વર્ષ 2006માં મહારાષ્ટ્રના નાંદેડ (Nanded) ખાતે થયેલા બૉમ્બ બ્લાસ્ટના કેસમાં (Bomb Blast Case) 9 આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા છે. એપ્રિલ, 2006માં થયેલા આ બ્લાસ્ટમાં 2 વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને ચારને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ મામલે કુલ 12 હિંદુઓ પર આરોપ લગાવીને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની આડમાં ‘ભગવા આતંકવાદ’ની થિયરીને પણ બળ આપવામાં આવ્યું હતું. આખરે 18 વર્ષે તમામ નિર્દોષ છૂટ્યા છે.
કેસના કુલ 12 આરોપીઓ પૈકી 2નાં બ્લાસ્ટમાં મૃત્યુ થયાં હતાં અને એકનું મોત ટ્રાયલ દરમિયાન થયું હતું. બાકીના 9 જીવિત આરોપીઓને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું કે, પ્રોસિક્યુશન એ જ સાબિત ન કરી શક્યું કે આ બ્લાસ્ટ ખરેખર એક ‘બૉમ્બ બ્લાસ્ટ’ હતો.
આ ઘટના 4 અને 5 એપ્રિલની રાત્રિએ લક્ષ્મણ રાજકોંડવાર નામની વ્યક્તિના ઘરમાં બની હતી. જેમાં લક્ષ્મણના પુત્ર નરેશ અને અન્ય એક હિમાંશુ પાનસેનાં ઘટનાસ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે ત્રણને ઈજા પહોંચી હતી.
તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને ‘ભગવા આતંકવાદ’ કે ‘હિંદુ આતંકવાદ’ની થિયરી ઘડીને તેને સાચી સાબિત કરવા માટે એક ઇકોસિસ્ટમ સતત સક્રિય હતી. આ કેસને પણ ‘ભગવા આતંકવાદ’ ગણાવીને 12 હિંદુઓ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમની ઓળખ રાહુલ પાંડે, લક્ષ્મણ રાજકોંડવાર, સંજય ચૌધરી, હિમાંશુ પાનસે, નરેશ રાજકોંડવાર, મારુતિ વાઘ, ઉમેશ દેશપાંડે, રામદાસ મૂળગે, યોગેશ વિડોલકર, ગુરુરાજ, મિલિંદ એકતાટે, મંગેશ પાંડે અને રાકેશ ધાવડે તરીકે થઈ હતી.
વધુ વિગતો અનુસાર, વિસ્ફોટ થયા બાદ પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે, બ્લાસ્ટ ફટાકડાના કારણે થયો છે. પરંતુ બીજા દિવસે પોલીસે ફરી પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે વિસ્ફોટ બૉમ્બના કારણે થયો હતો. ત્યારબાદ મામલો આખા દેશમાં ચર્ચામાં આવ્યો હતો અને 12 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ પહેલાં નાંદેડ પોલીસ જોઈ રહી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર ATSને ટ્રાન્સફર કરવામાં આવ્યો. અંતે તે કેન્દ્રીય એજન્સી CBI પાસે પહોંચ્યો હતો, જેણે પછીથી ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીનો દાવો હતો કે બ્લાસ્ટ વિસ્ફોટક ડિવાઇસ એસેમ્બલ કરતી વખતે થયો હતો. આ કેસમાં ટ્રાયલની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી.
કેસ જ સાબિત ન કરી શક્યું પ્રોસિક્યુશન
પ્રોસિક્યુશનનો કેસ એવો હતો કે, ઘટનાની રાત્રે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગ પર હતા ત્યારે એક ઘરમાંથી મોટો અવાજ સાંભળ્યો હતો. ત્યાં જઈને જોયું તો બે વ્યક્તિઓ મૃત પડ્યા હતા અને અન્યોને ઈજા પહોંચી હતી. આ મામલે FIR દાખલ કરવામાં આવી, જેમાં બ્લાસ્ટ બૉમ્બ બ્લાસ્ટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. એજન્સીનો દાવો હતો કે, સ્થળ પરથી લાઇવ બૉમ્બ પણ મળી આવ્યો હતો અને અમુક કાર્ટિજ પણ મળી હતી.
ડિફેન્સ લૉયરે ચુકાદા બાદ જણાવ્યું કે, પ્રોસિક્યુશનની ઘણી થિયરીમાં વિસંગતતા જોવા મળી રહી હતી અને કોર્ટે પણ પછીથી એ જ અવલોકન કર્યું. કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે પ્રોસિક્યુશન એ સાબિત કરી શક્યું નથી કે બ્લાસ્ટ ‘બૉમ્બ બ્લાસ્ટ’ જ હતો અને વિસ્ફોટ ગેસ સિલિન્ડર કે અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે થયો ન હતો.
ટ્રાયલ દરમિયાન કુલ 49 સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં આવી હતી તેમજ અમુકના નાર્કો ટેસ્ટ અને બ્રેન મેપિંગ તેમજ લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ થયા હતા. તેમ છતાં આરોપો સાબિત થઈ શક્યા નહીં.
કોંગ્રેસે હવે આ મહાપાપ બદલ હિંદુઓની માફી માંગવી જોઈએ: VHP
આ મામલે વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય કોંગ્રેસ અને ભગવા આતંકવાદની થિયરી ઘડનારાઓના ગાલ પર એક તમાચો છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ.
બંસલે કહ્યું કે, “તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા જે નિર્દોષ હિંદુઓને ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, તેની પોલ ખુલી ગઈ છે. આજનો આ નિર્ણય કોંગ્રેસના ગાલ પર એક તમાચો છે, જેમણે હિંદુ આતંકવાદ અને ભગવા આતંકવાદની થિયરી ઘડી હતી અને આ કેસને પણ હિંદુ આતંકવાદ સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.”
Watch: Vishva Hindu Parishad National Spokesperson Vinod Bansal on Nanded Bomb Blast's verdict says, "In the 2007 Nanded bomb blast, two people were killed, and four to five others were injured. After 17 years, the court has delivered its verdict today…Like in the Malegaon… pic.twitter.com/nlPcGGC9Ka
— IANS (@ians_india) January 4, 2025
હવે આ નિર્ણય પર કોંગ્રેસે માફી માંગવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું. આગળ કહ્યું કે, કોંગ્રેસે સ્વીકારવું જોઈએ કે આ તેમનું એક મોટું પાપ હતું. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓને ગુનેગાર સાબિત કરવામાં જે સાચા ગુનેગાર હતા એ છૂટી ગયા. કોંગ્રેસે વિના વિલંબ દેશભરના હિંદુઓની માફી માંગવી જોઈએ.