Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાની વધતી મુશ્કેલીઓ: સીબીઆઈ બાદ હવે કેસમાં ઇડીની એન્ટ્રીની શક્યતાઓ, દાખલ...

    મનિષ સિસોદિયાની વધતી મુશ્કેલીઓ: સીબીઆઈ બાદ હવે કેસમાં ઇડીની એન્ટ્રીની શક્યતાઓ, દાખલ થઇ શકે મની લોન્ડરિંગનો કેસ

    એક્સાઈઝ પોલિસી મામલે સીબીઆઈએ તમામ દસ્તાવેજો અને એફઆઈઆર ઇડીને સોંપ્યા હોવાનું અહેવાલોમાં જાણવા મળ્યું છે.

    - Advertisement -

    દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધતી જ જણાઈ રહી છે. એક તરફ સીબીઆઈ મનિષ સિસોદિયા અને અન્યો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ હવે આ કેસમાં ઇડી પણ એન્ટ્રી કરશે તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ મામલે સીબીઆઈએ ઇડીને દસ્તાવેજો સોંપી દીધા હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    સીબીઆઈએ દારૂ ગોટાળા મામલે મનિષ સિસોદિયા સબંધિત એફઆઈઆર તેમજ અન્ય દસ્તાવેજોની નકલ ઇડીને સોંપી દીધી છે. જે બાદ હવે તેમની સામે મની લોન્ડરિંગનો પણ કેસ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઇડી હાલ સીબીઆઈ પાસેથી કેસની તમામ વિગતો મેળવી રહી છે અને નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે. જે બાદ PMLA એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવી શકે છે. 

    મનિષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે અને સીબીઆઈએ કહ્યું છે કે તે માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. લુકઆઉટ નોટિસનો અર્થ એ થાય છે કે જેમની સામે આ નોટિસ જારી કરવામાં આવી હોય તેઓ દેશ છોડી શકતા નથી અને આ નિયમોના ઉલ્લંઘન બદલ એજન્સીને તેમની ધરપકડ કરવાનો પણ અધિકાર મળે છે. 

    - Advertisement -

    જોકે, દિલ્હીના શિક્ષણમંત્રીને લુકઆઉટ નોટિસનો અર્થ જ ખબર ન હોય તેવું જણાયું હતું. કારણ કે તેમણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, એજન્સી તેમને શોધી શકી નથી અને જેના કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. ટ્વિટ કરતાં તેમણે કહ્યું કે, હું ખુલ્લેઆમ દિલ્હીમાં ફરી રહ્યો છું, કહો ક્યાં આવવાનું છે? આ શું નાટક છે? જોકે, સત્ય એ છે કે લુકઆઉટ નોટિસ કોઈને શોધવા માટે નહીં પરંતુ દેશ છોડતો અટકાવવા માટે જારી કરવામાં આવે છે. 

    આ કેસ દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22 સબંધિત છે. જે દિલ્હી સરકારે 2020માં પ્રસ્તાવિત કરી હતી. જોકે, તાજેતરમાં જ આ પોલિસી કેજરીવાલ સરકારે પરત ખેંચી લીધી હતી. નવેમ્બર 2021માં અમલમાં મૂકવામાં આવેલી આ પોલિસીથી દિલ્હીમાં આલ્કોહોલના વેચાણની પદ્ધતિ બદલાઈ ગઈ હતી. 

    પોલિસી અમલમાં આવી તે પહેલાં માત્ર સરકારની માન્યતા પ્રાપ્ત લોકોને જ આલ્કોહોલ વેચવાની પરવાનગી હતી, પરંતુ નવી પોલિસીથી બજારમાં ખાનગી વ્યવસાયો પણ પ્રવેશ્યા હતા. દિલ્હીને 32 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું અને દરેકમાં 27 ખાનગી વેપારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. 

    આ પોલિસીના કારણે સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો અને 8900 કરોડ સુધી પહોંચી ગઈ હતી. બીજી તરફ, તેનાથી દારૂના ધંધામાંથી સરકારને બાકાત કરી દેવામાં આવી હતી.

    દિલ્હી સરકારે આ પોલિસી કાળાબજાર અને લિકર માફિયાને ડામવા માટે લાવવાના દાવા કર્યા હતા પરંતુ બીજી તરફ, પોલિસી લાગુ થતાં જ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગવાના શરૂ થઇ ગયા હતા. એપ્રિલ 2022માં નિમાયેલા દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે નવી પોલિસીમાં અનિયમિતતા અને નિયમોનું ઉલ્લંઘન જોતાં એક રિપોર્ટ તૈયર કર્યો હતો, જેમાં જણાવામાં આવ્યું હતું કે એક્સાઇઝ વિભાગના પ્રમુખ મનિષ સિસોદિયાએ ઉપરાજ્યપાલની પરવાનગી વગર જ પોલિસીમાં ફેરફારો કરી દીધા હતા. 

    આરોપો અનુસાર, મનિષ સિસોદિયાએ કોરોના વાયરસના બહાને ખાનગી લિકર વેપારીઓની 144 કરોડની લાયસન્સ ફી માફ કરી દીધી હતી. આ ઉપરાંત, લિકરનું લાયસન્સ ધરાવનારાઓને ફાયદો કરવા માટે ઈમ્પોર્ટ પાસ ફી પણ માફ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક્સાઈઝ વિભાગને નુકસાન ગયું હતું. 

    આ તમામ ફેરફારો ઉપરાજ્યપણની પરવાનગી વગર કરવામાં આવ્યા હતા અને જેના કારણે દિલ્હી એક્સાઈઝ રૂલ્સ 2010 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રૂલ્સ 1993 હેઠળ અનિયમિતતા જોવા મળતાં સીબીઆઈએ કેસ નોંધ્યો હતો અને મનિષ સિસોદિયા સહિત 15 લોકો સામે FIR દાખલ કરી હતી. જેમાં સિસોદિયા મુખ્ય આરોપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં