Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએશિયા કપ 2023નું ભાવી આવતા મહીને બેહરીનમાં નક્કી થશે; BCCI અને PCB...

    એશિયા કપ 2023નું ભાવી આવતા મહીને બેહરીનમાં નક્કી થશે; BCCI અને PCB ચર્ચા કરવા તૈયાર થયાં

    મળતાં અહેવાલો અનુસાર નઝમ સેઠીની પહેલ પર એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલેકે ACB તેની કારોબારીની બેઠક આગામી મહીને બહેરીનમાં બોલાવવા માટે તૈયાર થઇ ગયું છે.

    - Advertisement -

    એશિયા કપ 2023 પાકિસ્તાનમાં રમવાનો છે. એમ પણ કહી શકાય કે આ વખતના એશિયા કપના આયોજનનાં હક્ક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCBને મળ્યાં છે. પરંતુ થોડા મહિના અગાઉ BCCIનાં સેક્રેટરી જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં રમવા જશે નહીં.

    જય શાહનાં આ નિવેદન બાદ પાકિસ્તાનમાં રોષની લાગણી ફેલાઈ હતી. ખાસકરીને તે સમયના PCB ચેરમેન અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાએ જય શાહનાં નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ 2023 રમવા નહીં આવે તો પાકિસ્તાન પણ આ વર્ષનાં અંતમાં ભારતમાં થનાર ICC વર્લ્ડ કપ 2023 રમવા નહીં આવે.

    જો કે રમીઝ રાજાના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં પણ તેમનાં આ વલણની આકરી ટીકા થઇ હતી. ગયે મહીને રમીઝ રાજાને પાકિસ્તાનનાં વડાપ્રધાન અને પાકિસ્તાની ક્રિકેટના પેટ્રન શાહબાઝ શરીફે તેમનાં પદ પરથી બરખાસ્ત કર્યા હતાં. ત્યારબાદ નઝમ સેઠીને PCBનાં ચેરમેન બનાવવામાં આવ્યા હતાં. નઝમ સેઠીએ પણ જય શાહનાં વલણની ટીકા તો કરી જ હતી પરંતુ તેમણે હજી દરવાજા ખુલ્લા હોવાનું પણ જણાવ્યું હતું.

    - Advertisement -

    મળતાં અહેવાલો અનુસાર નઝમ સેઠીની પહેલ પર એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલેકે ACB તેની કારોબારીની બેઠક આગામી મહીને બહેરીનમાં બોલાવવા માટે તૈયાર થઇ ગયું છે. આવતા મહિનાની 4થી તારીખે બહેરીનમાં આ બેઠક બોલાવવામાં આવશે જેમાં PCB અને BCCI બંને સામેલ થશે અને એશિયા કપ 2023ને પાકિસ્તાનમાં રમાડવો કે પછી કોઈ ન્યુટ્રલ વેન્યુ પર રમાડવો તેનાં પર નિર્ણય લેવામાં આવશે.

    છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો બંધ છે. આ બંને ટીમો ફક્ત ICC અને બહુદેશીય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ આમને સામને આવે છે. PCB જે વર્ષોથી તંગ નાણાંકીય પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યું છે તે કાયમ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ યોજાય તે માટે ઉત્સાહિત રહે છે.

    પરંતુ BCCIનું સ્પષ્ટ વલણ છે કે જ્યાં સુધી બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ન સુધરે ત્યાં સુધી દ્વિપક્ષીય ક્રિકેટ શક્ય નથી. આ કારણેજ જ્યારે જય શાહને પૂછવામાં આવ્યું હતું કે “શું ટીમ ઇન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે?” ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે એશિયા કપ પાકિસ્તાનમાં નહીં રમાય અને તે કોઈ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.

    ત્યારબાદ રમીઝ રાજા અને નઝમ સેઠી દ્વારા કડક પ્રતિક્રિયાઓ સામે આવી હતી, પરંતુ હવે લાગે છે કે આ મામલે ચર્ચા દ્વારા કોઈને કોઈ રસ્તો નીકળી આવશે.

    એશિયા કપ આમતો એશિયાનાં તમામ ક્રિકેટ રમતાં દેશોની ટુર્નામેન્ટ છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી તેને આવનારા વર્લ્ડ કપની તૈયારી રૂપે રમાડવામાં આવે છે. ગયા વર્ષે ICC World T20ની તૈયારી રૂપે શ્રીલંકાની યજમાનીમાં ગલ્ફ દેશોમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી કારણકે શ્રીલંકામાં તે સમયે આર્થિક તકલીફો સામે તોફાનો થઇ રહ્યાં હતાં.

    આ વર્ષના અંતે પચાસ ઓવરનો વર્લ્ડ કપ ભારતમાં આયોજિત થવાનો છે આથી તેના ભાગરૂપે ACC દ્વારા પચાસ ઓવરનો એશિયા કપ રમાડવામાં આવનાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં