Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું'- રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલ: નાડોદા...

    ‘રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું’- રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલ: નાડોદા અને કારડિયા રાજપુત સમાજે કહ્યું- રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા આવ્યા છીએ, 26 બેઠકો જિતાવીશું

    રૂપાલાના નામે ક્ષત્રિય સમાજ હવે ભાજપનો જ વિરોધ કરી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના મુખ્ય નેતાએ પણ રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હોવા છતાં તેમનો વિરોધ કે કોંગ્રેસનો વિરોધ થઈ શક્યો નથી. રાજપૂત સમાજના આ સ્ટેન્ડને લઈને અન્ય સમાજ અને રાજકારણમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્રણથી ચારવાર જાહેર મંચ પરથી પણ માફી માંગી હોવા છતાં આ વિરોધ શમ્યો નથી. શરૂઆતમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી. જ્યારે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી તો હવે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું. હવે તો રાહુલ ગાંધીએ પણ ‘રાજા-મહારાજાઓ’ પર નિવેદન આપીને આગમાં ઘી હોમી દીધું છે. હવે ક્ષત્રિય સમાજમાંથી જ અનેક લોકોએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. પહેલાં કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. જ્યારે હવે કારડીયા રાજપૂતોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. કારડીયા રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ જાદવે ભાજપને ખુલ્લુ સમર્થન જાહેર કરી દીધું છે.

    રવિવારે (28 એપ્રિલ, 2024) ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલ અને કારડીયા રાજપૂત સમાજની બેઠક મળી હતી. બેઠકમાં કારડીયા રાજપૂતોએ રાષ્ટ્ર અને ધર્મને આગળ કરીને ક્ષત્રિય સમાજના આંદોલનથી છેડો ફાડી નાખ્યો છે અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. કારડીયા રાજપૂત સમાજે હાંકલ કરી છે કે, હવે તો ગુજરાતની 26 બેઠકો ભાજપને જ જિતાવીશું. કારડીયા રાજપૂત સમાજની સાથે આ બેઠકમાં નાડોદા રાજપૂત સમાજ પણ હાજર રહ્યા હતા. બંને સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા રોષને શક્ય હોય તેટલો શાંત કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવશે.

    ‘રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા આવ્યા છીએ’

    રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ જાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે, “દેશહિત ખાતર અમે ભાજપને સમર્થન જાહેર કરી રહ્યા છીએ. પરષોત્તમ રૂપાલાએ અગાઉ અનેકવાર માફી માંગી લીધી છે, તેથી તે મુદ્દો હવે રહેતો નથી. વિરોધ કરી રહેલા સમાજના લોકો પાસે જઈને તેમને સમજાવવાનો પ્રયાસ કરીશું. આખો મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરીશું.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે અમે અમે ક્ષત્રિય સમાજની બેઠક યોજી હતી. હિંદુ ધર્મ અને સમાજ વિકસિત બને તે માટે સહિયારો ટેકો આપવા આવ્યા છીએ. હિંદુ ધર્મ માટે હંમેશા ક્ષત્રિય સમાજ અગ્રેસર રહેશે.” તેમણે કહ્યું કે, “અમે કોઈપણને સપોર્ટ આપવાની વાત કરીશું, તો ભગવાન રામને પણ તે વિશેના અનેક પ્રશ્નો થયા હતા. તો અમારી તો વાત જ શું કરવાની. તે લોકો અમને B ટીમ, C ટીમ.. જે કહે તે. પરંતુ અમે અત્યારે રાજપૂત સમાજને ઉજાગર કરવા માટેની અમારી જે ફરજનો ભાગ છે, તેના માટે અમે સમર્થન આપવા આવ્યા છીએ.”

