દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને શરાબ નીતિ કૌભાંડના આરોપી મનિષ સિસોદિયાએ તેમની ઓફિસે CBIએ દરોડા પાડ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગે એક ટ્વિટ પણ કર્યું હતું. જોકે, પછીથી એજન્સીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમણે કોઈ દરોડાની કાર્યવાહી કરી નથી.
શનિવારે (14 જાન્યુઆરી 2023) બપોરે મનિષ સિસોદિયાએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે દાવો કર્યો કે તેમની ઓફિસે CBIની ટીમ પહોંચી છે. તેમણે પોતે કંઈ ખોટું ન કર્યું હોવાનો દાવો કર્યો હતો અને એમ પણ લખ્યું કે તેઓ દિલ્હીના બાળકોનાં શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. જોકે, જે કેસમાં કાર્યવાહી થઇ રહી છે એ દારૂ નીતિ સબંધિત છે.
आज फिर CBI मेरे दफ़्तर पहुँची है. उनका स्वागत है.
— Manish Sisodia (@msisodia) January 14, 2023
इन्होंने मेरे घर पर रेड कराई, दफ़्तर में छापा मारा, लॉकर तलशे, मेरे गाँव तक में छानबीन करा ली.मेरे ख़िलाफ़ न कुछ मिला हैं न मिलेगा क्योंकि मैंने कुछ ग़लत किया ही नहीं है. ईमानदारी से दिल्ली के बच्चों की शिक्षा के लिए काम किया है.
મનિષ સિસોદિયાના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ આ ખબર ફેલાઈ ગઈ હતી. જોકે, પછીથી મીડિયા અહેવાલોએ CBIના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મનિષ સિસોદિયાની ઓફિસે કોઈ દરોડાની કાર્યવાહી કરવામાં આવી નથી અને અધિકારીઓ માત્ર કેટલાક દસ્તાવેજો લેવા માટે જ ગયા હતા. આ દરોડાની કાર્યવાહી ન હતી.
ટાઈમ્સ નાઉના રિપોર્ટમાં CBIનાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય એજન્સી દ્વારા મનિષ સિસોદિયાની ઓફિસના પરિસરમાં કોઈ રેડની કાર્યવાહી કરવામાં આવી ન હતી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું. અમુક દસ્તાવેજો જમા કરાવવા માટે CrPC ખંડ 91 હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી. જે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સીબીઆઈની ટીમ મનિષ સિસોદિયાની ઓફિસે પહોંચી હતી અને દસ્તાવેજો મેળવ્યા હતા.
આ પહેલાં ગત ઓગસ્ટ મહિનામાં CBIએ મનિષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા અને લગભગ આઠ-નવ કલાક સુધી શોધખોળ કરી હતી. આ તમામ કાર્યવાહી એક્સાઇઝ પોલિસી કેસ મામલે કરવામાં આવી રહી છે.
દરોડાની કાર્યવાહી બાદ સીબીઆઈએ મનિષ સિસોદિયા સહિત 15 વ્યક્તિઓ સામે FIR દાખલ કરી હતી, જેમાં સિસોદિયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. એજન્સીએ નવેમ્બર 2021માં લાવવામાં આવેલ દિલ્હી એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓ મામલે આ FIR દાખલ કરી હતી.
એફઆઈઆરમાં મનિષ સિસોદિયા અને અન્યો પર એક્સાઈઝ પોલિસી બનાવવા અને તેનો અમલ કરવામાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. સાથે ઉપરાજ્યપાલની પરવાનગી વગર શરાબ ઉત્પાદકોને ફાયદો પહોંચાડવાનો, શરાબ વિતરકોની ઈએમડી પરત કરવાનો અને L1, L7 લાયસન્સ આપવાની પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાનો આરોપ પણ છે. તદુપરાંત, કેન બિયર પોલિસીમાં પણ ગોટાળાનો આરોપ છે.
દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
આરોપો અનુસાર, મનિષ સિસોદિયાએ કોરોના વાયરસના બહાને ખાનગી લિકર વેપારીઓની 144 કરોડની લાયસન્સ ફી માફ કરી દીધી હતી. આ ઉપરાંત, લિકરનું લાયસન્સ ધરાવનારાઓને ફાયદો કરવા માટે ઈમ્પોર્ટ પાસ ફી પણ માફ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક્સાઈઝ વિભાગને નુકસાન ગયું હતું.
આ તમામ ફેરફારો ઉપરાજ્યપણની પરવાનગી વગર કરવામાં આવ્યા હતા અને જેના કારણે દિલ્હી એક્સાઈઝ રૂલ્સ 2010 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ 1993 હેઠળ અનિયમિતતા જોવા મળતાં સીબીઆઈએ કેસ નોંધ્યો હતો અને મનિષ સિસોદિયા સહિત 15 લોકો સામે FIR દાખલ કરી હતી.