તૂર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઇ છે અને જનજીવન પણ ખોરવાઈ ગયું છે. હજુ પણ જમીનમાંથી લોકોના મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે. ભૂકંપ બાદ બચાવકાર્ય દરમિયાન એક નવજાત બાળકી મળી આવી હતી. કાટમાળ નીચે દબાયેલી આ બાળકીને મૃત માતા પોષણ આપતી રહી હોવાના કિસ્સાએ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
મળતી માહિતી મુજબ કાટમાળ નીચે દબાયેલી બાળકીને મૃત માતા પોષણ આપતી રહી હતી, આ બાળકીની માતા 10 કલાક પહેલાં મૃત્યુ પામી હતી, પરંતુ મૃત માતાની ગર્ભનાળથી બાળક પોષણ મેળવતું રહ્યું હતું. ત્યારબાદ કાટમાળ હટાવીને નવજાતને બચાવી લેવામાં આવી હતી.
આ ઘટના સીરિયાની છે. અહીં સોમવારે જિંદરેસ શહેરમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયું અને ઘણી ઇમારતો ધરાશાયી થઇ ગઈ. દરમ્યાન કેટલાક વ્યક્તિઓને બચાવકાર્ય સમયે એક મહિલાની ગર્ભનાળ સાથે જોડાયેલી એક નવજાત બાળકીને જોઈ. તરત તેમણે ગર્ભનાળ કાપી અને બાળક રડવા માંડ્યું. ત્યારબાદ તેને બહાર કાઢી લેવામાં આવી.
રિપોર્ટ્સ અનુસાર, કાટમાળ હટાવીને જોયું તો બાળકીની માતા મૃત્યુ પામી હતી. બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં હાલ તે સુરક્ષિત છે અને સારવાર ચાલી રહી છે.
જાણવા મળ્યા અનુસાર, બાળકીની માતા ગર્ભવતી હતી અને એક-બે દિવસ બાદ બાળકને જન્મ આપવાની હતી પરંતુ ભૂકંપ આવવાના કારણે આઘાતમાં તેમણે કાટમાળ અંદર જ બાળકને જન્મ આપી દીધો હતો. લગભગ 30 કલાક સુધી માતા-બાળકી કાટમાળ નીચે દબાયેલા રહ્યા અને આખરે બાળકીને બચાવી લેવામાં આવી હતી. જોકે, કમનસીબે તેની માતા બચી શકી ન હતી.
બાળકની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે, બચાવકાર્ય કરનારાઓએ સોમવાર (6 ફેબ્રુઆરી, 2023) બપોરે નવજાત બાળકને શોધી કાઢ્યું હતું. એક મહિલા પાડોશીએ બાળકની ગર્ભનાળ કાપી અને બાળકને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું. હાલ તેને એક ઈનક્યુબેટરમાં રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકના શરીરનું તાપમાન ખાસ્સું ઘટી ગયું હતું અને તેની પીઠ પર ઘા પડ્યા હતા. જોકે, હાલ તેની હાલત સ્થિર છે. ડોક્ટરે કહ્યું કે, જો બાળક કાટમાળ નીચે હજુ વધુ સમય રહી હોત તો કદાચ મૃત્યુ પામી હોત.
અનુમાન છે કે બાળકીની માતા અને તેના પરિજનો ભૂકંપ સમયે બહાર નીકળવા માટે મથી રહ્યા હતા ત્યારે જ ઇમારત તેમની ઉપર પડી અને તેઓ દબાઈ ગયા હતા.