Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા બદલ ઈમામ અહેમદ ઈલ્યાસી વિરુદ્ધ ફતવો: ધમકીઓ...

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા બદલ ઈમામ અહેમદ ઈલ્યાસી વિરુદ્ધ ફતવો: ધમકીઓ મળતી હોવાનો પણ દાવો, ઈમામે કહ્યું- રાષ્ટ્રવિરોધી છે આવા લોકો

    તેમણે કહ્યું કે, "જે લોકોએ ફતવો જારી કર્યો છે તેઓ મારા વિરુદ્ધ છે અને રાષ્ટ્રવિરોધી પણ છે. જ્યારથી હું અયોધ્યા જઈને આવ્યો છું, ત્યારથી દેશ-વિદેશમાં સોશિયલ મીડિયા દ્વારા મારી વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે."

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો છે. તેમાં દેશના અનેક મહત્વના સંતો અને ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. જેમાં AIIOના ચીફ ઈમામ ડૉ. ઉમર અહેમદ ઈલ્યાસીએ પણ ભાગ લીધો હતો. જ્યારે હવે અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા બદલ ઓલ ઇન્ડિયા ઈમામ ઓર્ગેનાઇજેશને (AIIO) મુખ્ય ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. આ ફતવો હુસૈની મુફ્તી સાબિર તરફથી જારી કરાયો છે.

    22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા બદલ મુખ્ય ઈમામ ડૉ. ઉમર અહેમદ ઈલ્યાસી વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. રિપબ્લિક વર્લ્ડના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફતવો ઓલ ઇન્ડિયા ઈમામ ઓર્ગેનાઇજેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. જેમાં દેશના અન્ય મૌલવીઓને મુખ્ય ઈમામ ઈલ્યાસી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે. ફતવો જારી કર્યા બાદ મુખ્ય ઈમામ ઈલ્યાસીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

    ‘જે લોકોએ ફતવો જારી કર્યો એ રાષ્ટ્રવિરોધી છે’- મુખ્ય ઈમામ

    પોતાના વિરુદ્ધ જારી કરવામાં આવેલા ફતવા પર મુખ્ય ઈમામ ઈલ્યાસીએ પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે ફતવો જારી કરનારાઓને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા છે. તેમણે આ અંગે કહ્યું કે, તેઓ મહોબ્બતનો સંદેશો લઈને અયોધ્યા ગયા હતા. તેમને એ ખબર નહોતી કે તેમના જ સમુદાયના લોકો આ કાર્ય કરવા બદલ તેમની વિરુદ્ધ ફતવો જારી કરશે. તેમણે કહ્યું કે, “હું મારી સાથે મહોબ્બતનો સંદેશો લઈને અયોધ્યા પહોંચ્યો હતો. મને જાણ નહોતી કે ત્યાંથી આવ્યા બાદ મારા જ સમુદાયના લોકો મારી વિરુદ્ધ ફતવો બહાર પાડશે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “જે લોકોએ ફતવો જારી કર્યો છે તેઓ મારા વિરુદ્ધ છે અને રાષ્ટ્રવિરોધી પણ છે. જ્યારથી હું અયોધ્યા જઈને આવ્યો છું, ત્યારથી દેશ-વિદેશમાં સોશિયલ મીડિયા દ્વારા મારી વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે.”

    ‘પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ લેવા બદલ મળી રહી હતી ધમકીઓ’

    ઈમામ ઈલ્યાસીએ અયોધ્યાથી પરત ફર્યા બાદ મળી રહેલી ધમકીઓ અને અપશબ્દો વિશે પણ ખુલાસો કર્યો છે. મુખ્ય ઈમામે કહ્યું છે કે, “મારા મોબાઈલ નંબર પર મારી વિરુદ્ધ અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે અને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે, તેમને મોકલવામાં આવી રહેલી ધમકીઓમાં તેમને મુસ્લિમોની માફી માંગવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ તેમને મુખ્ય ઈમામના પદ પરથી રાજીનામું આપવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. મુખ્ય ઈમામે આ કહ્યું કે, “ના તો હું પહેલાં ડર્યો હતો અને ના તો હું હવે ડરીશ, હું રાષ્ટ્રહિતમાં સમારોહમાં સામેલ થયો હતો.”

    નોંધનીય છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમરોહમાં મુખ્ય ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી પણ સામેલ થયા હતા. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, “પૂજા-પદ્ધતિ અને આસ્થાઓ જરૂર અલગ હોય શકે પરંતુ સૌથી મોટો ધર્મ ઈન્સાનિયતનો છે. મારા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. આજનો આ સંદેશ નફરતોને ખતમ કરવા માટેનો છે. હું મહોબ્બતનો પૈગામ લઈને આવ્યો છું.” PM મોદી પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, “આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રને મજબૂત બનાવીશું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં