અમેરિકા અને ચીનની સંસ્થાઓ પાસેથી વિદેશી ભંડોળ લઈને ભારતમાં દુષ્પ્રચાર ફેલાવવાના આરોપ બાદ ન્યૂઝ પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે. જેને લઈને મંગળવારે (3 ઓક્ટોબર, 2023) દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે પોર્ટલ સાથે સંકળાયેલા પત્રકારો અને લેખકોનાં ઘરે દરોડા પાડ્યા હતા. દિવસભર ચાલેલી કાર્યવાહી બાદ હવે આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ન્યૂઝક્લિક કેસમાં પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રબીર ન્યૂઝક્લિકના સ્થાપક અને તંત્રી છે. જ્યારે અમિત ચક્રવર્તી પોર્ટલમાં HR હેડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં કુલ 37 પુરૂષો અને 9 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે અને તપાસ માટે ડિજિટલ ઉપકરણો અને સંબંધિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.
"Regarding the search, seizure and detentions carried out today in connection with a UAPA case registered with Special Cell, so far, two accused, Prabir Purkayastha and Amit Chakravarty have been arrested.
— ANI (@ANI) October 3, 2023
A total of 37 male suspects have been questioned at premises, 9 female…
મંગળવારે (3 ઓક્ટોબર) સવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમો ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા પત્રકારો અને લેખકોનાં ઘરે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ‘પત્રકારો’માં પ્રબીર પુરકાયસ્થ, અભિસાર શર્મા, ભાષા સિંઘ, ઉર્મિલેશ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસે અમુકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી તો મોટાભાગનાનાં ડિજિટલ ઉપકરણો જપ્ત કરી લીધાં હતાં.
દિવસભર અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા બાદ સાંજે સ્પેશિયલ સેલની ટીમના અધિકારીઓ ન્યૂઝક્લિકની દિલ્હી સ્થિત ઑફિસે પહોંચ્યા હતા અને અહીં ઑફિસ સીલ કરી દીધી હતી. હવે જો ફરી ખોલવી હશે તો ન્યૂઝક્લિકના સંચાલકોએ કોર્ટનો સંપર્ક કરવો પડશે અને કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવું પડશે.
આ સમગ્ર મામલો વિદેશી ફન્ડિંગને લગતો છે. જુલાઈ, 2021માં ઇડીએ જણાવ્યું હતું કે, ન્યૂઝક્લિક વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેના પ્રમોટરોને લગભગ 38 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફન્ડિંગ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યું છે. મની લોન્ડ્રિંગની તપાસ કરતા એક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પોર્ટલે નેવિલ રૉય સિંઘમ નામના શ્રીલંકન-ક્યુબા સ્થિત વ્યવસાયી સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા.
જ્યારે ઓગસ્ટ, 2023માં ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સિંઘમ ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં ચીની સરકારના મુદ્દાઓને લોકો વચ્ચે ફેલાવવાનું કામ કરતો હતો. નવી દિલ્હી સ્થિત કોર્પોરેટ ફાઈલિંગ પરથી પણ જાણવા મળ્યું હતું કે નેવિલ રૉય સિંઘમે પ્રોપગેન્ડા પોર્ટલ ન્યૂઝક્લિકને પણ ફંડિંગ કર્યું હતું.