મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની (Mohanlal) ફિલ્મ ‘L2: એમ્પુરાન’ (L2: Empuraan) રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મમાં 2002ના ગોધરા રમખાણોનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું હતું અને હિંદુઓ વિરુદ્ધ ફેલાવવામાં આવેલા પ્રોપગેન્ડાથી હિંદુ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. ઘણા લોકોનો આરોપ હતો કે, ફિલ્મમાં હિંદુઓને ખોટા અને ક્રૂર રીતે દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે એક સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ભારે વિરોધ બાદ મોહનલાલે રવિવારે (30 માર્ચ 2025) ફેસબુક પર એક પોસ્ટ લખી અને પોતાના ચાહકોની માફી માંગી છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો અને વાતો એવી હતી જેનાથી તેમના ચાહકોને દુઃખ થયું હતું અને તેઓ તેના માટે શરમ અનુભવી રહ્યા છે. મોહનલાલે વચન આપ્યું છે કે, લોકોને પરેશાન કરતી બધી બાબતો ફિલ્મમાંથી દૂર કરવામાં આવશે.
મોહનલાલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “મને ખબર પડી કે ‘એમ્પુરાન’માં કેટલીક રાજકીય અને સામાજિક બાબતોએ મારા ચાહકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. એક કલાકાર તરીકે મારી ફરજ છે કે, મારી કોઈપણ ફિલ્મ કોઈપણ રાજકીય ચળવળ, વિચારધારા કે ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવે નહીં. તેથી, હું અને એમ્પુરાનની ટીમ અમારા પ્રિયજનોને થયેલા દુઃખ માટે દિલથી માફી માંગીએ છીએ. અમે ફિલ્મમાંથી તે બધી બાબતો દૂર કરવાનો નિર્ણય લીધો છે.” તેમણે એમ પણ કહ્યું કે, છેલ્લા 40 વર્ષથી તેમના ચાહકો જ તેમની શક્તિ છે અને તેમના વિના, મોહનલાલ કંઈ નથી.
શું હતો ફિલ્મનો વિવાદ?
‘એમ્પુરાન’ ફિલ્મ ‘લુસિફર’નો બીજો ભાગ છે, જે અભિનેતા-દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારન દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં પૃથ્વીરાજનું પાત્ર ઝાયદ મસૂદ છે, જેની વાત શરૂ થાય છે ગોધરા રમખાણોથી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે હિંદુ કટ્ટરપંથીઓએ એક મુસ્લિમ પરિવારની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં તત્કાલીન સત્તારૂઢ ભાજપ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પણ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સીન જોઈને હિંદુ સંગઠનો ગુસ્સે થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ મોહનલાલ અને પૃથ્વીરાજની ઘણી ટીકા કરી હતી. કેટલાકે કહ્યું કે, તે ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપે છે, જ્યારે કેટલાકે કહ્યું કે તે હિંદુઓને બદનામ કરવાનું કાવતરું છે.
વિવાદ એટલો વધી ગયો હતો કે, ફિલ્મના પ્રોડક્શન હાઉસે ‘એમ્પુરાન’માંથી 17 સીન દૂર કરવાની જાહેરાત કરી હતી. તેમાં રમખાણોના દ્રશ્યો અને મહિલાઓ સામે હિંસા દર્શાવતા ભાગોનો સમાવેશ થાય છે. બીજી તરફ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય મહાસચિવ કે. ગણેશે પૃથ્વીરાજ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પૃથ્વીરાજના ‘વિદેશી કનેક્શન’ની તપાસ થવી જોઈએ.
ગણેશે દાવો કર્યો હતો કે તેની પાછલી ફિલ્મો જેમ કે ‘કુરુથી’ અને ‘જન ગણ મન’ પણ ‘રાષ્ટ્રવિરોધી’ હતી. તેમણે જોર્ડનમાં ફિલ્મ ‘આડુજીવિતમ’ના શૂટિંગ દરમિયાન પૃથ્વીરાજના સંપર્કો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
નોંધનીય છે કે, ગોધરા રમખાણો 27 ફેબ્રુઆરી, 2002ના રોજ શરૂ થયા હતા, જ્યારે અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોને સાબરમતી એક્સપ્રેસના કોચમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ હુમલો મુસ્લિમોના ટોળા દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં ભયંકર રમખાણો ફાટી નીકળ્યા હતા. પરંતુ ‘એમ્પુરાન’ દ્વારા ફક્ત હિંદુઓને ગુનેગાર તરીકે બતાવવાના પ્રયાસથી લોકોનો ગુસ્સો વધ્યો હતો. સત્ય એ છે કે, ગોધરા ઘટના અંગે વર્ષોથી રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ તે ટ્રેનમાં સળગાવી દેવાયેલા કારસેવકો વિશે બહુ ઓછી વાત થાય છે.