રથયાત્રાનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને અમદાવાદની પ્રખ્યાત રથયાત્રા તો દેશ-વિદેશમાં વખણાય જ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ પોલીસ રથયાત્રાની પૂર્વતૈયારીના ભાગરૂપે સુરક્ષા મજબૂત કરવા અનેક મોરચે કામ કરી રહી છે. એવામાં ફરી એકવાર દાણીલીમડાના ચંડોળા તળાવ અને અમદાવાદના અન્ય વિસ્તારોમાંથી ઘણા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પકડી પાડવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે અમદાવાદના ચંડોળા તળાવ ખાતેના દબાણ કરીને બનાવાયેલા છાપરા તેમજ ઘાટલોડીયા અને ઓઢવ વિસ્તારમાંથી કુલ 13 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડી પાડ્યા છે. આ લોકો ઘણા વર્ષોથી બોગસ ડોક્યુમેન્ટ્સના સહારે અહીંયા ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા.
ઘણા તો 30 30 વર્ષોથી ભારતમાં રહે છે
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે, ખોટા દસ્તાવેજો ઊભા કરીને ચાર બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસી રહ્યાં છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીવાળી જગ્યાએથી વોચ ગોઠવી હતી.
મંજુરભાઈ શેખ, સઈદ શેખ, રાના નિગમ સરકાર અને સલમાન શેખ નામોથી અમદાવાદમાં છેલ્લા ત્રીસેક વર્ષથી રહેતા આ ચાર બાંગ્લાદેશીઓની ઘાટલોડિયામાં જનતાનગર ફાટક પાસેથી અટકાયત કરવામાં આવી હતી. આ ચારેય જણાએ લોકલ મળતિયાઓના આધારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતાં.
તેમણે અહીંના સ્થાનિક મળતિયાઓ પાસેથી ખોટા દસ્તાવેજો ઉભા કરીને આ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રીસ વર્ષથી ચંડોળા તળાવના છાપરામાં રહે છે અને ધૂપબત્તી ફેરવીને તથા છુટક મજુરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે.
બાંગ્લાદેશીઓ પાસે આધાર, પાન, રેશનકાર્ડ સહિતના બનાવતી કોકયુમેન્ટ્સ મળ્યા
પકડાયેલામાંથી બાંગ્લાદેશી મોહમ્મદ મંજૂર શેખ, મોહમ્મદ અબુ શેખ, ઇમરાન હુસેન શેખ અને મોહમ્મદ સલમાન પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાન કાર્ડ અને રેશનકાર્ડ મળી આવ્યા હતા. તેઓ આ બોગસ સોકયુમેન્ટ્સ બનાવીને ગેરકાયદેસર વસવાટ કરતા હતા.
તેમના વિરુદ્ધમાં અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી અને બનાવટી દસ્તાવેજો કયા એજન્ટ પાસે બનાવ્યા જેને લઈ તપાસ શરૂ કરી છે.
ટુરિસ્ટ વિઝા લઈને અમદાવાદ આવ્યો અને અહીંયા જ રહી ગયો
બાંગ્લાદેશી અબુ રેહાને બાંગ્લાદેશ પાસપોર્ટના આધારે ટુરિસ્ટ વિઝા મેળવ્યા અને અમદાવાદ આવ્યો હતો. વર્ષ 2022માં વિઝા પૂર્ણ થયા બાદ પણ પરત નહિ જઈને ગેરકાયદે વસવાટ કર્યો.
નોંધનીય છે કે, આ લોકોએ બેનાપુર બોર્ડરથી ઈમિગ્રેશન ક્લિયર કરીને ભારતના હરિદાસપુર બોર્ડરથી ઘૂસણખોરી કરી અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ કરીને અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં રહીને વસવાટ કરતા હતા.
આ મહિનાની શરૂઆતમાં પકડાયા હતા 18 બાંગ્લાદેશીઓ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ઘણાં બાંગ્લાદેશીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓઓ એલર્ટ થઈ ગઈ છે. શંકાસ્પદ ગતિવિધિઓ અને વ્યક્તિઓ પર એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે.
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ ૧૮ બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ શહેર@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @jayrajsinh_ips pic.twitter.com/9GpEhwGQv4
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 2, 2023
2જી જૂનના રોજ અમદાવાદમાંથી SOGએ 18 બાંગ્લાદેશીઓ ઝડપી પાડયા હતા. આ તમામ પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા. કેટલાક બાંગ્લાદેશી યુવકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં પણ ગેરકાયદે રહેતા હતા.
એસઓજીના એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશીઓને પકડવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે. ઝડપાયેલા 18 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઉંમરમાં 25-35 વર્ષના છે અને તેઓ ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા.”