    ’26 બેઠકો ભાજપને જિતાવીશું’

    તેમણે વધુમાં કહ્યું કે, “અમારો રાજપૂત સમાજ ગુજરાતની 80% જગ્યાઓ પર વસેલો છે. તે દરેક મતથી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે. ગુજરાતની 26 સીટ અમે નરેન્દ્રભાઈ મોદીને આપી શકીએ એ જ અમારો પ્રણ છે. આંદોલન ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, મનોમંથન ચાલી રહ્યું છે. પરંતુ એકસાથે બેસીને નિરાકરણ લાવીએ તો વિવિધ રીતના ભાગલા ન પડે. એક્તાથી સમગ્ર રાજપૂત સમાજ એક નિર્ણય પર આવે. પરંતુ કમનસીબ છે કે, અમે એક ના થઈ શક્યા. હિંદુ ધર્મ માટે અને રાષ્ટ્રના હિત માટે આજે અમે ભાજપને 26માંથી 26 બેઠકો અપાવીશું, એ અમારું પ્રણ છે. અમે પરષોત્તમ રૂપાલાની માફીનો સ્વીકાર કરીએ છીએ.

    કાઠી ક્ષત્રિય સમાજનું પણ મળ્યું છે સમર્થન

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કાઠીયાવાડ-સૌરાષ્ટ્રમાં વસતા કાઠી ક્ષત્રિયોએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું હતું. નોંધનીય છે કે, કાઠી રાજપૂતોના શાસન પરથી જ કાઠીયાવાડ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ રાજકોટ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં પરષોત્તમ રૂપાલાને ચાલુ વિવાદમાં માફી આપીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. અગ્રણીઓએ કહ્યું હતું કે,” જે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યા છે, તેને અમારું સમર્થન છે.” સમાજના અગ્રણીઓએ સાથે મળીને આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

    કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કહ્યું કે, “કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં વિશેષ વસતો આ સમાજ હિંદુત્વને સંપૂર્ણપણે વરેલો સમુદાય છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ રાજકીય દ્રષ્ટિએ અરાજકતા અને અસ્થિરતા જોઈ રહ્યું છે. આવા સમયે દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશને નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિંદુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો આ સમાજ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપે છે અને ભાજપ અને વડાપ્રધાન મોદીએ જે કોઇ નિર્ણય લીધો હોય તેને પણ સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે.”

    રાહુલ ગાંધીએ પણ ‘રાજા-મહારાજાઓ’ પર આપ્યું વિવાદિત નિવેદન

    સાથે એ પણ નોંધવું જોઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં એક જાહેર સભાને સંબોધિત કરીને રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.”

    આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકશાહી લાવ્યા અને બંધારણ દેશને અપાવ્યું…. અને આ લોકો વિચારે છે કે બંધારણ હટાવી શકાય તેમ છે. હું દેશની ગરીબ જનતાને કહેવા માંગું છું, દલિતોને, આદિવાસીઓને, પછાત વર્ગને, લઘુમતીઓને…. કે એવી કોઇ શક્તિ દુનિયામાં નથી, જે ભારતના બંધારણને નષ્ટ કરી શકે છે.”

    ઉલ્લેખનીય છે કે, રાજપૂત સમાજ વિશે નિવેદન આપવા બદલ પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે આંદોલન કરવામાં આવ્યા હતા અને તેમની ટિકિટ રદ કરવાથી લઈને ભાજપને ‘દેખાડી દેવા’ સુધીની વાતો પણ કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજના અનેક લોકોએ તે વિડીયોને જ એડિટ કરેલો હોવાનું કહી દીધું હતું. જ્યારે કેટલાકે તો તે વિડીયોને ડીપફેક કહી દીધો હતો. પરંતુ રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ તે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે.

    એવી ચર્ચા છે કે, રૂપાલાના નામે ક્ષત્રિય સમાજ હવે ભાજપનો જ વિરોધ કરી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના મુખ્ય નેતાએ પણ રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી હોવા છતાં તેમનો વિરોધ કે કોંગ્રેસનો વિરોધ થઈ શક્યો નથી. રાજપૂત સમાજના આ સ્ટેન્ડને લઈને અન્ય સમાજ અને રાજકારણમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં