Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાકિસ્તાનને પણ ભારતમાં રમતાં સુરક્ષાનો ડર છે’: વર્લ્ડ કપ બાબતે હવે નિર્ણય...

    ‘પાકિસ્તાનને પણ ભારતમાં રમતાં સુરક્ષાનો ડર છે’: વર્લ્ડ કપ બાબતે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો હોવાનું કહેતાં નજમ સેઠી

    સેઠીનાં તાજા નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ACC અને ICCની બેઠકો બાદ પાકિસ્તાન કોઈને કોઈ નિર્ણય જરૂર લઇ લેશે.

    - Advertisement -

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ સેઠીએ ફરીથી પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા આવશે કે નહીં એ બાબતે નિવેદન આપ્યું છે. આ વખતે નજમ સેઠીએ ભારપૂર્વક જણાવ્યું છે કે પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા આવશે કે નહીં તેનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

    નજમ સેઠીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC) મહત્વની બેઠકો આયોજિત થવાની છે અને તેમાં તેઓ આ મુદ્દો જરૂર ઉઠાવશે. BCCIનાં સેક્રેટરી અને ACCનાં ચેરમેન જય શાહ અગાઉથી જ કહી ચુક્યા છે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ રમવા નહીં જાય અને એશિયા કપ ન્યુટ્રલ વેન્યુ પર જ રમાશે.

    ત્યારબાદ તે સમયના PCB ચેરમેન રમીઝ રાજાએ જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો પાકિસ્તાન પણ આ વર્ષનાં અંતમાં ભારતમાં રમનાર વર્લ્ડ કપ રમવા નહીં જાય એવું બોલી ચુક્યા હતાં. નજમ સેઠીનાં આવ્યા બાદ PCBનાં આ વલણમાં ખાસ ફરક પડ્યો નથી. પરંતુ સેઠીનાં તાજા નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ACC અને ICCની બેઠકો બાદ પાકિસ્તાન કોઈને કોઈ નિર્ણય જરૂર લઇ લેશે.

    - Advertisement -

    નજમ સેઠીએ કહ્યું હતું કે આ બાબત ફક્ત એશિયા કપ કે પછી વર્લ્ડ કપ સુધી જ સીમિત નથી, પરંતુ આવતે વર્ષે એટલેકે 2024માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી આયોજીત કરવામાં આવનાર છે એટલે તેના ભવિષ્ય માટે પણ કોઈને કોઈ નિર્ણય લેવાવો જ જોઈએ.

    પાકિસ્તાનના વડાપ્રધાન પોતાનાં હોદ્દાની રુએ PCBનાં ચીફ પેટ્રન હોય છે આથી નજમ સેઠી તેમની સલાહ પણ લેવાનાં છે. નજમ સેઠીનાં કહેવા અનુસાર તેઓ જ્યારે આ બાબતે વડાપ્રધાન શાહબાઝ શરીફને મળશે ત્યારે જો તેઓ એમ કહેશે કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા નહીં જાય, તો પછી મારે તેમની આ સલાહ માનવી જ પડશે.

    નજમ સેઠીએ અંતમાં કહ્યું હતું કે જો ભારતને પાકિસ્તાનમાં પોતાને યોગ્ય સુરક્ષા નહીં હોવાનો ડર લાગે છે તો પાકિસ્તાનને પણ આ જ પ્રકારનો ડર ભારતમાં લાગી શકે છે અને આથી પણ પાકિસ્તાન કદાચ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય.

    ભારત એટલેકે BCCIનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન એકબીજાનાં દેશમાં એકબીજા સામે નહીં રમે. છેલ્લાં ઘણા વર્ષોથી ભારત ICC અને ACC ટુર્નામેન્ટ સિવાય પાકિસ્તાન સામે મેચ નથી રમતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં