Ayodhya.
— ANI (@ANI) January 29, 2024
He says, "As a chief Imam, I received the invitation from Shri Ram Janmbhoomi Teerth… pic.twitter.com/iVe2bA3s1X
તેમણે વધુમાં કહ્યું કે, “કાલે રાત્રે જ મારી વિરુદ્ધ મુફ્તી સાબિર હુસૈની તરફથી ફતવો જારી કરવામાં આવ્યો છે. હું તેને ઓળખતો નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી વિરુદ્ધ ફતવા આવવાના શરૂ થઈ ગયા. તેમણે મારો મોબાઈલ નંબર ફતવા પર લખી નાખ્યો અને તમામ ઈમામોને પણ આપી દીધો. તેમાં મારો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે માફી માગવાનું પણ કહેવાયું છે, નહીં તો અંજામ ભોગવવા તૈયાર રહેવાનું કહેવાયું છે.”
મુખ્ય ઈમામે વધુમાં કહ્યું કે, “તેમાં મારા ત્રણ ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે.- 1- તમે પ્રાણપ્રતિષ્ઠામાં કેમ ગયા? તમે ચીફ ઈમામ છો તમારો એ અધિકાર જ નથી, 2- તમે ઈન્સાનિયતને મઝહબથી ઉપર ગણી છે, તે તમારો ગુનો છે, એટલે તમારા પર ફતવો જારી થાય છે, 3- તમે કહ્યું કે, મઝહબથી ઉપર રાષ્ટ્ર સર્વોપરી છે, દેશને તમે ઉપર ગણાવ્યો છે, એટલે આ ફતવો જારી કરવામાં આવ્યો છે.”
‘આ ઈસ્લામિક દેશ નથી, સનાતન ભારત છે’
મુખ્ય ઈમામે વધુમાં કહેતા જણાવ્યું કે, “હું આ લોકોને (ફતવાધારીઓને) કહેવા માંગુ છું કે, આ ઈસ્લામિક દેશ નથી, આ સનાતન ભારત છે. આ ભારત બધા ધર્મોનું સન્માન કરે છે. અહિયાં એકતા અને અખંડિતતાની વાત છે. જેને મારો પૈગામ-એ-મહોબ્બત નથી ગમ્યો, જે મારો વિરોધ કરી રહ્યા છે, હું રાષ્ટ્રને પ્રેમ કરું છું એટલે મારો વિરોધ કરી રહ્યા છે, તો મને લાગે છે કે, તે લોકોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ. હું ક્યારેય પણ આ બાબતની માફી માંગીશ નહીં.”